જીવરામ ભટ્ટ : સુધારક યુગના ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (1820–1898) રચિત ‘મિથ્યાભિમાન નાટક’ (લખાયું : 1869 પ્રકાશન : 1871)નો દંભી રતાંધળો નાયક. કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશીની ઇનામી જાહેરાતના સંદર્ભમાં, દંભ કરનાર મિથ્યાભિમાની બ્રાહ્મણ તરીકે આ પાત્રની રચના થઈ. અડતાળીસની વયે સોળેક વર્ષની યુવતીને પરણેલા જીવરામ ભટ્ટ પંચાવનની ઉંમરે પત્ની જમનાને તેડવા સાસરે જાય છે. ત્યાં રતાંધળો છતાં દેખી શકવાનો દંભ કર્યે જાય છે તથા વિદ્યા, ધન, રૂપ, ગુણ, કુળ, યૌવન આદિનું મિથ્યાભિમાન દાખવે છે. પરંતુ સાસરામાં તેનું સાચું, હીન વ્યક્તિત્વ પરખાઈ જાય છે. એનો દંભ એને અત્યંત હાસ્યાસ્પદ બનાવી છેવટે કરુણ પરિસ્થિતિમાં મૂકે છે ત્યારે મરણાસન્ન અવસ્થામાં એનું હૃદયપરિવર્તન થાય છે. દલપતરામે દંભી, ઢોંગી, મિથ્યાભિમાની પાત્ર સર્જી સાથે તત્કાલીન સમાજનાં અજ્ઞાનતા, જડતા, રૂઢિચુસ્તતા, અંધશ્રદ્ધા, કુરિવાજો આદિ દૂષણો હાસ્યાશ્રયે ખુલ્લાં પાડી સુધારાના આશયને ગૂંથ્યો છે. ‘મિથ્યાભિમાન’ નાટકના રંગભૂમિ પર પ્રયોગો થયા તે પછી તે પાત્ર ભજવનાર પ્રાણસુખ નાયકે જીવરામ ભટ્ટના પાત્રને અમર કર્યું છે.
મનોજ દરુ