મલેક ગોપી (જ. ? ; અ. 1515) : ગુજરાતના  સુલતાન મહમૂદશાહ બેગડા (1459–1511) તથા મુઝફ્ફરશાહ બીજા(1511–1526)ના શાસનકાળ દરમિયાન વજીર અને સૂરતનો પ્રતિષ્ઠિત વેપારી. ગોપી મૂળે વડનગરનો નાગર બ્રાહ્મણ હતો અને વેપારાર્થે પંદરમી સદીની અંતિમ પચીશી દરમિયાન સૂરત જઈને વસ્યો હતો. મહમૂદ બેગડાના શાસનનાં અંતિમ વર્ષો દરમિયાન ગોપી ત્યાંનો આગળપડતો અને પ્રતિષ્ઠિત વેપારી બન્યો હતો. તે મુત્સદ્દી હતો. મહમૂદ બેગડાએ ઈ. સ. 1509માં તેને ભરૂચ, સૂરત અને રાંદેરનો નાઝિમ અને પછી સલ્તનતનો મુખ્ય વજીર નીમ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહ બીજાને ગોપીએ રાજગાદી મેળવવામાં સહાય કરી હતી; તેથી સુલતાને ગોપીને મુખ્ય અમીર તથા મુખ્ય વજીર તરીકે પણ ચાલુ રાખ્યો હતો. વજીરપદ દરમિયાન તે સૂરત છોડીને ચાંપાનેર જઈને રહેતો હતો. તે ચાંપાનેર ગયા બાદ સૂરત, ભરૂચ અને રાંદેરનું નાઝિમપદ લઈ લેવાયું હતું. સુલતાન મુઝફ્ફરશાહે એને ‘મલેક’નો ખિતાબ એનાયત કર્યો હતો. તે ફિરંગીઓ(પૉર્ટુગીઝો)નો પક્ષપાતી અને મિત્ર હતો. તેણે સુલતાનને લખેલા એક પત્રમાં ફિરંગી કેદીઓને છોડાવવાની બાબત ચર્ચી હતી અને સુલતાન મહમૂદ બેગડા તથા પૉર્ટુગીઝ ગવર્નર આબુકર્ક વચ્ચે મિત્રતા સ્થાપવા બધું કરી છૂટવા તૈયાર હતો. કારણ કે તેનાથી તેના વિદેશી વેપારને સંરક્ષણ મળવાની ખાતરી હતી. તેનો વિદેશી વેપાર અગ્નિ એશિયાના દેશો સાથે હતો. સૂરતની વેપારી આલમમાં તથા રાજકીય ક્ષેત્રે પણ તેણે માનભર્યું સ્થાન મેળવ્યું હતું.

સૂરતમાં તેના વસવાટનો વિસ્તાર પાછળથી ગોપીપુરા તરીકે ઓળખાયો હતો. તેની નજીકમાં જ તેણે શહેરની શોભારૂપ સુંદર તળાવ બંધાવ્યું હતું, જે ગોપીતળાવ તરીકે ઓળખાયું. તેની રાજકીય કારકિર્દી ખૂબ જ ટૂંકી – આશરે પાંચ જ વર્ષની – રહી. ગુજરાતનો નૌકાધિપતિ અને દીવનો ગવર્નર મલિક અયાઝ ગોપીનો રાજકીય અને વેપારી હરીફ કે વિરોધી હતો. ગોપીની વિરુદ્ધ અયાઝના પક્ષપાતી કેટલાક અમીરોએ ખટપટ શરૂ કરી. ખટપટી અમીરોને સુલતાનની બેગમ ‘બીબી રાની’નો સહકાર પ્રાપ્ત થયો અને ગોપીની વિરુદ્ધમાં સુલતાન સમક્ષ રજૂઆત કરવામાં આવી. ‘મિરાતે સિકંદરી’માં જણાવ્યા પ્રમાણે તે પછી ગોપીનાં ઘરબાર લૂંટી લઈને તેને મૃત્યુદંડ કરવામાં આવેલો.

જયકુમાર ર. શુક્લ