મથુરા : સ્થાન-સીમા-વિસ્તાર : ઉત્તર પ્રદેશના પશ્ચિમ છેડા પર આગ્રા વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 270 14´થી 270 58´ ઉ. અ. અને 770 17´થી 780 12´ પૂ. રે. વચ્ચેનો 3,811 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર અપૂર્ણ અર્ધચંદ્ર જેવો છે. તેનો પૂર્વ છેડો પાતળો અને ઉત્તર છેડો પહોળો છે. હરિયાણા-રાજસ્થાન સરહદેથી આગ્રા તરફની તેની મહત્તમ લંબાઈ 96 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 66 કિમી. જેટલી છે. તેની વાયવ્યમાં હરિયાણાની સરહદ, ઉત્તર અને પૂર્વ તરફ અલીગઢ, અગ્નિકોણમાં ઇટાહ, દક્ષિણમાં આગ્રા તથા પશ્ચિમે રાજસ્થાનની સરહદ આવેલાં છે. જિલ્લા-મથક જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લો યમુના નદીના થાળાની બંને બાજુ વિસ્તરેલો હોવાથી તેનો મોટો ભાગ મેદાની છે. ભૂપૃષ્ઠનો ઢોળાવ નદીપથ મુજબનો છે. ભૂપૃષ્ઠની વધુમાં વધુ ઊંચાઈ ગુરગાંવ નજીકના કોટવન પાસે 178 મીટર, જ્યારે ઓછામાં ઓછી ઊંચાઈ જિલ્લાને પૂર્વ છેડે રેલસડક જંક્શન જલેસર પાસે 171.6 મીટર જેટલી છે. યમુના નદી જિલ્લાની મધ્યમાંથી લગભગ ઉત્તર-દક્ષિણ પસાર થતી હોવાથી તે જિલ્લાના બે સરખા ભાગ પાડે છે. ઘણા વળાંકોમાં વહીને તે 161 કિમી.નો પ્રવાહપથ બનાવે છે. મેદાની ભૂપૃષ્ઠ ધરાવતા આ જિલ્લામાં બધે જ યમુનાનો કાંપ પથરાયેલો છે. કાંપનું બંધારણ રેતી, માટી અને કંકરનું બનેલું છે, કંકરનું પ્રમાણ વિશેષ છે. ગોવર્ધન તેમજ પશ્ચિમ સરહદ નજીક રેતીખડકો મળે છે. યમુના અહીંની એકમાત્ર મુખ્ય નદી છે.

વનસ્પતિજીવન : જિલ્લામાં પર્ણપાતી વૃક્ષો તેમજ અયનવૃત્તીય કાંટાળા છોડવાનું પ્રમાણ વિશેષ છે. અહીં સીસમ, વડ, બાવળ અને લીમડાનાં વૃક્ષો મુખ્ય છે. નહેરની પાળે પાળે બાવળ અને આંબાનાં વૃક્ષો વાવેલાં છે; જ્યારે જંગલખાતાએ બાવળ, કણજી, શિરીષ, રાયણ અને પીપળાનાં વૃક્ષો ઉછેર્યાં છે. અહીં રાજસ્થાનનું રણ વધતું અટકે તેમજ નદી દ્વારા જમીન-ધોવાણ થતું અટકે તે માટે વનવિકાસની યોજના હાથ ધરવામાં આવેલી છે. રસ્તાઓની બંને બાજુ પર વૃક્ષો વાવ્યાં છે અને જિલ્લાની 1,581 હેક્ટર ભૂમિ જંગલ હેઠળ આવરી લેવાઈ છે. બાવળની છાલ ચામડાં કમાવાના ઉપયોગમાં લેવાય છે અને અહીંનાં ચામડાંની આગ્રા ખાતે નિકાસ કરવામાં આવે છે. મૅટ તાલુકામાં ખસ પુષ્ટકળ ઊગે છે. યમુનાકિનારે મળતું મુંજ દોરડાં વણવાના ઉપયોગમાં આવે છે.

