મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ

January, 2002

મહેતા, ધનસુખલાલ કૃષ્ણલાલ (જ. 20 ઑક્ટોબર 1890, વઢવાણ; અ. 29 ઑગસ્ટ 1974) : હાસ્યકાર, ટૂંકી વાર્તાના લેખક, નાટ્યકાર અને વિવેચક. એમનું વતન સૂરત બની રહ્યું. સૂરત શહેરની મોજીલી પ્રકૃતિના રંગ એમની અનેક કૃતિઓમાં વરતાય છે. નબળું શરીર અને નાદુરસ્ત તબિયતના કારણે માંડ એ જમાનાની મૅટ્રિક્યુલેશન પરીક્ષા તેઓ પસાર કરી શક્યા. એમનો અભ્યાસ વઢવાણ, પાલિતાણા, સૂરત અને મુંબઈમાં થયો હતો. મુંબઈમાં તેમણે વિક્ટોરિયા જ્યૂબિલી ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો હતો અને બારેક વર્ષ મુંબઈમાં જ નોકરીમાં વિતાવ્યાં હતાં.

ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા

સાહિત્યલેખનમાં એમનો રસ જાગ્રત કરનાર–પ્રેરનાર એમના મામા રણજિતરામ વાવાભાઈ મહેતા અને વડીલ બંધુ જયસુખલાલ હતા. એમણે ધનસુખલાલને ગુજરાતી ભાષા પર પ્રશસ્ય કાબૂ મેળવવા માટે કેટલાંક પ્રસિદ્ધ પુસ્તકોના અનુવાદ કરવાની સૂચના કરી. એને પરિણામે તેમણે અંગ્રેજ લેખક સર આર્થર કૉનનડૉઇલના સુખ્યાત પુસ્તકનો ગુજરાતીમાં ‘ડિટેક્ટિવ બહાદુર શેરલૉક હોમ્સ’ નામથી અનુવાદ કર્યો (1909). એ પછી એમનો બીજો ગુજરાતી અનુવાદ ‘ચંડાળ ચોકડી અને શેરલૉક હોમ્સનું નવું પરાક્રમ’ પ્રકાશિત થયો (1913). 1920માં બીજાં બે અનૂદિત પુસ્તકો ‘મેટરલિંકના નિબંધો’ અને ‘રણમેદાને રૂમઝૂમલાલ’ પ્રગટ થયાં. ‘મેટરલિંકના નિબંધો’ માટે તેમને મુંબઈની ફાર્બસ સભા તરફથી પારિતોષિક પણ મળ્યું હતું.

અનુવાદની સફળતા પછી તેમણે વાર્તાલેખનમાં કલમની અજમાયશ કરવા માંડી. ટૂંકી વાર્તાની પ્રારંભિક ભૂમિકામાં તેમની ‘બા’ વાર્તા ઉલ્લેખનીય છે. ધનસુખલાલે કારકિર્દીનો આરંભ ભલે ગંભીર પ્રકારના નિબંધોના અનુવાદ આપીને કર્યો, પણ એમની હાસ્યવૃત્તિ તરત તેમને હાસ્યકથા અને હળવા નિબંધોના ખેડાણ તરફ ખેંચી ગઈ; પણ મૌલિક હાસ્યકથાઓના પ્રમાણમાં અનૂદિત-રૂપાંતરિત વાર્તાઓમાં તેમનું અર્પણ વિશેષ છે. ‘હું, સરલા અને મિત્રમંડળ’ (1920), ‘હાસ્યકથામંજરી ભાગ 1-2’ (1922, 1924), ‘હાસ્યવિહાર’ (1931), ‘ભૂતના ભડકા’ અને ‘વાર્તાવિહાર’ (1932)–એ વીસમી સદીના ત્રીજા-ચોથા દસકામાં લોકપ્રિય થયેલા તેમના સંગ્રહો હતા. અંગ્રેજી પુસ્તકોમાંથી હાસ્યકથાઓનું રૂપાંતર કરવાની તેમને સહેજે ફાવટ હતી. મુખ્યત્વે તેઓ હાસ્યરસિક ઘટનાઓથી સભર પુસ્તકો રૂપાંતર-અનુવાદ માટે પસંદ કરતા હતા. એમનું પુસ્તક ‘હું, સરલા અને મિત્રમંડળ’માં પાત્રોનાં સંવેદનો નહિ, પણ તેમની વિલક્ષણ પ્રકૃતિ, ધન અને ઘટનાઓના છબરડાઓથી નિર્દોષ અને સ્વચ્છ હાસ્ય નિષ્પન્ન થતું જણાય છે. એ રીતે હાસ્યકથાઓમાં એમનું હાસ્ય પરિસ્થિતિજન્ય છે. એમના સળંગ હાસ્યરસના બીજા એક પુસ્તક ‘અમે ત્રણ’માં જેરોમ કે. જેરોમના ‘થ્રી મેન ઇન એ બોટ’નો પ્રબળ પ્રભાવ છે. એમના હળવા નિબંધો પ્રમાણમાં ઓછા છે. પણ એમાં એમની ગુલાબી હાસ્યવૃત્તિ અનુભવી શકાય છે. એમનાં સંખ્યાબંધ પુસ્તકોમાં ‘સાસુજી’ (1934), ‘છેલ્લો ફાલ’ (1940), ‘પહેલો ફાલ’ (1947), ‘સન્ધ્યાટાણે’ (1950), ‘અમારો સંસાર’ (1951), ‘ભૂતનાં પગલાં’ (1951), ‘ડૉક્ટર જમાઈ’ (1951), ‘રામનાં રખવાળાં’ (1954), ‘શમતી સંધ્યા’ (1954), ‘ખોળો ભર્યો’ (1956), ‘ફુરસદના ફટાકા’ (1957), ‘ઘડીભર ગમ્મત’ (1958), ‘અંતરનાં અમી’ (1961) અને ‘રાત્રિના ઓછાયા’(1966)નો સમાવેશ થાય છે. એમનાં આ પુસ્તકોમાંથી કેટલાંકમાં જુદાજુદા વાર્તાસંગ્રહોમાંથી નવાં શીર્ષકોએ જૂની કૃતિઓ પ્રકાશિત થયેલી જોવા મળે છે. એ પુસ્તકોમાં કેટલાંકમાં વાર્તાઓ ઉપરાંત નિબંધો અને નાટકો પણ સંગૃહીત છે.

