આંતરપ્રક્રિયા લાભ (inter-process profit) : ધંધાના સમગ્ર નફામાં ઉત્પાદનની પ્રત્યેક પ્રક્રિયા અથવા એકમે આપેલા ફાળાનું મૂલ્યાંકન. એક પ્રક્રિયામાં તૈયાર થયેલ માલ બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે ત્યારે તેની પડતર કિંમત વધારીને ફેરબદલી કરવી જોઈએ એમ કેટલાક માને છે. આ જ પ્રમાણે એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક જ જૂથ હેઠળના એક એકમમાંથી બીજા એકમમાં અથવા એક કંપનીમાંથી બીજી કંપનીમાં માલ લઈ જવામાં આવે ત્યારે ફેરબદલી-કિંમત નક્કી કરવામાં આવે છે. રૂઢિગત હિસાબી પદ્ધતિમાં આવી ફેરબદલી પડતર કિંમતે જ કરવામાં આવે છે, પરંતુ દરેક પ્રક્રિયાને એક અલગ નફાકેન્દ્ર તરીકે ધ્યાનમાં લઈને દરેક પ્રક્રિયાનો નફો જુદો ગણવાનો હોય તો ફેરબદલી-કિંમત નક્કી કરવા માટે ખાસ કાળજી રાખવી પડે છે, કારણ કે આને લીધે બંને પ્રક્રિયાના નફા ઉપર અસર પડે છે. કામગીરીનું સાચું મૂલ્યાંકન, નિર્ણય લેવામાં સહાયતા તથા નફાની પરિસ્થિતિમાં સુધારો કરવા માટે ફેરબદલી-કિંમત નક્કી કરવામાં આવે છે. દરેક પ્રક્રિયાના અલગ નફાની ગણતરી થતી હોવાથી તે દરેક પ્રક્રિયા સ્વાવલંબિત રીતે સ્પર્ધામાં ટકી રહી શકે એમ છે કે નહિ તે નક્કી કરી શકાય છે. કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું કે તેની ખરીદી કરવી, વસ્તુને આગળ પ્રક્રિયામાં મોકલવી કે તેને બજારમાં સીધી વેચી દેવી, વિકલ્પિત પ્રક્રિયાની પસંદગી કરવી વગેરે નિર્ણયો લેવામાં તે ઉપયોગી છે. હરીફાઈમાં ઊભી રહીને દરેક પ્રક્રિયા પોતાનો મહત્તમ નફો કમાઈ શકે છે અને ધંધાના સમગ્ર નફામાં પોતાનો કીમતી ફાળો આપે છે. ફેરબદલી-કિંમત આ પદ્ધતિઓથી નક્કી કરી શકાય છે : (1) પડતર કિંમત, આમાં (અ) ખરેખર અથવા પ્રમાણિત કુલ પડતર (આ) સીમાંત પડતર અથવા (ઇ) કુલ કિંમત વત્તા નફાના અમુક ટકા(cost plus)ના આધારે ફેરબદલી-કિંમત નક્કી કરી શકાય અને (2) બજારકિંમત જેમાં (અ) ખરેખર બજારકિંમત અથવા (આ) લવાદી અથવા વાટાઘાટો દ્વારા નક્કી થયેલ કિંમતનો આધાર લઈ શકાય; પરંતુ આમ કરવાથી હિસાબોમાં ઘણા જ બિનજરૂરી ગૂંચવાડા ઊભા થાય છે. દરેક પ્રક્રિયામાં ‘નહિ કમાયેલ નફા’નો સમાવેશ થાય છે. વર્ષના અંતે સ્ટૉકના મૂલ્યાંકન માટે દરેક પ્રક્રિયાના નફામાંથી આવો વધારાનો નફો બાદ કરવો પડે છે. તેને બજારભાવ સાથે સરખાવીને, બેમાંથી જે મૂલ્ય ઓછું હોય તે જ પાકા સરવૈયામાં બતાવવામાં આવે છે. વળી ધંધો પોતાની સાથે જ આંતરપ્રક્રિયા દ્વારા આ રીતે નફો કરે છે એમ લાગે. પ્રક્રિયાની કાર્યદક્ષતા વિશે આ પ્રમાણે નફો ચઢાવ્યા વગર પણ જાણી શકાય. આ માટે જરૂરી વિગતો રાખીને, પડતરનું અલગ પૃથક્કરણ કરીને અને હિસાબી ચોપડા સિવાય હેવાલ તૈયાર કરીને અથવા પ્રમાણકિંમત અપનાવીને પ્રક્રિયાની કાર્યદક્ષતા જાણી શકાય.
પડતર અને સ્ટૉકમાં દર વર્ષે મોટા તફાવતો ન પડતા હોય તો શરૂઆતનાં વર્ષોમાં સ્ટૉકમાં ના મળેલ નફા જેટલું ‘નહિ મળેલ નફાનું અનામત’ ઊભું કરીને પછીનાં વર્ષોમાં આ અનામતની બાકીને આગળ લઈ જવામાં આવે. સ્ટૉકના પ્રમાણમાં ફેરફાર થાય તો પાકા સરવૈયાની તારીખે આ અનામતમાં ના મળેલ નફાના પ્રમાણમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. આખર સ્ટૉકમાં નહિ મળેલ નફાનો સમાવેશ દર્શાવવા માટે પ્રક્રિયાના ખાતાની ઉધાર અને જમા બાજુએ કુલ રકમ, કુલ રકમમાં પડતરની કિંમત અને કુલ રકમમાં સમાવેશ થયેલ નફાની રકમ એમ ત્રણ ખાનાં રાખવામાં આવે છે. આખરનો સ્ટૉક ઉધાર બાજુએ કુલ પડતરના સરવાળામાંથી બાદ કરવામાં આવે છે અને તેના મૂલ્યાંકનની ગણતરી આખર સ્ટૉક (પડતરની રકમ ÷ કુલ રકમ) – એ રીતે કરવામાં આવે છે. આખર સ્ટૉકની પડતર કિંમતની ગણતરી કરીને, આખર સ્ટૉકની આપેલી કિંમતમાંથી તે પડતરની રકમને બાદ કરવાથી જે નફાની રકમ આવે તે ઉધાર બાજુએ નફાના ખાનામાં લખાશે.
શિરીષભાઈ શાહ