મદ્રાસ મહાજન સભા : મદ્રાસ ઇલાકાની રાજકીય સંસ્થા. મદ્રાસ નેટિવ એસોસિયેશન બંધ થઈ ગયા બાદ, લોકોનાં હિતોનું રક્ષણ કરવા માટે એક રાજકીય સંસ્થાની જરૂર હતી. અંગ્રેજોની અમલદારશાહી અને રાજકીય જુલમથી લોકો ઘણા દુ:ખી થયા હતા. તેથી રાજકીય સંસ્થા સ્થાપવાની આવશ્યકતા લોકોને સમજાઈ હતી. તેથી 17 ઑક્ટોબર 1884ના રોજ જી. સુબ્રમણ્ય આયરે મદ્રાસ મહાજન સભાની સ્થાપના કરી. તેની સ્થાપનાની બીજી અલગ તારીખ 16 મે 1884 પણ મળે છે. તેના પ્રથમ પ્રમુખ પી. રંગૈયા નાયડુએ 1906 સુધી આ હોદ્દો સંભાળ્યો. આ સંસ્થાએ ગ્રામ-વિસ્તારોનાં મંડળોનું સંકલન કરીને લોકસંપર્ક સાધવાનો હેતુ રાખ્યો હતો. મદ્રાસ ઇલાકાના નામાંકિત નેતાઓ જી. મહાદેવ ચેટ્ટી, સી. વી. સુંદરમ શાસ્ત્રી, પી. સોમસુંદરમ્ ચેટ્ટી વગેરે તેમાં જોડાયા હતા. જૂન 1885 સુધીમાં તેના 205 સભ્યો થયા અને 56 મંડળો તેની સાથે જોડાયાં. આ સંસ્થાએ બેઝવાડા, ગંતુર, મછલીપટ્ટમ્, કોઇમ્બતુર, વેલોર, શ્રીરંગમ્, કોકોનાડા, મદુરા, તિનેવેલી વગેરે ઠેકાણે સભાઓ ભરી હતી. અધિવેશન ભરાય ત્યારે જોડાણ ધરાવતાં મંડળો તેમાં પ્રતિનિધિઓ મોકલતા.
તેનું પ્રથમ અધિવેશન 29 ડિસેમ્બર 1884થી 2 જાન્યુઆરી 1885 દરમિયાન મદ્રાસ(ચેન્નાઈ)માં ભરવામાં આવ્યું. તેમાં આખા ઇલાકાના નામાંકિત નેતાઓએ હાજરી આપીને, નીચેની બાબતો અંગે સરકારને આવેદનપત્ર મોકલવાનો ઠરાવ કર્યો : (1) દીવાની, મહેસૂલી અને ન્યાયકીય કાર્યો માટે અલગ અધિકારીઓ નીમવા; (2) દીવાની મૅજિસ્ટ્રેટોના પગારો ઘટાડવા; (3) મૅજિસ્ટ્રેટો અને મહેસૂલી અધિકારીઓના પગારો સરખા રાખવા. નીચેના વિશેની વિગતો તૈયાર કરી લાવવા બધા નેતાઓને પરિપત્રો પાઠવવામાં આવ્યા હતા : (1) ખેડૂતોની આર્થિક સ્થિતિ, તેમની ગરીબીનાં કારણો જણાવવાં; (2) ગ્રામજનોની ગરીબી માટે સરકારના વિવિધ કરવેરા તથા ધીરધાર કરનાર વેપારીની જવાબદારી કેટલી ? (3) તમારા વિસ્તારમાં કયા સુધારા કરવા જોઈએ તે જણાવશો; વગેરે.
આ સંસ્થાનું બીજું અધિવેશન ડિસેમ્બર 1885માં ચેન્નાઇમાં મળ્યું. તેમાં જોડાણ ધરાવતાં મંડળોએ મદુરા, ચિંગલપેટ, તિનેવેલી, કોઇમ્બતુર વગેરે નગરોમાં સભાઓ યોજી, ઠરાવો પસાર કર્યા અને મહાજન સભાને મોકલી આપ્યા. સરકારને મોકલી આપેલ ઠરાવોમાં સૌથી મહત્વના બે હતા : (1) લેજિસ્લેટિવ કાઉન્સિલના બિનસરકારી સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવી, અને (2) ધારાસભ્યોએ હિંદુ, મુસલમાન, યુરોપીય વગેરે કોમોનું પ્રતિનિધિત્વ કરવું. તેના એક હજાર જેટલા સભ્યોમાંથી ઘણા વકીલો, વેપારીઓ, શિક્ષકો, ખેડૂતો, જમીનદારો વગેરે હતા. આ સંસ્થાનું ત્રીજું અધિવેશન એપ્રિલ 1887માં કુંભકોણમમાં મળ્યું. તેમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ત્યાંની સરકારી કૉલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક રાયબહાદુર સાધુ શેષય્યા સ્વાગત સમિતિના અધ્યક્ષ હતા. મહાજન સભાનું બંધારણ સુધારવાનો તેમાં નિર્ણય કરવામાં આવ્યો. તેણે અખિલ ભારતીય કૉંગ્રેસની સહાયક સંસ્થા તરીકે કામ કરવાનો ઠરાવ કર્યો. આ ઉપરાંત લેજિસ્લેટિવ કાઉન્સિલની સભ્યસંખ્યા વધારવા, કારોબારી અને ન્યાયતંત્રને અલગ કરવા તથા મંદિરોની વ્યવસ્થા સુધારવા માટેના ઠરાવો પસાર કરવામાં આવ્યા.
સમગ્ર ભારત માટે અખિલ ભારતીય કૉંગ્રેસ જે કાર્યો કરવા માગતી હતી, તે કાર્યો મહાજન સભા મદ્રાસ ઇલાકા માટે કરતી હતી. આ સંસ્થા દ્વારા ચૂંટેલા પ્રતિનિધિઓ અખિલ ભારતીય કૉંગ્રેસનાં અધિવેશનોમાં હાજર રહેવા જતા. મદ્રાસ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિ મહાજન સભાના આગેવાનોની બનેલી હતી. રંગૈયા નાયડુ પછી નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર 1907થી 1917 સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા હતા. આ સંસ્થાએ લોકોના સામાજિક અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ કરી. મહાજન સભાનો ઇતિહાસ એટલે મદ્રાસ ઇલાકાનો રાષ્ટ્રીય ચળવળનો ઇતિહાસ એમ કહી શકાય. 1947 પછી પણ મહાજન સભા ચાલુ રહી છે. 1984માં પણ તેનું કાર્યાલય ચેન્નઈમાં કાર્યશીલ હતું.
જયકુમાર ર. શુક્લ