મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.), પૂર્વ તરફ સુપૌલ જિલ્લો, અગ્નિ તરફ સહારસા જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્યમાં દરભંગા જિલ્લો તથા પશ્ચિમમાં સીતામઢી જિલ્લો આવેલા છે. મધુબનીનો વિસ્તાર જૂના મિથિલા પ્રદેશની વચ્ચેના ભાગમાં આવેલો છે. જિલ્લાનો આકાર અનિયમિત લંબચોરસ જેવો છે, ઉત્તર-દક્ષિણ લંબાઈ કરતાં પૂર્વ-પશ્ચિમ લંબાઈ વધુ છે. જિલ્લામથક મધુબની જિલ્લાના મધ્યભાગમાં નૈર્ઋત્ય તરફ આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ નીચાણવાળાં વિશાળ મેદાનોથી બનેલું છે. તે મધુબનીનાં મેદાનોથી ઓળખાય છે. આ મેદાનો અસંખ્ય નદીનાળાં, પંકવિસ્તારો તેમજ ઊંચાણવાળી ડુંગરધારોથી ભેદાયેલાં છે. સમુદ્રસપાટીની ર્દષ્ટિએ ભૂમિ એકંદરે ઊંચાણવાળી છે. અહીંની જમીનો મુખ્યત્વે ચૂનાદ્રવ્યયુક્ત છે. તેમાં ભિન્ન ભિન્ન પ્રમાણમાં રેતી અને માટી ભળેલી છે. જ્યાં માટીવાળી જમીનો છે ત્યાં રેતીનું પ્રમાણ નહિવત્ હોવાથી તથા ભેજસંગ્રહ કરી શકતી હોવાથી ત્યાં ડાંગરનો પાક લઈ શકાય છે.
નેપાળ તરફથી પ્રવેશતાં ઘણાં નદીનાળાંએ અહીં કાંપની રચના કરી છે. તેમના પ્રવાહો ઉત્તરથી દક્ષિણ અન્યોન્ય સમાંતર વહે છે. અહીંની મુખ્ય નદીઓમાં બાઘમતી, કમલા, કરાઈ, બાલન અને તિલજુગાનો સમાવેશ થાય છે.
ખેતી–પશુપાલન : આ જિલ્લાના કૃષિપાકોમાં ડાંગર અને શેરડી મુખ્ય છે. અહીં ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત છે. જો વરસાદ ઓછો પડે કે ન પડે તો શિયાળુ ડાંગરનો પાક લઈ શકાતો નથી. વરસાદ બરોબર પડે તો નદીઓમાં પૂર આવે છે; ક્યારેક ભારે વરસાદથી ઊભા પાક ધોવાઈ જાય છે. નદીઓ, કૂવા અને નળકૂપ(tubewell)નાં પાણીથી ખેતીને જરૂરિયાત મુજબ સિંચાઈ અપાય છે. ખેતી પછીના બીજા ક્રમે પશુપાલનનો વ્યવસાય આવે છે. અહીં બધી જાતનાં ઢોરનો ઉછેર થાય છે. તેમાં પણ દુધાળાં ઢોરની સંખ્યા વધુ છે. જિલ્લાનાં ઘણાં મથકો પર પશુદવાખાનાંની સુવિધા ઊભી કરેલી હોવાથી ઢોરનાં ઓલાદ અને આયુષ્યમાં ફરક પડ્યો છે.
ઉદ્યોગ–વેપાર : અહીં શેરડીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું હોઈ જૂના વખતથી ચાલ્યો આવતો ખાંડનો ઉદ્યોગ વધુ વિકસ્યો છે. કાંતણ અને વણાટકામ જેવા હસ્ત-કારીગરીના એકમો પણ જૂના વખતથી ચાલ્યા કરે છે. આજે મધુબની ખાદી ગ્રામોદ્યોગ મથક બની રહેલું છે. અહીં એવી ઘણી મૈથિલી સ્ત્રીઓ છે, જે અત્યંત ઝીણા તાર કાંતીને સુંદર કાપડ તૈયાર કરી શકે છે. કહેવાય છે કે તેઓ ઉપનયન (યજ્ઞોપવીત) સંસ્કાર માટે એટલા બધા ઝીણા તારની જનોઈ બનાવે છે કે તે એલચીના ડોડવા(પ્રાવર)માં સમાઈ શકે છે. આ પરથી અહીંના હાથસાળ ઉદ્યોગના મહત્વનો ખ્યાલ આવે છે. આ ઉપરાંત મધુબનીની સ્ત્રીઓ ઉત્તમ કક્ષાનું ચિત્રકામ પણ કરે છે. તે ‘મધુબની ચિત્રકલા’ના નામથી જાણીતું છે. આ સિવાય જિલ્લામાં નાના પાયા પરના ઘણા ઔદ્યોગિક એકમો પણ છે.
આ જિલ્લામાં પ્લાયવુડ, ઍલ્યુમિનિયમનાં વાસણો, હાથસાળ-કાપડ અને ખાદીનું ઉત્પાદન થાય છે. ડાંગર, ચોખા, મખના (માખણિયાં બોર), માછલી, કેરી, લીચી તથા પિત્તળની કારીગરીની ચીજવસ્તુઓની અહીંથી નિકાસ થાય છે. જ્યારે ચોખા, બટાટા, ખાદ્યતેલ, ઘઉં, દવાઓ, યંત્રો, ઝીણાં કપડાં, પગરખાં અને સૌંદર્ય- પ્રસાધનોની અહીં આયાત થાય છે. ઘણા જૂના વખતથી (ઓગણીસમી સદીથી) મધુબનીનો મોટા ભાગનો નિકાસી-આયાતી વેપાર નેપાળ સાથે ચાલે છે. વેપારની સુવિધા જળવાય તે માટે જિલ્લામાં નેપાળ સરહદ નજીક લાકડાનાં પીઠાં અને લાટીઓ, ચોખા છડવાની મિલો જેવા એકમો સ્થાપવામાં આવેલા છે. જિલ્લામાં મધુબની, જયનગર, ઝાંઝરપુર અને ઔરંગાબાદ મુખ્ય વેપારી મથકો છે.
