મહીધર (ઈ. સોળમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય શુક્લ યજુર્વેદ પર ભાષ્ય રચનાર લેખક. તેઓ વત્સગોત્રના, જ્ઞાતિએ નાગરબ્રાહ્મણ હતા અને કાશીમાં રહેતા હતા. તેમનું ‘ભૂદાસ’ એવું પણ નામ પ્રચલિત છે. વેદ અને તંત્રમાર્ગના જાણકાર અને ભગવાન રામના ભક્ત હતા. તેમનું વતન અહિચ્છત્ર નામનું ગામ હતું. તેમણે પોતાના ગુરુનું નામ રત્નેશ્વર મિશ્ર આપ્યું છે. રત્નેશ્વર મિશ્ર તર્કભાષાના લેખક કેશવમિત્રના પુત્ર હતા. શુક્લ યજુર્વેદની માધ્યંદિની શાખાના બે પ્રમુખ ભાષ્યકારો ઉવટ અને મહીધર છે. ઉવટ પછી લગભગ પાંચસો વર્ષે મહીધર થયા છે. તેમના ભાષ્યનું નામ ‘વેદદીપ’. તેઓ નિરુક્ત, શ્રૌતસૂત્ર વગેરેમાંથી અવતરણો આપીને, યજ્ઞપ્રક્રિયાના વિધાનને સરળ રીતે સમજાવે છે. એક રીતે તે ઉવટભાષ્યને સ્પષ્ટતર અને વિશદ કરી આપે છે. ઉવટભાષ્ય સંક્ષિપ્ત છે. એની તુલનામાં મહીધરભાષ્ય વિસ્તૃત છે. આ સંહિતા પર સાયણભાષ્ય નથી, તેથી પણ આનું મહત્વ છે. ઈ. સ. 1588માં એમણે તંત્રગ્રંથ ‘મન્ત્રમહોદધિ’ની રચના કરી. આના ઉપર એમણે ટીકા પણ રચી છે. આ ગ્રંથ દક્ષિણમાર્ગી શાક્ત શાખાનો છે. સમગ્ર ભારતમાં શાક્તો અને શૈવો એમનો સમાન રીતે ઉપયોગ કરે છે. કાત્યાયનશુલ્વસૂત્ર ઉપર કર્કાચાર્યનું ભાષ્ય છે. એના ઉપર રામવાજપેયીની વૃત્તિ છે. આના ઉપર વિવૃત્તિ, પોતાના ગુરુ રત્નેશ્વર મિશ્રના આદેશથી મહીધરે ઈ. સ. 1589માં લખી છે. ઈ. સ. 1597માં મહીધરે ‘વિષ્ણુભક્તિકલ્પલતાપ્રકાશ’ની રચના કરી. તદુપરાંત તેમણે ‘ચરણવ્યૂહ’ અને ‘પુરુષસૂક્ત’ પર ટીકાઓ, ‘મંત્રનિઘંટુ’, ‘બૃહજ્જાતક’ પર ટિપ્પણ, ‘લીલાવતી’ની ટીકા પર વિવરણ, ‘તાજિકમણિ’ જેવા ગ્રંથો પણ રચ્યાં છે મહીધરના વંશજો પણ વિદ્વાન લેખકો હતા. એમના ગ્રંથો વારાણસી સંસ્કૃત મહાવિદ્યાલયમાં હસ્તલિખિતરૂપે સચવાયેલા છે. એમના ગ્રંથોમાંથી મળતા ઉલ્લેખોને આધારે જણાય છે કે તેઓ નરસિંહના ઉપાસક હતા. વેદ અને તંત્રમાર્ગનાં બંને ક્ષેત્રો એમના પ્રતિભાતેજથી આલોકિત છે. એ બંને ક્ષેત્રોના એમનાં ગ્રંથરત્નો આજેય ઉપલબ્ધ છે.
રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા