મયૂરકવિ (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સંસ્કૃત ભાષામાં લખાયેલા સ્તોત્રકાવ્ય ‘સૂર્યશતક’ અથવા ‘આદિત્યશતક’ના કવિ. તેઓ ‘કાદંબરી’ના પ્રસિદ્ધ લેખક મહાકવિ બાણના સમકાલીન હતા; કાવ્યની બાબતમાં બાણના પ્રતિસ્પર્ધી હતા. જયમંગલ નામના લેખક તેમને ‘સરસ્વતીનો અવતાર’ કહે છે. અદ્વૈતવાદના આચાર્ય શંકરાચાર્યે કોઈ મયૂર નામના કવિને શાસ્ત્રાર્થમાં હરાવેલા એ આ જ મયૂરકવિ છે એમ કેટલાક વિદ્વાનો માને છે. ‘આદિત્યશતક’ ઉપરાંત ‘મયૂરસ્તવ’ નામની રચના તેમણે કરી હોવાનો ઉલ્લેખ મળે છે.
મયૂરકવિ બાણના સસરા થતા હતા. એક દિવસ વહેલી પરોઢે તેઓ દીકરી અને જમાઈને ત્યાં પહોંચ્યા ત્યારે રિસાઈ ગયેલી પત્નીને બાણે ઘણું મનાવ્યા છતાં તે મનાતી નહોતી. તેથી બહારથી મનામણાંના શ્લોકની બાણની ત્રણ પંક્તિઓ સાંભળી રહેલા મયૂરકવિએ પોતાના તરફથી ચોથી પંક્તિ એમાં ઉમેરીને પૂર્તિ કરી. તેથી અજાણતામાં દીકરીએ ગુસ્સે થઈ મયૂરકવિને કુષ્ઠરોગ થવાનો શાપ આપ્યો. તે દૂર કરવા માટે મયૂરકવિએ વૃક્ષ પર સો દોરડાં બાંધીને એક શીકું બનાવ્યું અને તેમાં બેસીને આરોગ્ય આપનાર દેવ સૂર્યની સ્તુતિનો એક પછી એક શ્લોક બોલી એક પછી એક દોરડું તેઓ કાપવા લાગ્યા. આ શ્લોકબદ્ધ કાવ્ય તે જ ‘આદિત્યશતક’ કે ‘સૂર્યશતક’. 99 શ્લોકો બોલી 99 દોરડાં કાપી નાખ્યાં અને 100મો શ્લોક બોલી છેલ્લું મધ્યનું દોરડું કાપવા જતાં સૂર્યની કૃપાથી કુષ્ઠરોગ મટી ગયો. આ વાત સાંભળી બાણે પોતાના હાથપગ કાપી ચંડીદેવીની સ્તુતિ ધરાવતા ‘ચંડીશતક’ની રચના કરી અને તે પૂર્ણ થતાં ચંડીદેવીની કૃપાથી પોતાના હાથપગ પૂર્વવત્ સાજાસમા થઈ ગયાનો ચમત્કાર સાધી બતાવ્યાની અનુશ્રુતિ છે.
મયૂરકવિના ‘આદિત્યશતક’નું સારાં સ્તોત્રકાવ્યોમાં સ્થાન છે. અલબત્ત, આમ તો ‘આદિત્યશતક’માં સામાન્ય કક્ષાની કવિતા છે, તે છતાં તદ્દન ગદ્યાળુ સ્તોત્રો કરતાં તો તે ચડિયાતું છે જ. સૂર્યની સ્તુતિ કરનારા સ્વતંત્ર શ્લોકોવાળું આ શતકકાવ્ય નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રસિદ્ધ થયેલું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી