મહાશ્વેતાદેવી (જ. 1926, ઢાકા, બંગાળ) : જાણીતાં બંગાળી વાર્તાકાર અને નવલકથાકાર – અભ્યાસી સર્જક. કલાપ્રેમી બંગાળી પરિવારમાં જન્મ. પિતા મનીષ ઘટક અને માતા ધરિત્રીદેવી. પિતા લેખકોના નવતર કલ્લોલ જૂથના સભ્ય. ફિલ્મ-નિર્દેશક ઋત્વિક ઘટકનાં તેઓ બહેન થાય.

વિશ્વભારતીમાંથી 1946માં બી. એ., કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપરાંત હિંદી, ઊડિયા તથા સાંથાલી ભાષાનાં જાણકાર. 1947માં જાણીતા અભિનેતા-નાટ્યકાર બીજન ભટ્ટાચાર્ય સાથે લગ્ન, પણ 1961માં છૂટાછેડા લઈ મુક્ત થયાં. 1965માં આસિત ગુપ્તા સાથે તેમનું પુનર્લગ્ન.

1964–84 દરમિયાન કેન્દ્ર સરકારની સેવામાં; શાળામાં અંગ્રેજીનાં શિક્ષિકા તેમજ કૉલેજમાં વ્યાખ્યાતાની કામગીરી વચ્ચે 1982–84 દરમિયાન એક બંગાળી દૈનિકમાં પત્રકાર રહ્યાં હતાં.

મહાશ્વેતાદેવી

ખાસ કરીને નક્સલવાદી પ્રવૃત્તિઓમાં અને દલિતવર્ગ તથા આદિવાસીઓના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓમાં તેઓ ગાઢ રીતે સક્રિય રહ્યાં છે. બંગાળના પછાત જિલ્લામાં રહીને આદિવાસીઓના પ્રશ્નોનો અભ્યાસ કર્યો અને તેમનાં શિક્ષણ અને વિકાસ માટે તેઓ છેલ્લાં 30 વર્ષથી કાર્યરત. તે માટે સંખ્યાબંધ સંસ્થાઓની તેમના દ્વારા સ્થાપના. આયોજન કમિશન તથા કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલય દ્વારા યોજાયેલ પરિસંવાદોમાં બંધણીખત હેઠળના શ્રમિકો (bonded-labour) અને આદિવાસીઓની મુશ્કેલીઓ અને અધિકાર વિશે તેમણે અનેક શોધપત્ર રજૂ કર્યાં છે. તેમની આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નું સન્માન આપ્યું છે.

લેખનક્ષેત્રે તેઓ મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર તરીકે વધુ ઊભર્યાં છે. તેમની સંશોધનવૃત્તિના ફળસ્વરૂપ દસ્તાવેજી ચરિત્ર-પુસ્તક ‘ઝાંસીની રાણી’ (બંગાળી, 1956) ઉપરાંત તેમણે બાળકો માટે 5 પુસ્તકો (બં.), એક નાટ્યસંગ્રહ (બં.) અને બંધણીખત હેઠળના શ્રમિકો પરની સામાજિક-આર્થિક મોજણીનું પુસ્તક (હિંદી) પ્રકટ કર્યાં છે. 100 ટૂંકી વાર્તાઓ સમાવતા 5 વાર્તાસંગ્રહોમાં ‘શ્રેષ્ઠ ગલ્પ’ મુખ્ય છે. શાળાના વિદ્યાર્થીઓ માટે 30 જેટલાં બંગાળી પાઠ્યપુસ્તકો પણ તેમણે તૈયાર કર્યાં છે.

એમની પ્રથમ નવલકથા ‘નટી’ (1957) સહિત કુલ 42 નવલકથાઓ અને 15 નવલિકાસંગ્રહો પ્રકટ કર્યાં છે. મુખ્ય નવલકથાઓ આ છે : (1) ‘કવિ વંદ્યો ઘાટી ગન્યીર જીવન મૃત્યુ’ (1967); (2) ‘આંધાર માણિક’ (1967); (3) ‘હજાર ચુરાશીર મા’ (1974); (4) ‘અરણ્યેર અધિકાર’ (1977); (5) ‘અગ્નિગર્ભ’ (1978); (6) ‘છોટી મુંડા એબાંગ’ – ભારતીય (1980); (7) વિવેકવિદાય પાલા, ગણેશમહિમા (1981).

એમનું સર્જન સ્વાનુભવનું સત્ય ઉજાગર કરે છે. એ રીતે સાહિત્ય-સર્જનમાં તેમણે નવી કેડી કંડારવાનું હિંમતપૂર્વક સાહસ ખેડ્યું છે. કેવળ કલ્પનાતીત શબ્દજાળને સ્થાને કર્મની નક્કર ભૂમિકા પર અડગપણે તેમણે કરેલ સાહિત્યિક પ્રદાન નર્યું વાસ્તવપૂર્ણ બન્યું છે. તેમની કૃતિઓ હિંદી, ઊડિયા, તેલુગુ, મલયાળમ, કન્નડ, ગુજરાતી, મરાઠી અને પંજાબી ભાષામાં અનૂદિત થઈ છે.

તેમને લીલા ઍવૉર્ડ, અમૃતા ઍવૉર્ડ (1986), શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય મેમૉરિયલ ચંદ્રક (1978), ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ’ (1979), ભુવન મોહિની દાસ ઍવૉર્ડ (કલકત્તા યુનિવર્સિટી) (1983), તારાશંકર ઍવૉર્ડ વગેરે ગણાવી શકાય. 1996ના ‘જ્ઞાનપીઠ’ ઍવૉર્ડથી તેઓ રાષ્ટ્રીય ખ્યાતિ પામ્યાં. એ ઍવૉર્ડ મેળવનાર તેઓ ભારતનાં છત્રીસમાં અને બંગાળનાં પાંચમાં સર્જક છે.

બળદેવભાઈ કનીજિયા