મથુરા જિલ્લો

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નભે છે. ઘઉં, જવ, જુવાર, બાજરી, કઠોળ, શેરડી અને કપાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. જિલ્લાની લગભગ 91 % ભૂમિ પર ખેતી થાય છે. તે પૈકીની 70 % જમીનને સિંચાઈની સગવડો ઉપલબ્ધ છે. જિલ્લામાં બાગાયતી ખેતી પણ થાય છે. જિલ્લાના પશુધનમાં ગાયો, ભેંસો, મરઘાં અને ડુક્કરનો સમાવેશ થાય છે. દુધાળાં ઢોરની સંખ્યા ઘણી છે. અહીં મરઘાં-ઉછેરકેન્દ્રો, ડુક્કર-સંવર્ધનમથકો અને સહકારી દૂધમંડળીઓ આવેલાં છે. કેટલાક લોકો માછલીઓનો ઉછેર પણ કરે છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં ખનિજો મળતાં નથી, માત્ર કંકર અને માટી મળે છે. બરસાના અને નંદગાંવ ખાતે રેતીખડકોનો મર્યાદિત જથ્થો મળે છે. વણાટકામના, કાગળ બનાવવાના તથા સલાટીકામના કેટલાક ગૃહઉદ્યોગોને બાદ કરતાં ઓગણીસમી સદી સુધી તો અહીં કોઈ મોટા ઉદ્યોગો ન હતા. કાગળની મિલો થવાથી કાગળનો ગૃહઉદ્યોગ પડી ભાંગ્યો, તેમજ પથ્થરો પરના સલાટીકામની પ્રવૃત્તિને પણ ફટકો પડ્યો. વીસમી સદીની શરૂઆતથી સુતરાઉ કાપડ પરના છાપકામનો અને તેના વેપારનો વિકાસ થયો. 1960 પછી મોટા ઉદ્યોગો નંખાતા ગયા. તે પૈકી મથુરા રિફાઇનરી મુખ્ય છે. અહીં 81 અધિકૃત અને 146 જેટલાં અનધિકૃત કારખાનાં કાર્યરત છે. જિલ્લામાં ગોળ, ખાંડ-મિસરી, ગાલીચા, શેતરંજીઓ, કંઠીમાળાઓ, મીઠાઈઓ, પગરખાં અને તાંબાના તારનું ઉત્પાદન થાય છે. ખાંડ-મિસરી, મીઠાઈઓ, સૅનિટરી ફિટિંગ, ઘઉં, કંઠીમાળાઓ અને તાંબાના તારની જિલ્લા બહાર નિકાસ થાય છે; જ્યારે કાપડ, દવાઓ, ચોખા વગેરેની આયાત થાય છે.

પરિવહનપ્રવાસન : મથુરા જિલ્લો આજુબાજુના વિસ્તારો સાથે માર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. અહીં કુલ 701 કિમી. લંબાઈના માર્ગો આવેલા છે. પ્રત્યેક 1,000 ચોકિમી.દીઠ 213 કિમી. લંબાઈના માર્ગો છે. મથુરા પાકા રસ્તાઓથી દિલ્હી, આગ્રા, ઇટાહ, કાસગંજ અને અલીગઢ સાથે જોડાયેલું છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 2 દિલ્હી, મથુરા અને આગ્રાને સાંકળે છે. પશ્ચિમ રેલવિભાગનો દિલ્હી–મુંબઈ રેલમાર્ગ તથા દિલ્હી–આગ્રા–મુંબઈ રેલમાર્ગ મથુરામાંથી પસાર થાય છે. આ ઉપરાંત લખનૌ–આગ્રા રેલમાર્ગ તથા મથુરા–વૃંદાવન થઈને જતો શાખા રેલમાર્ગ પણ અહીંથી જાય છે. આ જિલ્લામાં મથુરા, વૃંદાવન, ગોવર્ધન, ગોકુલ, બરસાના, બાલદેવ, અરિંગ, બચગાંવ, મહાવન અને રાધાકુંડ જેવાં ધાર્મિક તેમજ પ્રવાસી રસનાં સ્થળો આવેલાં છે.