પરિવહન–પ્રવાસન : અહીં જૂના વખત(બ્રિટિશ શાસનકાળ)માં ગળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થતું હતું, તેથી ગંગાના દક્ષિણ ભાગોની તુલનામાં અહીં રસ્તા સારી રીતે વિકસેલા હતા. આજે પણ આ જિલ્લો સડકમાર્ગોથી ગૂંથાયેલો છે. જિલ્લામથક મધુબની રાજ્ય-પરિવહનનાં મુખ્ય મથકો પૈકીનું એક ગણાય છે. અહીં ઈશાન વિભાગીય રેલમાર્ગની પણ સુવિધા છે. દરભંગા-જયનગર, દરભંગા-નિરમાલી અને દરભંગા-લૌકાહા મીટરગેજ રેલમાર્ગો આ જિલ્લાને અવરજવર તથા હેરફેરની સગવડો પૂરી પાડે છે. અહીંના નૅરોગેજ રેલમાર્ગને બ્રૉડગેજમાં ફેરવવાની યોજના ચાલે છે.
આ જિલ્લામાં આંધ્રથડી, બલિરાજપુર, વાસુદેવપુર, ભવાનીપુર, ભીટ ભગવાનપુર, બિંદેશ્વરસ્થાન, બિસ્ફી, ક્રાકૌલ, મંગરૌની, સૌરથ, સાતઘડા, શૈલનાથ, ફૂલહાર, કલના, ઉચૈથા અને જયનગર અગત્યનાં પ્રવાસ-સ્થળો ગણાય છે. જિલ્લામાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે મેળા ભરાય છે.
વસ્તી : 1991 મુજબ જિલ્લાની કુલ વસ્તી 28,32,024 જેટલી છે. તે પૈકી 14,65,997 પુરુષો અને 13,66,027 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું વિભાજન સંખ્યામાં અનુક્રમે 27,29,260 અને 1,02,764 જેટલું છે. જિલ્લામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સંખ્યા અનુક્રમે 3,61,687 અને 597 જેટલી છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 23,58,164; મુસ્લિમ : 4,73,340; ખ્રિસ્તી : 40; શીખ : 220; બૌદ્ધ : 53; જૈન : 124 તથા અન્યધર્મી 83 જેટલા છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. 1991 મુજબ જિલ્લામાં શિક્ષિતોની કુલ સંખ્યા 7,53,301 જેટલી છે. તે પૈકી 5,70,694 પુરુષો અને 1,82,607 સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ 7,05,515 અને 47,786 જેટલું છે. અહીંનાં ગામડાંઓમાં 82.56 % શિક્ષણ-વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. બધાં જ નગરોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓની સગવડ છે. 1996 મુજબ મધુબનીમાં 8 જેટલી કૉલેજો આવેલી છે. તબીબી સેવાની ઉપલબ્ધિ માત્ર 22.5 % ગામડાંઓમાં જ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 ઉપ-વિભાગોમાં તથા 20 સમાજ-વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 1,110 (81 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : હાલના મધુબની જિલ્લાના કેટલાક પ્રદેશો પ્રાચીન સમયમાં વૈશાલીના લિચ્છવીઓની સત્તા હેઠળ હતા. મગધના રાજા અજાતશત્રુએ પાછળથી વૈશાલી જીતી લઈ તેને મગધ સાથે ભેળવી દીધું. સાતમી સદીમાં આ પ્રદેશ ગુપ્ત વંશના રાજાઓ તથા સમતટના ખડગ રાજાઓની સત્તા હેઠળ હતો. આઠમી સદીમાં પાલ વંશના ગોપાલ, ધર્મપાલ, દેવપાલ વગેરે રાજાઓના આધિપત્ય હેઠળ આ પ્રદેશ હતો. તેરમી સદીથી આ પ્રદેશમાં મુસલમાનોની સત્તા સ્થપાઈ હતી.
ઈ. સ. 1764માં બકસરની લડાઈમાં અંગ્રેજોને નિર્ણાયક વિજય મળવાથી બિહારના અન્ય પ્રદેશો સહિત મધુબની અંગ્રેજોની સત્તા હેઠળ ગયું. તે પછી બ્રિટિશ રાજના ઇતિહાસ સાથે તે જિલ્લાનો ઇતિહાસ જોડાયેલો છે. મિથિલામાં તોફાનો થયાં તથા નેપાળીઓના હુમલા થયા અને નેપાળ સાથે લડાઈ થઈ ત્યારે બ્રિટિશ લશ્કરે આ પ્રદેશોનું રક્ષણ કર્યું હતું. મધુબનીની ઉત્તર-પૂર્વે (ઈશાન) 25 કિમી.ના અંતરે આવેલ બલિરાજપુરમાં, દંતકથા મુજબ, પ્રાચીન સમયના રાજા બલિના કિલ્લાના અવશેષો આવેલા છે. મધુબનીની પૂર્વે 16 કિમી. દૂર આવેલ વાસુદેવપુર ભારા અને ગાંધા રાજપૂતોના જૂના રાજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. ત્યાં આવેલ મહેલ ગંધવારિયા રજપૂતોનો છે.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