મર્કર, જૉની (જ. 1909, સાવન્ના, જ્યૉર્જિયા; અ. 1976) : નામી ગાયક અને સંગીતનિયોજક. 1930ના દશકા દરમિયાન તેઓ ગાયક, ગીતકાર તથા સંગીતનિયોજક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. 1942માં તેમણે ‘કૅપિટલ રેકર્ડ્ઝ’ની સ્થાપના કરી અને લોકપ્રિય સંગીત-રચનાકારો સાથે સહયોગ સાધ્યો તથા લોકભોગ્ય તથા બેહદ સફળ ગીતો સંખ્યાબંધ પ્રમાણમાં તૈયાર કરી રેકર્ડ કર્યાં. તેમાં ‘જીપર્સ ક્રીપર્સ’ તથા ‘ધૅટ ઓલ્ડ બ્લૅક મૅજિક’ મુખ્ય છે. તેમનાં અનેક ગીતો બદલ તેમને ઘણા ઑસ્કર ઍવૉર્ડ મળ્યા. એવાં ગીતોમાં ‘ઇન ધ કૂલ કૂલ કૂલ ઑવ્ ધી ઈવનિંગ’ (1951), ‘ડેઝ ઑવ્ વાઇન ઍન્ડ રોઝિઝ’ (1961) તથા ‘મૂન રિવર’ (1962) ખૂબ નોંધપાત્ર છે. બ્રૉડવેનાં કેટલાંય અતિ-સફળ સંગીત-નાટકો તથા હૉલિવુડનાં ચલચિત્રોમાં તેમનો પ્રમુખ હિસ્સો હતો. તેઓ ‘સાગ-રાઇટર્સ હૉલ ઑવ્ ફેમ’ના પ્રથમ પ્રમુખ હતા.
મહેશ ચોકસી