મહેતા, જયા (જ. 16 ઑગસ્ટ 1932, કોળિયાક, જિ. ભાવનગર) : કવયિત્રી, અનુવાદક, વિવેચક, સંપાદક. ઉપનામ : ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’. પિતાનું નામ વલ્લભદાસ. વતન કોળિયાક (જિ. ભાવનગર). હાલમાં મુંબઈ. 1954માં બી.એ.; 1963માં એમ.એ. ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિશિષ્ટ અભ્યાસ’ – એ વિષય પર તેમણે પીએચ.ડી. કર્યું. એ પછી એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી, મુંબઈમાં વ્યાખ્યાતા-રીડર. હાલ નિવૃત્ત, પણ લેખનક્ષેત્રે પ્રવૃત્ત. ‘સુધા’ અને ‘વિવેચન’ સામયિકોનાં સહતંત્રી રહી ચૂકેલાં.

તેમણે મૌલિક કાવ્યો ઉપરાંત પરભાષાનાં કાવ્યોના અનુવાદો આપ્યા છે. સાહિત્ય ઉપરાંત સંગીત-નાટકમાં પણ રુચિ. પોતાની કાવ્યશક્તિને પોષવાનું–તેની માવજત કરવાનું શ્રેય તેઓ કવિશ્રી સુરેશ દલાલને આપે છે. શબ્દ અને અર્થનું હૃદયસ્પર્શી સાયુજ્ય એ જ ઉત્તમ કાવ્ય એમ માનતાં જયા મહેતા રોજિંદાં સંવેદનોને કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત કરી શક્યાં છે. લય-પ્રાસનું પ્રભુત્વ તેમજ ઉપમા, પ્રતીકો, કલ્પનો આદિનો ઉચિત વિનિયોગ તેમની કવિતાને આસ્વાદ્ય બનાવે છે. સર્જન દ્વારા આધુનિક માણસને ઓળખવાનો તેમનો પ્રયત્ન સ્તુત્ય છે.

તેમની પાસેથી ‘વેનીશન બ્લાઇન્ડ’ (1978), ‘એક દિવસ’ (1982), ‘આકાશમાં તારાઓ ચૂપ છે’ (1985), ‘હૉસ્પિટલ પોઇમ્સ’ (1987), ‘એક ખરે આ પાંદડું’ (1989) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. તેમાંના ‘વેનીશન બ્લાઇન્ડ’ને ગુજરાત સરકારનું અને ‘એક ખરે આ પાંદડું’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે.

‘મનોગત’ (1980), ‘કાવ્યઝાંખી’ (1985), ‘અનુસંધાન’ (1986), ‘બુકશેલ્ફ’ (1991) – તેમના વિવેચનગ્રંથો છે. અનુવાદ-ક્ષેત્રે તેમનું પ્રદાન ઇયત્તા અને ગુણવત્તા બંને ર્દષ્ટિએ નોંધપાત્ર છે. તેમના અનૂદિત ગ્રંથોની સંખ્યા લગભગ 27ની છે. તેમાં ભાષા અને સ્વરૂપનું વૈવિધ્ય ધ્યાનપાત્ર છે. તેમના દુર્ગા ભાગવતના ‘વ્યાસપર્વ’(1980)ના અનુવાદને ‘શરદચંદ્ર આંતરભારતી અનુવાદ પારિતોષિક’ તો ‘રેણુ’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું છે. 1969થી આરંભાયેલ તેમની અનુવાદપ્રવૃત્તિ આજેય (2001) ચાલુ છે. તેમની પાસેથી વિદેશી કાવ્યોના અનુવાદોનો સંચય ‘પ્રતિશ્રુતિ’ (1988), તો મરાઠી કાવ્યોના અનુવાદનો સંચય ‘અનુગુંજ’ (1987) મળ્યા છે. ગ્રેસના લલિત નિબંધોનો સંગ્રહ ‘ચર્ચ બેલ’ (1980), ‘અમૃતા પ્રીતમની પ્રતિનિધિ કવિતા’ (1987), કાવ્યવિશ્વ શ્રેણી અંતર્ગત અશોક વાજપેયી અને કુસુમાગ્રજનાં કાવ્યો, રવીન્દ્રનાથનાં ત્રણ વ્યાખ્યાનો, ‘સુવર્ણમુદ્રા અને – ’ (1991), ‘દ્રૌપદી’ (1995) જેવા અનેક અનુવાદોથી ગુજરાતી અનુવાદસાહિત્યને તેમણે સમૃદ્ધિ બક્ષી છે. મૌલિક કાવ્યો ઉપરાંત ‘કવિપ્રિય કવિતા’ (1978), ‘સુરેશ દલાલનાં શ્રેષ્ઠ કાવ્યો’ (1985), ‘કાવ્યવિશેષ : સુરેશ દલાલ’ (1991), કાવ્યતીર્થ’ (1988, અન્ય સાથે) વગેરે તેમનાં કવિતાનાં સંપાદનો છે. ‘વાર્તાવિશ્વ’ (1980, અન્ય સાથે), ‘સુરેશ દલાલના નિબંધો’ (1987), ‘ગદ્યતીર્થ’ (1988, અન્ય સાથે), ‘વાર્તાયન’ (ભા. 1–3, 1989), ‘આ શહેરમાં’ (1989, અન્ય સાથે) તેમનાં ગદ્યક્ષેત્રનાં સંપાદનો છે. ‘વિમાનમાંથી વ્હીલચેર’ (1999) એ તેમના લંડન-પ્રવાસને આલેખતું પુસ્તક છે. તેમણે ‘ગુજરાતી કવિતા અને નાટકમાં હાસ્યવિનોદ’, ‘ગુજરાતપ્રશસ્તિનાં કાવ્યો’, ‘ગુજરાતી લેખિકાઓએ નવલકથા-વાર્તાસાહિત્યમાં આલેખેલું સ્ત્રીનું ચિત્ર’ – જેવા સંશોધનગ્રંથો પણ આપ્યા છે. જયા મહેતા કહે છે તેમ, તેમનું સમગ્ર સર્જન ‘સ્વસ્થ શબ્દ માટેની મથામણ’ માત્ર છે.

શ્રદ્ધા ત્રિવેદી