મનુ : ભારતીય પરંપરા મુજબ માનવ-યોનિનો આદ્યપુરુષ. ભારતીય કાલગણનામાં મનુ મહત્વનું સીમાચિહ્ન ગણાય છે. આવા મનુ એક નહિ, પણ 14 છે. એકેક મનુ 71 ચતુર્યુગથી કંઈક અધિક કાલ ધરાવે છે. એક મનુ અને એની પછીના મનુની વચ્ચેના કાલને ‘મન્વન્તર’ કહે છે. પહેલા મનુ સ્વયંભૂ(બ્રહ્મા)ના પુત્ર હોઈ ‘સ્વાયંભુવ મનુ’ તરીકે ઓળખાય છે. એમની પુત્રી દેવહૂતિને કર્દમ ઋષિ વેરે પરણાવી. તેમના પુત્ર કપિલ સાંખ્ય દર્શનના પ્રવર્તક હતા. મનુ-પુત્ર પ્રિયવ્રતના વંશમાં ઋષભદેવ, ભરત વગેરે રાજાઓ થયા. સ્વાયંભુવ મનુ પછી સ્વરોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, ચાક્ષુષ અને અન્ય વૈવસ્વત મનુ થયા. હાલ આ સાતમા વૈવસ્વત મનુનો કાલ પ્રવર્તે છે. વિવસ્વત્(સૂર્ય)ના પુત્ર તે વૈવસ્વત. એમને ઇક્ષ્વાકુ વગેરે 10 પુત્ર થયા. ઇક્ષ્વાકુના વંશમાં હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, રઘુ, રામ વગેરે થયા. મનુ-પુત્રી ઈલાના વંશમાં પુરૂરવા, નહુષ, યયાતિ, યદુ, પુરુ વગેરે થયા.
વૈવસ્વત મનુની પછી સાવર્ણિ, દક્ષ સાવર્ણિ, બ્રહ્મ સાવર્ણિ, ધર્મ સાવર્ણિ, રુદ્ર સાવર્ણિ, દેવ સાવર્ણિ અને ઇન્દ્ર સાવર્ણિ નામે બીજા સાત મનુ થનાર છે.
‘મનુસ્મૃતિ’ની ‘ભૃગુસંહિતા’ એ ધર્મશાસ્ત્રની સ્મૃતિઓમાં સર્વોત્તમ અને સહુથી વધુ લોકપ્રિય છે. એ રચનાર ભૃગુ કોણ હતા ને એ ભૃગુના ગુરુ મનુ કયા મનુ હતા એ નિશ્ચિત કરવું મુશ્કેલ છે. હાલની ‘મનુસ્મૃતિ’ અથવા એની ‘ભૃગુસંહિતા’ ઈ. પૂ. બીજી સદી અને ઈ. સ.ની બીજી સદીની વચ્ચે રચાઈ લાગે છે, એવું મહામહોપાધ્યાય પી. વી. કાણે જેવા વિદ્વાનો માને છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી