મયૂરભંજ : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 21° 17´થી 22° 34´ ઉ. અ. અને 85° 40´થી 87° 10´ પૂ. રે. વચ્ચેનો 10,418 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો પૂર્વ સિંગભૂમ જિલ્લો તેમજ પૂર્વ તરફ પશ્ચિમ બંગાળનો મેદિનીપુર જિલ્લો, દક્ષિણ તરફ બાલાસોર (બાલેશ્વર) અને કિયોન્જાર (હવે કેન્દુઝારગઢ) જિલ્લો તથા પશ્ચિમ તરફ કિયોન્જાર અને બિહારનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો આવેલા છે. બારીપાડા તેનું જિલ્લામથક છે.

ભૂપૃષ્ઠ : આ જિલ્લાને ત્રણ ભૃપૃષ્ઠરચનાત્મક એકમોમાં વહેંચેલો છે : (1) સદર અને કતિપાડા ઉપવિભાગનો સમાવેશ કરતો પૂર્વ વિભાગ, (2) બામનઘાટી ઉપવિભાગનો સમાવેશ કરતો ઈશાન વિભાગ અને (3) પંચપીર ઉપવિભાગનો સમાવેશ કરતો નૈર્ઋત્ય વિભાગ. પૂર્વ વિભાગમાં ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ ટેકરીઓથી સમુદ્રતરફી છે. અહીંની ટેકરીઓમાંથી ઘણાં નદીનાળાં નીકળે છે. સિમલીપાલ નામથી ઓળખાતી ટેકરીઓના સમૂહથી બનેલો ઉત્તર તરફનો વિભાગ વિસ્તૃત જંગલોથી છવાયેલો છે, મેઘાસિની એ 1,158 મીટરની ઊંચાઈ ધરાવતું અહીંનું સર્વોચ્ચ શિખર છે; અન્ય ટેકરીઓમાં રુદ્રચંપા, ગોરુ મહિસાની, બદામપહાડ અને ચહાલાનો સમાવેશ થાય છે. તે બધાં શિખરો ગીચ જંગલોવાળાં છે. આ જંગલો મોટે ભાગે પર્ણપાતી ઉત્તર અયનવૃત્તીય અર્ધસદાહરિત પ્રકારનાં છે. આ સિમલીપાલ જંગલવિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાન વિકસાવવામાં આવેલું છે, જેથી અહીંના કુદરતી પર્યાવરણમાં રહેતાં પ્રાણીઓને રક્ષણ મળી શકે તેમજ પ્રવાસીઓને મનોરંજન પણ મળે. સિમલીપાલ ટેકરીઓમાંથી નીકળતી બુધાબાલાંગ, ખરકાઈ, સલંદી જેવી મુખ્ય નદીઓ તેમજ અન્ય ઘણી સહાયક નદીઓ વૈતરણી તથા સુવર્ણરેખા નદીઓને જઈ મળે છે.

મયૂરભંજ જિલ્લો

ખેતીસિંચાઈપશુપાલન : જિલ્લામાં કુલ ખેડાણયોગ્ય વિસ્તાર લગભગ 4.5 લાખ હેક્ટર જેટલો છે, પરંતુ સિંચાઈનું પ્રમાણ મર્યાદિત છે. મોટાભાગની ખેતી વરસાદ-આધારિત છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. તે ઉપરાંત તેલીબિયાં, કઠોળ, મગફળી, મકાઈ, બટાટા અને સરસવ પણ ઓછાવત્તા પ્રમાણમાં થાય છે. અહીંનો સરેરાશ વરસાદ 1,648 મિમી. જેટલો છે. બારીપાડા અને હલ્દિયા નજીક આવેલી બે જૂની સિંચાઈ-યોજનાઓમાંથી ખેતીને સિંચાઈ મળી રહે છે. વધુ જમીનોને સિંચાઈ મળી રહે તેમજ મયૂરભંજ જિલ્લાનાં 791 ગામોને પાણીની પૂરતી સગવડ મળે તે માટે આઝાદી પછી સુવર્ણરેખા નદી પર ઓરિસા-બિહારની સંયુક્ત યોજના તૈયાર કરવામાં આવેલી છે. નાના પાયા પરની સિંચાઈ-યોજનાઓ પણ છે. 1968 પછીથી અહીં સાદા કૂવાઓ તથા નળકૂપ–ટ્યૂબવેલ–પણ ખોદવામાં આવેલા છે.

