મલેક તગી (જ. ?; અ. 1351) : દિલ્હીના સુલતાન મુહમ્મદશાહ તુગલુક વિરુદ્ધ ઈ. સ. 1347માં ગુજરાતમાં બળવો કરનાર અમીર. ઝિયાઉદ્દીન બરનીના જણાવ્યા મુજબ શરૂઆતના જીવનમાં તે એક ગુલામ હતો. ત્યારબાદ સુલતાનનો શહનએ બારગાહ એટલે કે દરબારનો પ્રબંધ કરનાર અમીર બન્યો હતો. પાછળથી એ મહાન અમીરોમાંના એક તરીકે લેખાતો થયો હતો. એ ‘મલેક’નો ખિતાબ પણ ધરાવતો હતો. સદ્દા અમીરે બળવો કર્યો હતો તેમાં એ સુલતાનને વફાદાર રહીને એના પક્ષે લડતો હતો અને બળવાખોરોને હરાવવામાં સુંદર સેવા આપી હતી; પરંતુ કોઈક કારણસર સુલતાનના હુકમથી તગીને ખંભાતમાં કેદ કરવામાં આવ્યો, પાછળથી તેને મુક્ત કર્યો; પરંતુ સુલતાનના અત્યાચારોથી ગુસ્સે થઈને તેણે બળવો કર્યો. દખ્ખણમાંથી નાસી આવેલા અમીરો, ગુજરાતના રાજપૂત ઠાકોરો અને હિંદુ જમીનદારોએ તેને સાથ આપ્યો. તગીએ લૂંટફાટ શરૂ કરી, પાટણ જઈ નાયબ નાઝિમ મલેક મુઝફ્ફરની હત્યા કરી અને નાઝિમ શેખ મુઇઝ્ઝુદ્દીન સહિત અનેક અમલદારોને કેદ કર્યા. તે પછી ખંભાત જઈ ત્યાં પણ લૂંટ કરી. ત્યાંથી ભરૂચ જઈને કિલ્લાને ઘેરો ઘાલ્યો. તે પછી અસાવલ થઈ અણહિલવાડ પાટણ ગયો. સુલતાન અને તગીના લશ્કર વચ્ચે કડી પાસે ખૂનખાર લડાઈ થઈ. તેમાં તેનો સખત પરાજય થવાથી તેણે નાસી જઈને જૂનાગઢમાં રા’ખેંગાર ચોથા પાસે આશ્રય લીધો; સુલતાન તેને પકડવા આવ્યો તેથી ત્યાંથી નાસી જઈને નગર થઠ્ઠા(સિંધ)ના સુમરાઓ પાસે જઈને તેણે આશ્રય લીધો. ફીરોઝશાહ તુગલુકે નીમેલા ગુજરાતના નાઝિમ નિઝામુલ્મુલ્કે ગુજરાતમાં પાછા ફરેલા તગીનો ઈ. સ. 1351માં સામનો કર્યો અને તેમાં તે માર્યો ગયો.

જયકુમાર ર. શુક્લ