મધ્યદેશ (વેદમાં)

January, 2002

મધ્યદેશ (વેદમાં) : પ્રાચીન સમયમાં હિમાલયથી વિંધ્યાચલ સુધીનો આર્યાવર્તના પરિપ્રેક્ષ્યમાં અવસ્થિત પ્રદેશ. પ્રાચીન કાળનો મધ્યદેશ એ વર્તમાન કાળના મધ્યપ્રદેશથી સાવ વિભિન્ન છે. પ્રાચીન મધ્યદેશ હિમાલયથી વિંધ્યાચલ સુધી સીમિત આર્યાવર્તના પરિપ્રેક્ષ્યમાં અવસ્થિત હતો, જ્યારે વર્તમાન મધ્યપ્રદેશ કાશ્મીરથી છેક કન્યાકુમારી સુધી વિસ્તૃત સમસ્ત ભારતદેશનો સંદર્ભ ધરાવે છે. વર્તમાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીની ઉત્તરે તથા દક્ષિણે આવેલ રતલામ, ઉજ્જૈન, ઇન્દોર, ભોપાલ, સાંચી, ઝાંસી, ગ્વાલિયર, ખજુરાહો, કટની, જબલપુર, માંડલા, પંચમઢી, વિલાસપુર, રાયપુર, ભિલાઈ, જગદલપુર વગેરેનો સમાવેશ થાય છે; જ્યારે પૌરાણિક વિભાવના અનુસાર મધ્યદેશ હિમાલયની દક્ષિણે, વિંધ્યની ઉત્તરે, કુરુક્ષેત્રની પૂર્વે અને પ્રયાગની પશ્ચિમે આવેલો હતો. ‘મનુસ્મૃતિ’ના અધ્યાય 2માં મધ્યદેશનો વિસ્તાર સ્પષ્ટત: આ રીતે જણાવેલો છે (શ્લોક 21) : કુરુક્ષેત્રથી પ્રયાગ સુધીના આ ભૂભાગમાં પંચાલ, શૂરસેન, કોશલ, વત્સ, ચેદિ આદિ જનપદોનો સમાવેશ થતો. દિલ્હીથી અલ્લાહાબાદ સુધીના વિસ્તારમાં આવેલા પ્રાચીન મધ્યદેશમાં વર્તમાન ઉત્તર પ્રદેશ અંતર્ગત હતો. હજી પણ નેપાલના ખાટમંડુનાં બજારોમાં કોઈ હિંદુસ્તાની નજરે પડે તો ત્યાંના લોકો તેને ‘પ્રદેશિયા’ અર્થાત્ મધ્યદેશમાં રહેલા એવા નામથી સંબોધે છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી