મર્ક્યુરી થિયેટર : ઑર્સન વેલ્સ તથા હાઉસમન સંચાલિત થિયેટર. એ બંને રંગભૂમિ-રસિયાઓએ 1937માં જૂનું કૉમેડી થિયેટર ભાડાપટે લઈને આ નવા નામે તેની સ્થાપના કરી હતી. ઑર્સન વેલ્સે 1937માં રાજકીય અભિગમ અને આધુનિક વેશભૂષાથી ‘જુલિયસ સીઝર’ની રજૂઆત કરતાવેંત આ થિયેટર ટૂંકસમયમાં જ અગ્રેસર બની ગયું. આ થિયેટરનાં બીજાં પ્રભાવક નિર્માણોમાં ‘ધ શૂમેકર્સ હૉલિડે’ તથા ‘હાર્ટબ્રેક હાઉસ’(બંને 1938)નો સમાવેશ થાય છે. એક પ્રસંગની ઉજવણીના ભાગરૂપે, મર્ક્યુરી થિયેટર વૃંદે 30 ઑક્ટોબર 1938ના રોજ રેડિયો પરથી ‘ધ વૉર ઑવ્ ધ વર્લ્ડ્ઝ’ પ્રસારિત કર્યું, અને એવી વાસ્તવિક રીતે તેની રજૂઆત કરવામાં આવી કે અસંખ્ય શ્રોતાઓએ ખરેખર એમ માન્યું કે ન્યૂ જર્સી પર મંગળવાસીઓએ હુમલો કર્યો છે. 1939થી આ થિયેટર અરેફ પ્લેયર્સે સંભાળ્યું હતું. તે પછી ત્રણ વર્ષે મર્ક્યુરી થિયેટરનો અંત આવ્યો હતો.
મહેશ ચોકસી