આંતરપેઢી તુલના (interfirm comparision) : આંતરપેઢી તુલનાની એક સંચાલકીય પદ્ધતિ. તેમાં કોઈ એક ઉદ્યોગની બધી પેઢીઓ માહિતીની સ્વૈચ્છિક આપલે કરે છે, પોતાની કાર્યક્ષમતા, કામગીરી, પડતર અને નફાનો અભ્યાસ કરે છે અને પોતાની સમકક્ષ બીજી પેઢીના આવા સંબંધિત આંકડાઓ સાથે તુલના કરે છે. આંતરપેઢી તુલના અંકુશ માટેનું એક સાધન છે. પોતાના ક્ષેત્રના અન્ય હરીફોની કામગીરી સાથે પોતાની કામગીરીની સરખામણી કરીને કોઈ પણ પેઢી પોતાની પ્રક્રિયાઓ પર અંકુશ રાખી શકે છે, જેથી કાર્યક્ષમતામાં વધારો કરી શકાય અને મહત્તમ નફો પ્રાપ્ત કરી શકાય. મધ્યસ્થ સંસ્થા વ્યક્તિગત પેઢીની માહિતી ગુપ્ત રાખે છે અને દરેક સભ્ય પેઢીને ગુપ્ત સંજ્ઞાઓથી ઓળખીને જ પેઢીઓનાં નામ જણાવ્યા વગર તે પેઢીઓ અંગેની માહિતી પૂરી પાડવામાં આવે છે.

હેતુઓ : (1) વિગતોની અર્થપૂર્ણ સરખામણી – આ માટે પડતરના હિસાબો સમાન ધોરણે રાખવા પડે છે. (2) પેઢીની કામગીરીમાં રહેલી નબળાઈઓ અને ખામીઓની જાણકારી-સુધારાત્મક પગલાં લઈને નફામાં વધારો કરી શકાય છે. (3) ચાવીરૂપ પરિબળની કામગીરી તરફ સંચાલકોનું ખાસ ધ્યાન દોરાય છે. તેમાં સુધારણા કરવાથી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. (4) અંકુશાત્મક પરિબળોની સંચાલકો સમક્ષ રજૂઆત-પ્રતિકૂળ પરિબળો માટે જરૂરી પગલાં લઈને તેમાં ઘટાડો કરી શકાય છે. (5) પેઢીની કાર્યક્ષમતામાં સુધારો અને પડતર-કિંમતમાં ઘટાડો.

આંતરપેઢી તુલનાની સફળતા માટેની આવશ્યક શરતો :

(1) અનિવાર્ય માહિતી એકત્ર કરવી. માલસામગ્રીની વપરાશ, બગાડ, સ્ટૉક, કામદારોનો ઉપયોગ અને તેમની કાર્યક્ષમતા, યંત્રોનો ઉપયોગ અને તેમની કાર્યક્ષમતા, વસ્તુની વેચાણપડતર અને પડતરનું માળખું, અનામતો અને નફાની ફાળવણી, રોકેલ મૂડી પર વળતર, લેણદારો અને દેવાદારો, પ્રવાહિતા, ઉત્પાદનપ્રવાહ, ઉત્પાદનની પદ્ધતિઓ વગેરે.

(2) મધ્યસ્થ સંસ્થા : તે બે પ્રકારની સેવાઓ આપી શકે. સભ્ય પેઢીઓ પાસેથી રાબેતા મુજબની ઉપયોગની માહિતી એકત્ર કરવી અથવા ધંધામાં કોઈ પેઢીમાં મુશ્કેલીભરી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હોય અને તો ઉકેલ માટે પેઢી તો સલાહ લે. એકત્રિત કરેલી માહિતીના આધારે કોઈ પણ પેઢી જાતવિશ્લેષણ કરી શકે અને પોતાનાં પરિણામોમાં સુધારો કરી શકે.

(3) સભ્યપદ : સંસ્થાના સભ્યો થવાની પ્રેરણા મળે અને સંપૂર્ણ સહકારથી માહિતી મોકલવા તેઓ સહકાર આપી શકે તે માટે સંસ્થાની નક્કી કરેલી પ્રવૃત્તિઓ વગેરેથી તેમને વાકેફ રાખવા જોઈએ. તેમના મનમાં કોઈ સંદેહ હોય તો દૂર કરીને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવું જોઈએ.

