મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’)

January, 2002

મહેતા, જિતુભાઈ પ્રભાશંકર (‘ચંડૂલ’) (જ. 19 સપ્ટેમ્બર 1904, ભાવનગર; અ. 2 ઑક્ટોબર 1987) : ગુજરાતી પત્રકાર, નવલકથાકાર અને વાર્તાકાર. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. અભ્યાસ મેટ્રિક સુધી. સંજોગવશાત્ માત્ર 17 વર્ષની વયે તેમને ખાંડના કારખાનામાં નોકરી લેવી પડી; ત્યારબાદ નસીબ અજમાવવા તેઓ મુંબઈ પહોંચ્યા. મુંબઈમાં એમનું ચિત્ત પત્રકારત્વની દિશામાં ખેંચાયું અને સદભાગ્યે, એમને ‘પ્રજામિત્ર કેસરી’માં પત્રકાર-લેખક તરીકે કામ મળી પણ ગયું અને એ ક્ષેત્ર એમને સુપેરે ફળ્યું. પત્રકારત્વમાં એમની સાહિત્યિક ચેતનાને ગતિ મળી. તેમણે નવલકથા, ટૂંકી વાર્તા, રહસ્યકથા, લેખ, અનુવાદ જેવાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં કલમ અજમાવી.

જિતુભાઈ પ્રભાશંકર મહેતા

જિતુભાઈની લેખનકારકિર્દી એમના વનપ્રવેશના આરંભના વર્ષથી શરૂ થઈ. એમની પહેલી સામાજિક નવલકથા ‘અજવાળી કેડી’(1955)માં ભૂતકાળમાં ખોવાઈ ગયેલી કેટલીક વ્યક્તિઓને નિમિત્ત કરીને તેમણે સળંગ કથા ઉપજાવી છે. એ પછી ‘જોયું તખ્ત પર જાગી’ (1961), ‘વંદે માતરમ્’ દૈનિક માટે લખી. ‘પ્રીત કરી તે કેવી’ 1961માં અને ‘જીવનની સરગમ–ભાગ-1-2’ 1964માં પ્રગટ થઈ. એમની નવલકથાઓ મુખ્યત્વે સમાજમાં નારીની સમસ્યા પર કેન્દ્રિત રહેલી જણાય છે. ‘જીવનની સરગમ’માં તેમણે મોટા ફલક પર દામ્પત્યના પ્રશ્નોનું નિરૂપણ કર્યું છે. એમને ઘટનાઓમાં રંગ પૂરવાની આદત છે; ફાવટ છે. સાદી ઘટનાઓને પણ તેઓ રંગદર્શી બનાવે છે. શબ્દોની કરકસર નહિ, પણ ભરમાર તેમને માફક આવે છે. આમ નવલકથાલેખનમાં તેમનું રોમૅન્ટિક વલણ ધ્યાન ખેંચે છે.

‘પ્રજાતંત્ર’માં તેમની બૃહત્કથા ‘જીવનની સરગમ’ પ્રગટ થઈ. જિતુભાઈએ એમની રુચિ રહસ્યકથામાં હોવાની પણ પ્રતીતિ કરાવી છે. ‘સાપના લિસોટા’ (1955) અને ‘ગુલાબી ડંખ’ (1956) જેવી રહસ્યકથા તેમને નામે જમા છે. અલબત્ત, રહસ્યકથા કરતાં એમની કલમને સામાજિક સ્તર પર નવલકથાની માંડણી કરવાનું વિશેષ ફાવ્યું છે.

ટૂંકી વાર્તાય તેમણે અજમાવી જોઈ છે, પણ ટૂંકી વાર્તાનું લાઘવ તેમની કૃતિઓમાં ઊતર્યું નથી. એમણે ટૂંકી વાર્તામાં પણ કલમને નિરાંતે વિહરવા દીધી છે. ‘ખરતા તારા’ (1960) અને ‘સનકારો’ (1965) એમના ટૂંકી વાર્તાના બે સંગ્રહો છે. ‘આપની સેવામાં’ એમનો વિવિધ વિષયો પરના લેખોનો સામાન્ય સંગ્રહ છે અને ‘સેતાનનો સંતાપ’ (1958) એમની એક અનૂદિત કૃતિ છે.

મધુસૂદન પારેખ