મત્સ્યઉછેર : આ જિલ્લાનો મોટાભાગનો પ્રદેશ પહાડી હોવાથી મત્સ્યઉછેર માટે નીચાણવાળી ભૂમિ ઉપયોગમાં લેવાય છે. બુધાબાલાંગ અને સુવર્ણરેખા તેમજ તેમની સહાયક નદીઓ તથા મર્યાદિત પ્રમાણમાં ઘણાં તળાવોમાં મત્સ્યઉછેર કરવામાં આવે છે. આ તળાવો ચૂનાખડકના તળવાળાં હોવાથી તથા ઉનાળા દરમિયાન સુકાઈ જતાં હોવાથી મત્સ્યઉછેરનું પ્રમાણ ઓછું થઈ જાય છે.

આ જિલ્લામાં મુખ્યત્વે ભેંસ, ઘેટાંબકરાં, ડુક્કર, મરઘાં અને બતકાંનો ઉછેર થાય છે. પશુઓ માટે આ જિલ્લામાં પશુ-દવાખાનાં, પશુ-ચિકિત્સાલયો, કૃત્રિમ ગર્ભાધાનકેન્દ્રો અને મરઘાં-એકમોનો વિકાસ કરવામાં આવેલો છે. બારીપાડા ખાતે આવેલા દૂધ-કેન્દ્રને જિલ્લામાં આવેલી બાર દૂધમંડળીઓ દૂધ પૂરું પાડે છે.

ઉદ્યોગોવેપાર : આ જિલ્લામાં લોહઅયસ્કનું પ્રમાણ વધુ છે. તે ઉપરાંત ચિનાઈ માટી, સોપસ્ટોન, ક્વાર્ટ્ઝ અને ક્વાર્ટ્ઝાઇટ પણ મળે છે. અહીં પથ્થર પરની કોતરણી, માટીનાં પાત્રો, ઈંટો, લોહગાળણ, સૂતર-વણાટનું કામ ચાલે છે. આઝાદી પછી ઔદ્યોગિક વિકાસમાં વેગ આવ્યો છે. ગૃહ-ઉદ્યોગો અને નાના પાયા પરના ઉદ્યોગો પણ વિકસ્યા છે. અહીં રેલમાર્ગો અને સડકમાર્ગોની સગવડ પૂરતા પ્રમાણમાં હોવાથી ડાંગર, ખનિજો, લાકડાં, વાંસ, મહુડાં, સાલનાં બીજ, વગેરેની નિકાસ થાય છે; જ્યારે ઘઉં, મીઠું, કેરોસીન, તમાકુ, ખાતર, કરિયાણું, દરિયાઈ માછલીઓ, દૂધની પેદાશો, ઇમારતી બાંધકામનો સામાન વગેરેની આયાત કોલકાતા, ખડ્ગપુર અને ટાટાનગરથી થાય છે. બારીપાડા, રાયરંગપુર ખાતે મોટાં વેપારી પીઠાં આવેલાં છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ થવાથી અનુકૂળતા વધી છે; તેથી નાનાં બજારો, હાટડીઓ તથા બૅંકોનો પણ વિકાસ થયો છે.

