જુનૈદ (સાતમી-આઠમી સદી) : સિંધમાં અરબોની સત્તા ર્દઢ કરનાર તથા તેને પશ્ચિમ ભારતમાં ફેલાવનાર સેનાપતિ. સિંધમાં અરબોની સત્તા મુહમ્મદ બિન કાસિમે 711ના અરસામાં સ્થાપી. ત્યાંના સ્થાનિક હિંદુ રાજ્યને ઉખાડીને આ સત્તા ર્દઢ કરવાનું કાર્ય જુનૈદે કર્યું. તત્કાલીન ખલીફા હિશામ (724–743) દ્વારા હિ. સં. 107(725)માં જુનૈદની સિંધના હાકેમ તરીકે નિયુક્તિ થઈ હતી. જુનૈદ ઘણો લડાયક, સ્વતંત્રમિજાજી અને મહત્વાકાંક્ષી હતો. એના વખતમાં સિંધના રાજા જયસિંહે અરબી હકૂમત સામે બળવો પોકાર્યો, પણ જુનૈદે તેને હરાવી કેદ પકડ્યો ને સિંધના હિંદુ રાજવંશનો હંમેશને માટે અંત આણ્યો. ત્યારબાદ જુનૈદે નવા મુલકો જીતવા કોશિશ કરી. એણે ભિન્નમાલ અને ગુર્જરદેશ પર ફતેહ મેળવી; એના સરદારોએ મારવાડ, માંડલ, ધીણોજ, ભરૂચ અને માળવા જીતી છેક ઉજ્જૈન સુધી વિજયકૂચ કરી. આ ઘટના 727ના અરસામાં બનેલી હોવાનું જણાય છે. એ વખતે ઘણી તારાજી સર્જાઈ. અરબ સેના આ વખતે કચ્છ અને સૌરાષ્ટ્ર પર પણ ફરી વળેલી હોવાનું મનાય છે. જુનૈદની હકૂમત 729 સુધી રહી.

પ્રવીણચંદ્ર પરીખ