જૅક્વૅમૉન્શિયા : દ્વિદળી વર્ગના કૉન્વોલ્યુલેસી કુળની વનસ્પતિની એક પ્રજાતિ. લૅ. Jacquemontia violatia. તેના સહસભ્યોમાં મૉર્નિંગ ગ્લોરી, અમરવેલ, સમુદ્રવેલ વગેરેનો સમાવેશ થાય છે.

ઠીક ઠીક ઝડપથી વધનારી J. violata નામે ઓળખાતી આ વેલને લગભગ બધે ઠેકાણે સહેલાઈથી ઉછેરી શકાય છે. આ વેલ બારેમાસ લીલીછમ રહે છે અને ફૂલ પણ બારેમાસ આવે છે. ચોમાસામાં થોડાં વધારે આવે છે. આ વેલનાં ફૂલ ભૂરા રંગનાં, લગભગ 2થી 3 સેમી. પહોળાં અને થોડા ઘંટ આકારનાં હોય છે. આ વેલની નીચે કચરો બહુ પડતો નથી તેમજ સૂકી ડાળીઓ પણ ખાસ નજરે પડતી નથી.

કમાન ઉપર, મંડપ ઉપર, પડદા ઉપર ગમે ત્યાં આ વેલ સારી રીતે ચડી શકે છે અને સારી રીતે ફેલાય છે. એકાદ-બે વરસે છટણી કરવાથી વેલની સુંદરતા ટકી રહે છે અને ફૂલની વદ્ધિ થાય છે.

આનાં પાન હૃદયાકાર(cordate)નાં હોય છે. બારેય માસ ફૂલ આપનાર આ વેલ J. semperflorens તરીકે પણ ઓળખાય છે.

કટિંગ, દાબકલમ, ગુટી કલમ વગેરેથી તેની વાવણી થાય છે. કુમળી ડાળખીનાં કટિંગ પણ સહેલાઈથી ચોંટી જાય છે એ એની વિશિષ્ટતા છે.

મ. ઝ. શાહ