મનસૂરી, નબીબખ્શ મહંમદ (જ. 1966, સાબરકાંઠા; ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર. અમદાવાદની સી. એન. ફાઇન આટ્ર્સ કૉલેજમાંથી તેમણે ચિત્રકળાનો ડિપ્લોમા (1990) અને વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ગુલામ મહંમદ શેખ અને જ્યોતિ ભટ્ટની રાહબરી હેઠળ 1992માં ચિત્રકળાનો પોસ્ટ-ડિપ્લોમા મેળવ્યો.

મનસૂરી ચિત્રોમાં ચિત્રવિચિત્ર કલ્પનાવાળું વિષય-વિશ્વ રજૂ કરે છે; વાસ્તવજગતના ર્દશ્યનિયમોને ઊલટસૂલટ કરી સ્વેચ્છાનુસાર તેમાં તોડફોડ કરી તેઓ જાણે એક નિજી વિશ્વની રચના કરતા હોય તેવું લાગે. દા.ત., ઘણી વાર તેમનાં ચિત્રોમાં નજીકની વસ્તુ નાની અને દૂરની વસ્તુ મોટી દેખાતી દર્શાવાતી હોય છે. તેમજ સડક કે રેલના પાટાની સમાંતર રેખાઓ દૂરને બદલે દર્શકની આંખની નજીક એકબીજીને મળતી (vanishing point) આલેખાતી હોય છે. તેમનાં ચિત્રોમાં આકાશ ઉપર નહિ, પણ નીચે જોવા મળે છે. માનવ-આકૃતિઓ અને ચીજ-વસ્તુઓ અવકાશમાં વજનહીન હાલતમાં તરતી જણાય છે અને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તેમને જાણે લાગુ પડતો નથી તેવું દર્શક અનુભવે છે. મનસૂરી તૃતીય શ્રેણીના એટલે કે ભૂખરા અને કથ્થાઈ રંગોનો સર્વથા ત્યાગ કરી પ્રથમ શ્રેણીના એટલે કે લાલ, પીળો અને વાદળી તથા દ્વિતીય શ્રેણીના એટલે કે લીલો, જાંબલી, કેસરી દ્વારા જ ચિત્રાંકન કરે છે. તેથી ચિત્રો ભડકીલાં બને છે.

ચિત્રોમાં રોજિંદા જીવનની વસ્તુઓ તથા પશુ-પંખીસૃષ્ટિનો પ્રતીકો તરીકે તેઓ નિજી રીતે વિનિયોગ કરે છે. 1991માં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીની કલા-અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ, 1995–97 માટે ભારત સરકારના સાંસ્કૃતિક ખાતાની ફેલોશિપ અને 1998–99 માટે તેમને ‘હુસેન-બેન્દ્રે’ સ્કૉલરશિપ મળેલી.

અમદાવાદમાં 1996, ’97, ’98, ’99માં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શન યોજાવા ઉપરાંત અમદાવાદ, જયપુર અને મુંબઈમાં સામૂહિક પ્રદર્શનો પણ યોજાયાં છે.

હાલ (2000માં) તેઓ અમદાવાદની સી. એન. કૉલેજ ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાના અધ્યાપક તરીકે કામગીરી બજાવે છે.

અમિતાભ મડિયા