(4) સમાનતા અંગે વિચારણા : પડતર માટે સમાન સિદ્ધાંતો અપનાવવા, વર્ગીકરણ કરવા, શબ્દાવલિ માટે મૂળભૂત સંમતિ વગેરે મેળવી તે અંગે જરૂરી નિર્ણયો કરવા.

(5) ગુણોત્તરોની ગણતરી : પ્રાથમિક ગુણોત્તર રોકેલ મૂડી ઉપર વળતરનો છે. તે આધારે અનેક પૂરક ગુણોત્તરોની ગણતરી કરી શકાય. સભ્યોનું વર્ગીકરણ કરીને સભ્ય જૂથોના સરેરાશ ગુણોત્તરોની પણ ગણતરી કરી શકાય.

(6) માહિતીની ગુપ્તતા : આ માટે દરેક સભ્યને એક ગુપ્ત સંજ્ઞા આપવામાં આવે છે. આથી માહિતી મોકલવામાં આવે ત્યારથી જ ગુપ્તતા જળવાઈ રહે. ગુણોત્તર પત્રકો મોકલતી વખતે પણ આવી સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.

આંતરપેઢી તુલના માટે સંચાલન ગુણોત્તરની પદ્ધતિ : ‘પિરામિડ સ્ટ્રક્ચર’ના આધારે ગુણોત્તરોની રજૂઆત ચાર સ્તરે કરવામાં આવે છે :

(1) પિરામિડની ટોચ એટલે કે પ્રથમ કક્ષાએ પ્રાથમિક ગુણોત્તરની રજૂઆત.

કુલ મિલકતનો દર = X 100

(2) પ્રાથમિક ગુણોત્તરના અંગભૂત ખુલાસાના બે ગુણોત્તરોની દ્વિતીય કક્ષાએ રજૂઆત.

(અ) વેચાણનફાનો ગુણોત્તર = X 100

(બ) વેચાણમિલકતનો ગુણોત્તર = x 100

(3) ઉપરના બંને ગુણોત્તરોના તફાવતોને સમજાવતાં સામાન્ય સહાયક ગુણોત્તરોની માળખાની ત્રીજી કક્ષાએ રજૂઆત.

(અ) વેચાણનફાના ગુણોત્તર માટે :

(1) (કારખાના પડતર ÷ વેચાણ) × 1૦૦

(2) (વેચાણવિતરણના ખર્ચા ÷ વેચાણ) × 1૦૦

(3) (વહીવટી ખર્ચા ÷ વેચાણ) × 1૦૦

(બ) વેચાણ મિલકતોના ગુણોત્તર માટે :

(1) (વેચાણ ÷ કાયમી મિલકતો) × 1૦૦

(2) (વેચાણ ÷ ચાલુ મિલકતો) × 1૦૦

(4) સામાન્ય સહાયક ગુણોત્તરોના તફાવતને સમજાવતા વિશિષ્ટટ પ્રકારના સહાયક ગુણોત્તરની ચોથી કક્ષાએ રજૂઆત.
(અ) કારખાના પડતર અને વેચાણના ગુણોત્તરોના સહાયક ગુણોત્તરો :

(1) (પ્રત્યક્ષ માલસામગ્રી પડતર ÷ વેચાણ) × 1૦૦
(2) (પ્રત્યક્ષ વેતન પડતર ÷ વેચાણ) × 1૦૦
(3) (કારખાના શિરોપરિ (overhead) ખર્ચ ÷ વેચાણ) × 1૦૦

(બ) વેચાણ અને ચાલુ મિલકતોના ગુણોત્તરોના પૂરક ગુણોત્તરો જેમાં સ્ટૉકના ગુણોત્તરોમાં વેચાણને બદલે વેચાણ પડતરનો ઉપયોગ

(1) (વેચાણપડતર ÷ માલસામગ્રી સ્ટૉક) × 1૦૦
(2) (વેચાણપડતર ÷ અર્ધતૈયાર માલસ્ટૉક) × 1૦૦
(3) (વેચાણપડતર ÷ તૈયાર માલનો સ્ટૉક) × 1૦૦
(4) (વેચાણ ÷ દેવાદારો) × 1૦૦

શિરીષભાઈ  શાહ