જેકોબ, ફ્રાંસ્વા (જ. 17 જૂન 1920, નેન્સી, ફ્રાન્સ) : ઉત્સેચક (enzyme) તથા વિષાણુના ઉત્પાદનના જનીનીય (genetic) નિયંત્રણ અંગેના સંશોધન માટે 1965ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ફ્રેંચ વિજ્ઞાની. તેમની સાથે ઝાક લ્યુસિન મૉનો તથા આન્દ્રે લ્વૉફને આ પુરસ્કાર એનાયત થયો. તેમણે આણ્વિક જૈવવિજ્ઞાન(molecular biology)માં પ્રદાન કર્યું. જૈવરસાયણશાસ્ત્રની વિવિધ શોધોને આધારે 1950થી 1960ના દાયકામાં જીવવિજ્ઞાનના ક્ષેત્રે આવેલી ક્રાંતિમાં તેમનો મહત્વનો ફાળો ગણાય છે. ઑક્સિજન-હીમોગ્લોબિનનું જોડાણ, ઉત્સેચકનું અંત:સ્રાવ (hormone) દ્વારા નિયંત્રણ અને અવદાબક (repressor) પ્રોટીનના

ફ્રાંસ્વા જેકોબ

કાર્યને સમજવા માટે અન્યસ્થિતા(allostery)ની સંકલ્પનાની જરૂર પડે છે. રસાયણો સાથેના જોડાણને કારણે ઉત્સેચકો પોતપોતાના નિયમિત કાર્યક્ષેત્રને બદલે અન્ય સ્થળે કાર્ય કરે ત્યારે અન્યસ્થિતાની પરિસ્થિતિ ઉદભવે છે. વળી કોષમાંના વિવિધ જનીનો એકસાથે બધું જ કાર્ય કરતા નથી. આ સ્થિતિને સમજવા માટે મૉનો અને તેમના સાથીઓએ DNAના અણુ પર ઑપેરૉન અને નિયમનકારી જનીન એમ બે ભાગની સંકલ્પના કરી. આ સંકલ્પના પાછળથી સાચી સાબિત થયેલી છે.

શિલીન નં. શુક્લ