એમનાં નાટકોમાં પણ મોટાભાગનાં રૂપાંતરો છે. નાટકોમાં પણ તેઓ હાસ્યરસિક ઘટનાપ્રધાન અંગ્રેજી નાટકો રૂપાંતર માટે પસંદ કરે છે. મંચ પર સફળતાથી ભજવાય અને પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન મળે એ ર્દષ્ટિએ એમણે લખેલાં અનેકાંકી તેમજ એકાંકી નાટકો અને થોડાંક ગંભીર વિષયને લગતાં એકાંકીઓમાં ‘છેલ્લી ઘડીએ’ (1949), ‘પ્રેમનું પરિણામ’ (1951), ‘લહેરી ડોસાજી’ (1952), ‘રંગોત્સવ’ (1957), ‘ગરીબની ઝૂંપડી’ (1958), ‘રંગરંજન’ (1959), ‘રસરંજન’ (1959), ‘પહેલું અને છેલ્લું’ (1960), ‘જમાઈ આવ્યા’ (1963), ‘રજનું ગજ’ (1966) અને ‘પીછેહઠ’(1968)નો સમાવેશ થાય છે.

એમણે જ્યોતીન્દ્ર દવેના સહયોગમાં ‘અમે બધાં’ નવલકથા લખી, હાસ્યરસિક ઘટનાઓ આલેખવાની એમની શક્તિનો અંદાજ આપ્યો છે. તો નાટકોની બાબતમાં પણ તેમણે અન્ય લેખકો સાથે સહયોગ સાધ્યો છે. તેમાં અવિનાશ વ્યાસ સાથે ‘અર્વાચીના’ (1946), ગુલાબદાસ બ્રોકર સાથે ‘ધૂમ્રસેર’ (1948), બચુભાઈ શુક્લ સાથે ‘વાવાઝોડું’ (1956), ધીરુબહેન પટેલ સાથે ‘પંખીનો માળો’ (1957) ઉપરાંત ‘બિચારો અને ભૂલના ભોગ’ (1921), ‘સરી જતું સૂરત’ (1942), ‘સ્નેહનાં ઝેર’ (1950), ‘મનુની માસી’ (1951), ‘દસ મિનિટ’ (1951), ‘આંધળો ન્યાય’ (1956), ‘ખંડિયેરમાં રહેનારા’ (1962) અને ‘બંગલો રાખ્યો’ (1963) પણ નોંધપાત્ર નાટકો છે. એમનાં પ્રહસનો તખ્તા પર અનેક વાર ભજવાઈ ચૂક્યાં છે.

આ ઉપરાંત હળવા નિબંધોનો તેમનો એક સંગ્રહ ‘વિનોદવિહાર’ (1931) પણ ખાસ ધ્યાનપાત્ર છે.

એમના અનુવાદોમાં ‘અમને ઓજારો આપો’ (1961) અને ‘અરેબિયન નાઇટ્સ’ (1963) જેવી કૃતિઓ પણ સમાવિષ્ટ છે. ધનસુખલાલે થોડાંક વિવેચનો અને ખાસ તો નાટ્યવિષયને લગતાં બીજાં પ્રકીર્ણ પુસ્તકો લખ્યાં છે. એમાં ‘મીઠી નજરે’(1940)માં વિવેચનલેખો અને રેખાચિત્રો મુખ્ય છે. ‘આરામખુરશીએથી’ (1945), ‘સર્જનને આરે’ (1956), ‘ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિનો ઇતિહાસ’ (1956), ‘નાટક ભજવતા પહેલાં’ (1959), ‘નાટ્યવિવેક’ (1959), ‘બિચારો નાટ્યકાર’ (1959)એ તેમનાં મુખ્યત્વે નાટ્યવિવેચનને લગતાં પુસ્તકો છે. ‘સ્વ. સર લલ્લુભાઈ શામળદાસ’ (1954) જીવનચરિત્ર અને ‘આથમતે અજવાળે’ (1944) આત્મકથા છે. એમની હાસ્યક્ષેત્રે સેવાની કદર રૂપે તેમને ઈ. સ. 1940નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ધનસુખલાલ મહેતાએ લગભગ 6 દાયકા સુધી મુખ્યત્વે હાસ્યકાર અને નાટ્યકાર તરીકે ગુજરાતી સાહિત્યક્ષેત્રે ગણનાપાત્ર સેવા કરી.

મધુસૂદન પારેખ