મહેતા, દેવશંકર નાથાલાલ (જ. 16 જાન્યુઆરી 1916, ગુજરવદી; અ. 30 ઑક્ટોબર 1984, ગુજરવદી) : ગુજરાતી નવલકથાકાર. ગુજરવદી(જિ. સુરેન્દ્રનગર)ના વતની. વ્યવસાય મુખ્યત્વે ખેતી અને લેખન. સૌરાષ્ટ્રના તળપદા માનવને તેની ખુમારી તેના હીર સહિત યથાતથ નિરૂપવામાં સિદ્ધહસ્ત. સૌરાષ્ટ્ર અને તેના સાગરકાંઠાની સંસ્કૃતિ, ત્યાંના ખમીરવંતા માનવો, ત્યાંનું લોકજીવન આદિને જોમવંતી શૈલીમાં રજૂ કરતી અને કથારસથી તરબોળ કરતી સંખ્યાબંધ નવલકથાઓ આપી તેમણે પોતાનો આગવો ચાહકવર્ગ પ્રાપ્ત કર્યો હતો. કોંઢ ગામની ધૂડી નિશાળના શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરેલી. બાદમાં સાળા ગિરીશભાઈ રાવલના આગ્રહથી કોલકાતાગમન. ત્યાં ચાંપશીભાઈ ઉદેશી સાથે કામગીરી. સાઢુભાઈ અને દરિયાઈ સાહસ-કથાઓ આપનાર સ્વ. ગુણવંતરાય આચાર્યના આગ્રહથી મુંબઈ આવ્યા અને ‘મોજમજાહ’માં સેવા આપી. મુંબઈ આવ્યા બાદ મુંબઈ અને ગુજરાતનાં વર્તમાનપત્રોમાં લેખન. પાછળથી શામળદાસ ગાંધી સાથે ‘વંદેમાતરમ્’માં જોડાયા અને શામળદાસ ગાંધીના અવસાન બાદ વતન ગુજરવદીમાં છેલ્લાં 35 વર્ષ નિવાસ અને ખેતીકાર્ય તથા લેખનકાર્ય. તેમની પાસેથી લગભગ 73 જેટલી નવલકથાઓ મળી છે; જેમાં ‘ધરતીની આરતી’ (1959), ‘અજરઅમર’ (1962), ‘અજરપિયાલી’ (1963), ‘એળે ગયો અવતાર’ (ભા. 1-2) (1964), ‘ખોવાયેલાં અંગનાં ઢાંકણ’ (1966), ‘એક સતી-બે પતિ’ (1972), ‘ખારા પાણીનું ખમીર’ (1981), ‘જે જાય જાવે’ (1982), ‘અબોટ યૌવન’, ‘અમરતવેલ’, ‘એક છીપનું મોતી’, ‘કોટેશ્વરનું બાણ’, ‘ગોરાંદે ગુર્જરી’ (1-2), ‘ગામની મા’, ‘ચંદારાણી’, ‘જંગે સાલાર’, ‘દરિયાને ખોળે’ (1-3), ‘પારસમણિ’ (1-3), ‘પુણ્યપ્રકોપ’ (1-2), ‘ભસ્મકંકણ’ (1-3), ‘મહારાણી પરમેશ્વરી’, ‘મહેરામણનો મોભી’ (1-2), ‘મેવાડની મછગંધા’, ‘મૂંઝવતા પ્રશ્નો’, ‘રંગ છે રત્નાકર’ (1-2), ‘સાથી જનમ જનમનાં’, ‘સિંધુ તારાં વહેતાં પાણી’ અને અન્ય અનેક નવલકથાઓનો સમાવેશ થાય છે. છેલ્લે છેલ્લે તેમની પાસેથી ‘આરસનું સ્વપ્ન’ કૃતિ સાંપડેલી. તેમની પાસેથી ‘ગામને ઝાંપે’ નામક વાર્તાસંગ્રહ પણ મળ્યો છે. વિષય અને તેની વિશિષ્ટ રજૂઆતથી તેમણે ગુજરાતી નવલકથાના પ્રવાહમાં આગવી મુદ્રા ઊભી કરી છે.
શ્રદ્ધા ત્રિવેદી