મલિક કાલુ (ઈ. સ.ની પંદરમી–સોળમી સદી) : સુલતાન મહમૂદશાહ બેગડા(1459–1511)ના સમયનો અમીર. મહમૂદશાહ માત્ર તેર વરસની ઉંમરે ગાદીએ બેઠો હતો. થોડા સમયમાં સુલતાન વિરુદ્ધ ચાર અમીરોએ બળવો કર્યો ત્યારે મલિક કાલુએ સુલતાનને મદદ કરી હતી. તેથી સુલતાને તેને ઊંચો હોદ્દો અને જાગીર આપ્યાં હતાં. મલિક કાલુ અગાઉ એક ગુલામ હતો અને પોતાની શક્તિઓથી તે અમીર બન્યો હતો. તેણે અમદાવાદમાં કાલુપુર નામનું પરું વસાવ્યું હતું. એ કાલુપુર અને તેના દરવાજાને કારણે તેનું નામ જાણીતું બન્યું છે. પાછળથી ખૂનીઓને આશ્રય આપવા માટે સુલતાન મહમૂદ બેગડાએ તેને ફાંસીની સજા કરી હતી.
મુગટલાલ પોપટલાલ બાવીસી
જયકુમાર ર. શુક્લ