જેવર, ઇવાર (જ. 5 એપ્રિલ 1929, બર્ગન, નૉર્વે) : અર્ધવાહક અને અતિવાહક પદાર્થમાં ટનલિંગ ઘટનાને લગતી પ્રાયોગિક શોધ માટે એસાકી લિયો તેમજ બી. ડી. જૉસેફસન સાથે 1973નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. નૉર્વેજિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. 1954માં કૅનેડિયન જનરલ ઇલેક્ટ્રિક કંપનીમાં મિકૅનિકલ એન્જિનિયર તરીકે જોડાવા માટે કૅનેડા સ્થળાંતર કર્યું. 1956માં આ જ કંપનીના રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, સ્કેનેક્ટેડી, ન્યૂયૉર્ક ખાતે બદલી થઈ. 1964માં ન્યૂયૉર્ક રેનસેલરી પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાંથી ડૉક્ટરેટ મેળવી. કૅનેડિયન જનરલ ઇલેક્ટ્રિક કંપનીના લિયો એસાકી દ્વારા સંશોધિત, અતિવાહક પદાર્થમાં ટનલિંગ અસર વિશે કામ કર્યું. 1960માં ઇલેક્ટ્રૉનનું વહન થઈ શકે તેવી પાતળી ફિલ્મ દ્વારા અલગ પાડવામાં આવેલી ધાતુઓ પર પ્રયોગ કર્યો અને શોધી કાઢ્યું કે બેમાંથી એક પણ ધાતુ અતિવાહકતાના તબક્કામાં હોય તો આ જંક્શનની પ્રવાહ-વૉલ્ટેજ લાક્ષણિકતાઓ અરેખીય હોય છે. આ સંશોધન વિજ્ઞાની બ્રાયન જૉસેફસનને ‘જૉસેફસન અસર’ની શોધ તરફ દોરી ગયું. આ કાર્યનો અગત્યનો ઉપયોગ માઇક્રોઇલેક્ટ્રૉનિક્સ અને વિદ્યુતચાલક બળના ચોક્કસ (precise) માપનમાં કરવામાં આવે છે. જેવરે પ્રતિપિંડ પ્રતિજન પ્રતિક્રિયા(antibody antigen reaction)ના ર્દશ્ય નિરીક્ષણના ક્ષેત્રમાં પણ કામ કર્યું છે.

રાજેશ શર્મા