‘મનસ્વી’ પ્રાંતિજવાળા (જ. 1904, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા; અ. 3 જુલાઈ 1969, એકાદર, એહમદનગર, મહારાષ્ટ્ર) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના ગીતકાર અને નાટ્યકાર. મૂળ નામ : ચીમનલાલ ભીખાભાઈ જોશી. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’થી શરૂઆત. 1923માં એમનું ‘મહારાષ્ટ્રનો મહારથી’ નાટક ભજવાયું. 1927માં ‘વલ્લભીપતિ’ નાટકનું ગીત ‘ઝટ જાઓ ચંદનહાર લાવો’ અનન્ય ખ્યાતિ પામ્યું. ‘માયા ને મમતા’ નાટકનું ગીત ‘અભિસાર અભિનય અંગ ધરી રસિકા રસપંથ જવા નીસરી’ સાંભળી ઓમકારનાથ ઠાકુરે તેની પ્રશંસા કરી હતી. ગુજરાતી ચિત્ર ‘રાણકદેવી’માં ‘લાખ લાખ દીવડાની આરતી ઉતારજો’ એક જમાનામાં ગુજરાતના ગામડે ગામડે ગવાતું થયું હતું.
કવિ જી. એ. વૈરાટી, મણિલાલ ‘પાગલ’, ‘શયદા’, નંદલાલ ન. શાહ વગેરે નાટ્યકારોનાં નાટકોમાં તેમણે ગીતો લખ્યાં. કવિ શ્રી જી. એ. વૈરાટી, બાપુલાલ બી. નાયક અને જયશંકર ‘સુંદરી’ પાસેથી નાટ્યકળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ‘શ્રી દેશી નાટક સમાજ’, ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ’, ‘શ્રી આર્યનૈતિક નાટક સમાજ’ અને ‘શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી’માં વિશેષ સંખ્યામાં તેમણે નાટકનાં ગીતો રચ્યાં અને પ્રહસનો લખ્યાં હતાં. ‘તોફાની તલવાર’ અને ‘ચૂંદડી’માં તેમણે અભિનય પણ આપ્યો હતો. ‘મનપંખીનો માળો’ (1967) અને ‘સમજણના સથવારે’ (1968) નાટકોનું તેમણે દિગ્દર્શન કર્યું હતું. એમના સ્વાનુભવો ‘પાનેતર’ અને ‘રાષ્ટ્રવાણી’માં પ્રકાશિત થયા હતા. 36 નાટ્યકારોનાં વિવિધ વિષયનાં 103 નાટકોમાં તેમણે અંદાજે 3,000 ગીતો રચ્યાં હતાં અને 27 નાટકો તેમજ 24 ચિત્રકથા અને સંવાદો તો પોતે જ લખ્યાં હતાં.
જીવનની અડધી સદી સુધી કવિ ‘મનસ્વી’એ વૈવિધ્યસભર ગીતોની રચના કરી ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની યાદગાર સેવા બજાવી. મુંબઈમાં કવિ ‘મનસ્વી’નું સન્માન 5 જાન્યુઆરી 1967ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભજવાયેલા તેમના ‘ચૂંદડી’ નાટકમાં દીકરીના બાપની ભૂમિકા આ કવિએ પોતે જ ભજવી હતી.
ધીરેન્દ્ર સોમાણી