મત્સ્યાલય (aquarium) : શોખને ખાતર અથવા તો પ્રદર્શનાર્થે ખોલવામાં આવતાં જલજીવોનાં સંગ્રહસ્થાનો. આ મત્સ્યાલયો સાવ નાની બરણી (bowl) અને કાચની ટાંકી(glass tanks)ઓથી માંડીને મોટાં જળાશયો કે જળાશયોના સમૂહો ધરાવતાં હોય છે. આમ તો સેંકડો વર્ષોથી માનવી ખોરાક માટે માછલીઓને ખાસ બનાવેલ જળાશયમાં રાખતો આવ્યો છે. અઢારમી સદીની શરૂઆતમાં શોખને ખાતર દેખાવે મનોરમ્ય એવાં સ્વર્ણ-મીનો(gold-fishes)ને બરણીઓમાં રાખવાની શરૂઆત થઈ. ત્યારબાદ માછલીઓ સાથે જલજ વનસ્પતિઓને પણ ઉગાડવાનું શરૂ થયું. હાલમાં મોટેભાગે ઉષ્ણકટિબંધનાં ઘરનાં મીઠાં જળાશયોમાં આવેલ નાના કદની માછલીઓને ઉછેરવામાં આવે છે.
ગપ્પી (guppy), તલવાર-પુચ્છ (sword tail), શ્યામ વિધવા (black widow), પરીમીન (angel fish), મૉલી, લડાકુ મીન (fighting fish), ગુરામી જેવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. દરિયાનાં પાણીને કાયમના ધોરણે અસલ સ્થિતિમાં રાખવું સહેલું નથી. તેથી ઘણાં મત્સ્યાલયોમાં માત્ર મીઠાં જળાશયોની માછલીઓ પ્રદર્શિત કરવામાં આવે છે.
ઘરનાં મત્સ્યાલયો (home aquarium) : ઘરનાં મત્સ્યાલયો માટે ઢાંકણ સાથેની કાચની ટાંકી અને બરણીઓ એ પાયાની જરૂરિયાત છે. કાચની ટાંકી સમચતુષ્ટકોણી હોય છે અને સામાન્યપણે 35થી 7૦ લિટર પાણી સમાય તે કદની, સહેજ છીછરી (ઊંચાઈ 25 સેમી.ની આસપાસ) હોય છે. મત્સ્યાલયના તળિયે સહેજ જાડા કણવાળી રેતીનો, કાંકરા અથવા તો નાના પથરા(gravel)નો બનેલો; 3 સેમી. જેટલો જાડો થર પાથરવામાં આવે છે. તેને નિશ્ચેપ (જંતુરહિત) રાખવા પ્રથમ ગરમ કરવામાં આવે છે. આ થરમાં રંગીન કાંકરી, નાની છીપો અને શંખ જેવી વસ્તુઓ ઉમેરવાથી થરને વધુ સુશોભિત બનાવી શકાય છે. વળી, આ જળાશયોમાં હાઇડ્રિલા, પોટેમેગાટૉન, જલજ ઘાસ જેવી વનસ્પતિ રોપવામાં આવે છે. વનસ્પતિને લીધે જળાશય વધુ શોભાયમાન બને છે. વળી આ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણપ્રક્રિયા દ્વારા જળાશયમાં ઑક્સિજનનું પ્રમાણ વધારે છે. કેટલાક જલજીવો જલજ વનસ્પતિનો આહાર કરે છે.
ભારત જેવા દેશમાં પાણીનું સરેરાશ તાપમાન 2૦0 સે.થી 270 સે.ની આસપાસ હોય છે અને તે પ્રાણીઓને સ્વાસ્થ્યની ર્દષ્ટિએ માફક આવે છે; પરંતુ સમશીતોષ્ણ (temparate) દેશોમાં પાણીનું તાપમાન 260 સે.ની આસપાસ રાખવા ઘણીવાર હીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરવપરાશ માટે આપવામાં આવતું પાણી ઘણીવાર ક્લોરિનયુક્ત હોય છે. ક્લોરિન માછલીઓ માટે ખતરનાક હોય છે. તેથી મત્સ્યાલયોમાં આવું પાણી તુરત જ વાપરવાને બદલે, તેને પ્રથમ ડોલ જેવા વાસણમાં કલાકો સુધી રાખી ક્લોરિનવાયુરહિત કરવામાં આવે છે. તે પાણી પછી માછલીઓ માટે સલામત ગણાય છે. ખોરાક તરીકે જલજીવોને સૂકી માછલી કે જિંગા જેવાંનાં માંસનો ભૂકો અપાય છે. ખોરાકમાં પ્રતિજૈવક (antibiotic) દવા ઉમેરવી હિતાવહ લેખાય છે. ખોરાક જરૂર કરતાં સહેજ ઓછો અથવા તો પ્રમાણસર આપવો ઇષ્ટ છે; કેમ કે માછલીનો ખોરાક જો એમના લીધા પછી વધે તો તે વધેલા ખોરાકથી મત્સ્યાલયનું પાણી સહેલાઈથી પ્રદૂષિત થાય છે. મત્સ્યાલયમાં રાખવામાં આવતી માછલીઓની સંખ્યા, તેમના ખોરાકનું પ્રમાણ અને તેમના મત્સ્યાલયમાં રોપેલી વનસ્પતિ વચ્ચે, જો કાળજીપૂર્વકનાં સમતુલા-સુમેળ સાચવવામાં આવે તો મત્સ્યાલયનું પર્યાવરણ યોગ્ય રીતે જળવાય છે.
