જેકોવિ, કાર્લ ગુસ્તાફ જેકોબ

January, 2012

જેકોવિ, કાર્લ ગુસ્તાફ જેકોબ (જ. 10 ડિસેમ્બર 1804, પોટ્સડામ, જર્મની; અ. 18 ફેબ્રુઆરી 1851, બર્લિન) : જર્મન ગણિતશાસ્ત્રી. તેમણે યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાં અભ્યાસ કર્યો. 1825માં પીએચ.ડી. થયા. 1826માં યુનિવર્સિટી ઑવ્ કૉનિંગ્સબર્ગમાં ગણિતશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને મૃત્યુપર્યંત ત્યાં જ પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1829માં દીર્ઘવૃત્તીય વિધેયો (elliptic functions) અંગે મહત્વનો સિદ્ધાંત આપ્યો. 1829માં પ્રકાશિત ‘ન્યૂ ફાઉન્ડેશન ઑવ્ દ થિયરી ઑવ્ ઇલિપ્ટિક ફંક્શન્સ’માં આ સિદ્ધાંત રજૂ કર્યો. 1832માં યુનિવર્સિટી ઑવ્ કૉનિંગ્સબર્ગમાં પૂર્ણ સમયના પ્રાધ્યાપક બન્યા. તેઓ શિક્ષણશાસ્ત્રી તરીકે પણ અત્યંત સફળ રહ્યા. તેમની શિક્ષણપદ્ધતિએ ઘણાને આકર્ષ્યા. ગણિતશાસ્ત્રના અદ્યતન પ્રવાહ સરળતાથી સમજાવવા માટે શિક્ષણપદ્ધતિમાં પરિસંવાદ (seminar) પદ્ધતિ દાખલ કરનાર તેઓ પ્રથમ પ્રાધ્યાપક હતા. તેમણે દીર્ઘવૃત્તીય વિધેયો ઉપરાંત વિધેયના નિશ્ચાયકો (determinants) અંગે પણ મહત્વનું પ્રદાન કર્યું. તેઓ સારા લેખક પણ હતા. તેમણે ગણિતની કેટલીક સમસ્યાઓ અને વિકલન સમીકરણ સિદ્ધાંત પર પણ લખ્યું. દીર્ઘવૃત્તીય વિધેયો અંગેના તેમના પુસ્તકને પૂરક લખાણો પણ તેમણે આપ્યાં. 1851માં પ્રકાશિત થયેલા તેમના વિવરણે દીર્ઘવૃત્તીય વિધેયો અંગેના તેમના સિદ્ધાંતને સ્વીકૃતિ અપાવી.

રાજેશ શર્મા