મડૉર્ક, (કીથ) રૂપર્ટ (જ. 1931, મેલ્બૉર્ન, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : સમૂહ-માધ્યમોના નામાંકિત માંધાતા. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો; પછી 2 વર્ષ ‘ડેલી એક્સપ્રેસ’માં કાર્ય કર્યું. 1952માં ઑસ્ટ્રેલિયા પાછા ફર્યા. પોતાના પિતાના અવસાન પછી, ‘ધ ન્યૂઝ ઇન ઍડિલેઇડ’ તેમને વારસામાં મળ્યું.
તેમણે ઑસ્ટ્રેલિયા, અમેરિકા, હૉંગકૉંગ તથા બ્રિટનમાં અખબારો તથા સામયિકોનાં પ્રકાશનોનું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું. તેમાં ‘ન્યૂઝ ઑવ્ ધ વર્લ્ડ’ તથા ‘ધ સન’ મુખ્ય છે અને તેના ‘પેજ થ્રી’ નામક લેખ-વિભાગથી તેમણે અખબારી ફેલાવાને લગતી સ્પર્ધામાં મોખરાનું સ્થાન ટકાવી રાખ્યું. 1981માં ‘ન્યૂઝ ઇન્ટરનૅશનલ’ નામની તેમની કંપનીએ તીવ્ર સંઘર્ષ આદરીને પણ ‘ધ ટાઇમ્સ’ તથા ‘ધ સન્ડે ટાઇમ્સ’ મેળવી લીધાં. 1976માં તેઓ અમેરિકાના અખબારી જગતમાં પ્રવેશ્યા અને પ્રથમ ‘ન્યૂયૉર્ક પોસ્ટ’ અને પછી ‘ધ ન્યૂયૉર્ક મૅગેઝીન’, ‘ન્યૂ વેસ્ટ’ તથા ‘વિલેજ વૉઇસ’ હસ્તગત કર્યાં.
ટેલિવિઝિન, ફિલ્મનિર્માણ તથા પ્રકાશન જેવાં અન્ય સમૂહ અને સંચાર માધ્યમોના ઉદ્યોગોમાં પણ ત્રણે ખંડોમાં તેમનું વ્યાપક અને વિસ્તૃત હિત છે. 1985માં તેઓ અમેરિકાના નાગરિક બન્યા છે.
મહેશ ચોકસી