વસ્તી :  1991 મુજબ આ જિલ્લાની વસ્તી 19,31,186 જેટલી છે. તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 75 % અને 25 % જેટલું છે. અહીં હિન્દુઓ અને મુસ્લિમોની વસ્તી વિશેષ છે, જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોની સંખ્યા 6,86,860 (36 %) છે. જિલ્લામાં કૉલેજોની સંખ્યા 6 છે, જ્યારે પ્રાથમિક, માધ્યમિક શાળાઓનું તેમજ તબીબી સેવાનું પ્રમાણ મધ્યમસરનું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકા અને 12 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 19 નગરો અને 1,023 (152 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લો તેના મુખ્ય શહેર મથુરા નામથી ઓળખાય છે. પ્રાચીન સમયનાં ભારતનાં સાત પવિત્ર શહેરોમાંનું એક મથુરા હતું. મધ્યયુગ શરૂ થતા પહેલાં મથુરા હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. શ્રીકૃષ્ણ ભગવાન મથુરામાં જન્મ્યા હતા અને પાસેના નંદગાંવમાં બાળપણ વિતાવ્યું હતું. જિલ્લાના મોટાભાગનાં સ્થળો શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલાં છે. વેદોના સમય પહેલાંથી આ પ્રદેશ અસુરો, નાગ અને યક્ષોના નિવાસસ્થાન તરીકે જાણીતો છે. આ વિસ્તારમાં સૌપ્રથમ વસનારા આર્યો યદુઓ હતા. ઋગ્વેદમાં તેમનો ઉલ્લેખ થયો છે. યમુના નદીના કાંઠે યદુઓ સ્થાયી થયા હતા. જૈનોના પ્રાચીન ગ્રંથોમાં ઉત્તર મથુરાના ઉલ્લેખો મળે છે. સાતમા તીર્થંકર સુપાર્શ્વના સમયમાં બે જૈન સાધુઓના સૂચનથી મથુરામાં વોડવા સ્તૂપ બંધાવવામાં આવ્યો હતો. ઈ. પૂ.ની આઠમી સદીમાં તેવીસમા તીર્થંકર પાર્શ્વનાથે આ શહેરની મુલાકાત લીધી હતી. તે ઘટનાની સ્મૃતિમાં ત્યાં એક સ્તૂપ બાંધવામાં આવ્યો હતો. છેલ્લા તીર્થંકર મહાવીરે પણ મથુરાની મુલાકાત લીધી હતી. ત્યાં તેમના ઘણા ભક્તો રહેતા હતા. બૌદ્ધ ધર્મના વિકાસમાં પણ મથુરાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. શૂરસેન પ્રદેશનો રાજા અવંતિપુત્ર બુદ્ધના મુખ્ય શિષ્યોમાં ગણાતો હતો અને તેને કારણે તેના પાટનગર મથુરામાં બૌદ્ધ ધર્મ ફેલાયો હતો. ઈ. પૂ. 300માં મૅગેસ્થનીસના સમયમાં મથુરા શ્રીકૃષ્ણની ભક્તિ માટે પ્રસિદ્ધ હતું. પાણિનિના ‘અષ્ટાધ્યાયી’માં મથુરાના અંધકો અને વૃષ્ણિઓના ઉલ્લેખો કરવામાં આવ્યા છે. ‘મિલિન્દ પન્હો’ અને ‘દીપવંશ’માં ભારતના જાણીતા શહેર તરીકે તેનો ઉલ્લેખ થયો છે. કવિ કાલિદાસે મથુરા, ગોવર્ધન પર્વત, યમુના નદી અને વૃંદાવનની ભરપૂર પ્રશંસા કરી છે. મથુરા અને તેની નજીકના વિસ્તારોમાંથી અનેક શિલાલેખો મળી આવ્યા છે. ગુપ્તયુગ દરમિયાન મથુરા કલાની પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. ફાહિયાન (પાંચમી સદી) તથા હ્યુ એન સાંગ (સાતમી સદી) ત્યાં કેટલોક સમય રહ્યા હતા. અગિયારમી સદીમાં મહમૂદ ગઝનીએ મથુરા જીતી લીધું હતું. મુઘલ શહેનશાહો મથુરાની આસપાસનાં જંગલોમાં શિકાર કરવા જતા. મુઘલ રાજ્ય પછી મથુરા જિલ્લાના જાટ લોકો અંગ્રેજ સેના સામે બહાદુરીથી લડ્યા હતા. સ્વાતંત્ર્ય-ચળવળમાં મથુરાનો ફાળો નોંધપાત્ર હતો.