પરિવહન : અગાઉના વખતમાં મહત્વનો ગણાતો બાલેશ્વર-સિંગભૂમ માર્ગ મયૂરભંજ થઈને પસાર થતો હતો. આઝાદી પછી રાજ્યનાં બધાં જ જિલ્લામથકોને બારમાસી માર્ગોથી સાંકળી લેવામાં આવેલાં છે. જિલ્લામથક બારીપાડા ઓરિસાની રાજધાની ભુવનેશ્વરથી 270 કિમી. અંતરે આવેલું  છે. કોલકાતા-ચેન્નાઈ અને કોલકાતા-મુંબઈના રાષ્ટ્રીય ધોરી માર્ગો નં. 5 અને 6 આ જિલ્લામાંથી પસાર થાય છે. આ માર્ગો પરથી રાજ્ય પરિવહનની બસો નિયમિત અવરજવર કરે છે. ટાટાનગરથી આવતો બ્રૉડગેજ રેલમાર્ગ જિલ્લાના વાયવ્ય ભાગમાંથી પસાર થાય છે. 84 કિમી.નો એક નૅરોગેજ રેલમાર્ગ પણ અહીં છે. તેના પરનું રૂપસા રેલજંક્શનમથક હાવરા-ચેન્નાઈ રેલમાર્ગ સાથે જોડાયેલું છે. જિલ્લામાંથી પસાર થતા રેલમાર્ગની લંબાઈ 185 કિમી. જેટલી છે. અહીંની નદીઓ પહાડી પ્રદેશમાંથી નીકળતી હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી નથી; માત્ર લાકડાં જેવી જંગલપેદાશો બુધાબાલાંગ નદી દ્વારા વહાવીને અન્યત્ર લઈ જવાય છે. વળી વર્ષાઋતુ દરમિયાન તેમાં થોડા વખત માટે હોડીસેવા ચાલુ રહી શકે છે.

પ્રવાસન : જિલ્લામાં જંગલો તેમજ નદી-ઝરણાં આવેલાં હોવાથી વિવિધ પ્રકારનાં પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિ-વિકાસ માટે અનુકૂળતા ઊભી થયેલી છે. અહીંનું સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન વાઘ, દીપડા, હાથી, સાબર, હરણ અને જુદાં જુદાં પક્ષીઓ માટેનું નિવાસસ્થાન બની રહેલું છે. સાલ વૃક્ષોથી શોભતો સિમલીપાલ વિસ્તાર, ઘાસના વિશાળ પ્રદેશો, શિખરોની રમણીયતા અને અહીંના નાના નાના ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનાં સ્થળો બની રહેલાં છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક હરિપુર અને કિચિંગનાં પ્રાચીન સ્થાપત્યસ્થળો આવેલાં છે. અહીંનું પરંપરાગત રીતે ઊજવાતું ‘છાઉ’ પ્રકારનું આદિવાસી નૃત્ય પ્રવાસીઓને મયૂરભંજની મુલાકાત લેવા માટે આકર્ષે છે. જિલ્લામાં કુચાઈ, કોલિના, સિમલીપાલ, ખિચિયાંગ, હરિપુર જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. આ ઉપરાંત જિલ્લામાં વારતહેવારે ભિન્ન ભિન્ન મેળાઓ પણ ભરાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની કુલ વસ્તી 18,84,580 જેટલી છે, તે પૈકી 9,52,183 પુરુષો અને 9,32,397 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 17,68,331 અને 1,16,249 જેટલી છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુ : 14,96,764; મુસ્લિમ : 19,837; ખ્રિસ્તી : 5,517; શીખ : 377; બૌદ્ધ : 20; જૈન : 59 અને બાકીના અન્યધર્મી તથા અનિર્ણીત ધર્મવાળા છે. જિલ્લામાં ઊડિયા અને બંગાળી ભાષાઓ બોલાય છે. જિલ્લામાં મધ્યમ પ્રમાણ ધરાવતી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. 1996 મુજબ અહીં 9 જેટલી કૉલેજો છે. હૉસ્પિટલો તથા તબીબી સેવા-સંસ્થાઓનું પ્રમાણ મધ્યમ છે. જિલ્લાને વહીવટી સરળતા માટે 4 ઉપવિભાગોમાં, 7 તાલુકાઓમાં અને 26 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં કુલ 4 નગરો અને 3,945 (227 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : દેશના ભાગલા પડ્યા પછી 1949માં જૂના મયૂરભંજ દેશી રાજ્યમાંથી મયૂરભંજ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. અગાઉ અહીં ભાનજા વંશના રાજાઓ રાજ્ય કરતા હતા. અહીંના જૂના ઇતિહાસની જાણકારી ઉપલબ્ધ નથી. 1751માં આ પ્રદેશ મરાઠાઓના શાસન હેઠળ હતો. 1803માં તે બ્રિટિશ શાસન હેઠળ આવ્યો. આઝાદી પછી તેને ઓરિસા રાજ્યમાં વિલીન કરી મયૂરભંજનો અલગ જિલ્લો બનાવવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા