જેમ્સ, પ્રિન્સેપ (જ. 20 ઑગસ્ટ 1799, ઇંગ્લૅન્ડ; અ. 22 એપ્રિલ 1840, ભારત) : ભારતીય પુરાતત્વવિદ્યાના અને અભિલેખવિદ્યાના આંગ્લ અભ્યાસી. ભારતમાં 1819માં 20 વર્ષની વયે કૉલકાતાની સરકારી ટંકશાળમાં મદદનીશ ધાતુશુદ્ધિ પરીક્ષક (assay master) તરીકે જોડાયા. બીજે વર્ષે બઢતી પામીને વારાણસી ગયા. ત્યાં 1820થી 1830 સુધી કામ કર્યું. ત્યાંથી કૉલકાતા બદલી થતાં 1832થી 1840 સુધી અર્થાત્ જીવનપર્યંત કોલકાતામાં સેવા આપતા રહ્યા. આ દરમિયાન તે એશિયાટિક સોસાયટીના મંત્રીપદે રહી પુરાતત્વક્ષેત્રે વિવિધ સંશોધન-પ્રકાશન કરતા રહ્યા. પ્રિન્સેપે પોતાની 20 વર્ષની કારકિર્દીમાં રસાયણવિદ્યા, ધાતુવિદ્યા, સિક્કાશાસ્ત્ર, ભારતીય અભિલેખો અને અભિલેખવિદ્યા તેમજ પુરાતત્ત્વ પર સંખ્યાબંધ લેખો લખ્યા. અશોકના સમયની બ્રાહ્મી લિપિને યથાર્થપણે ઉકેલવાથી ભારતીય વિદ્યાક્ષેત્રે પ્રિન્સેપનું નામ અમર બન્યું.
પ્રવીણચંદ્ર પરીખ