મથુરા (શહેર) : ઉત્તર ભારતનું મહત્વનું પ્રાચીન ધાર્મિક સ્થળ તથા મંદિરોનું નગર. જિલ્લાનું આ મુખ્ય મથક યમુના નદીને કાંઠે વસેલું છે. અહીંનાં મોટાભાગનાં મંદિરો કૃષ્ણસમર્પિત છે. દ્વારકાધીશનું મંદિર, વિશ્રામઘાટ, ગીતામંદિર તથા સતી બુર્ઝ અહીંનાં મુખ્ય મંદિરો ગણાય છે. દાઉજીમાં શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ(બલદેવ)નાં મંદિરો છે. ગોકુળ વલ્લભાચાર્યના સમયથી મહત્વનું લેખાય છે. ગોવર્ધન પર્વત ગિરિરાજ તરીકે ઓળખાય છે. શ્રદ્ધાળુઓ તેની પરિક્રમા કરે છે. મથુરાની ઉત્તરે 46 કિમી.ના અંતરે યમુના નદીના કાંઠે આવેલા વૃંદાવનમાં આશરે એક હજાર મંદિરો છે. સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના સમાન ગોવિંદદેવ, મદનમોહન, ગોપીનાથ અને જુગલકિશોરનાં મંદિરો પ્રસિદ્ધ છે. બરસાણાનું રાધિકાજીનું મંદિર પણ કલાનો સુંદર નમૂનો છે. શીખ સંપ્રદાયના ગુરુ તેગબહાદુરનું તથા ગુરુ નાનકનું ગુરુદ્વારા પણ મહત્વનાં ધાર્મિક સ્થળો છે. ગુરુ નાનકે અને ગુરુ ગોવિંદસિંહે મથુરાની મુલાકાત લીધેલી. આ ઉપરાંત અહીં જૈન મંદિરો પણ આવેલાં છે. સદર બજાર પાસે યમુના બાગ આવેલો છે, ત્યાં પરીખજી અને મણિરામની બે છત્રીઓ બફરંગી રેતીખડકોમાંથી બનાવેલી છે. મથુરા મ્યુઝિયમ તથા મણિરામની છત્રી કોતરકામ માટે પ્રસિદ્ધ છે. ભારત માટે મહત્વનું ગણાતું આ સંગ્રહાલય 1930માં ડૅમ્પિયર પાર્કની આજની આ જગા પર ખેસવવામાં આવેલું છે. મથુરા ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ હોવાથી સદીઓથી અહીં શ્રદ્ધાળુ કૃષ્ણ-ભક્તોની ખૂબ અવરજવર રહે છે. દિવાળી, હોળી અને જન્માષ્ટમીના તહેવારો અહીં ખૂબ ધામધૂમથી ઊજવાય છે. તે ઉપરાંત વારતહેવારે મેળા પણ ભરાતા રહે છે. સદીઓથી આ તીર્થભૂમિ પર મંદિરો બંધાતાં આવ્યાં હોવાથી તે મંદિરોનું સંગ્રહસ્થાન ગણાય છે. 1017–18માં મહમૂદ ગઝનીએ મથુરા પર ધાડ પાડીને લૂંટ ચલાવેલી. 1500 અને 1757ની વચ્ચેના ગાળામાં તે ચાર વખત આક્રમણ, લૂંટફાટ અને તારાજીનો ભોગ બનેલું.

ગિરીશભાઈ પંડ્યા

જયકુમાર ર. શુક્લ