આના પરિણામે માછલીએ ત્યજેલાં ઉત્સર્ગદ્રવ્યો એમાં રોપેલી વનસ્પતિને ખાતર તરીકે કામ આવે છે. વળી તેઓ પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુનું ઉત્પાદન પણ કરે છે. પર્યાવરણિક સમતુલાના અભાવમાં ઘણીવાર મત્સ્યાલયના તળિયે કચરો ભેગો થતો હોય છે. તેવા કચરાને પિપેટ અને જાળ જેવાં સાધનો વડે તરત જ કાઢી નાખવો જરૂરી હોય છે. કેમ કે યોગ્ય કાળજીના અભાવે મત્સ્યાલયનું પાણી ડહોળાઈ જાય છે. એવું ડહોળાયેલું અસ્વચ્છ પાણી વહેલી તકે બદલી કાઢવું જરૂરી હોય છે.
જળાશયમાં પ્રાણવાયુનું પ્રમાણ ઘટવાથી માછલીઓ પાણીની ઉપલી સપાટીએ આવીને હવા શ્વસવાનો પ્રયાસ કરે છે. પ્રાણવાયુ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સામાન્યપણે મત્સ્યાલયમાં વાતક(aerator)ની ગોઠવણ કરવામાં આવે છે. જો કોઈ કારણસર એકાદ માછલી મરી જાય તો તુરત જ તેના શરીરને કાઢી નાંખવામાં આવે છે. એથી મત્સ્યાલયના જળાશયમાં થતો પાણીનો બગાડ પણ અટકાવી શકાય છે. મીઠાં જળાશયોની કેટલીક માછલીઓ અપત્ય-પ્રસવી હોય છે. તેઓ બચ્ચાંને જન્મ આપે છે. આવાં નવજાત બચ્ચાંને તુરત જ બહાર કાઢી બીજી ટાંકીઓમાં મૂકી તેમનું સંગોપન કાળજીથી કરવામાં આવે છે. એમ ન થાય તો મત્સ્યાલયની મોટી માછલીઓ કદાચ એ બચ્ચાંનું ભક્ષણ કરે તેવો સંભવ રહે છે.
સાર્વજનિક મત્સ્યાલયો : જાહેર જનતાના મનોરંજન માટે ખુલ્લાં મૂકવામાં આવતાં મત્સ્યાલયો, જલજીવોની અને ગોઠવણીની ર્દષ્ટિએ આકર્ષક હોય તે ખૂબ અગત્યનું છે. કેટલાંક સ્થાનિક મત્સ્યાલયોમાં જલજીવોની આદત, કદ અને આકારને ધ્યાનમાં લઈને જુદી જુદી ટાંકીઓ બનાવી તેમાં મીઠાં જળાશયની એક જ જાતની માછલીઓ રાખી તેમનું પ્રદર્શન યોજવામાં આવે છે. નજીકમાં દરિયો હોય તો તેવા સ્થળે દરિયાઈ મત્સ્યાલય પણ ખોલી શકાય છે. પરંતુ બંધિયાર (closed) દરિયાઈ પાણીમાં પાર્યાવરણિક પરિબળોની સ્થિરતા અને સમતુલા જાળવવી તે સહેલું હોતું નથી. ખારાં પાણીને એક જ સ્થળે સંઘરવાથી થોડા જ સમયમાં તે અસ્થાયી બને છે. તેમાં ચયાપચયી (metabolic) અપશિષ્ટ નીપજો (wastes) એકઠી થવા ઉપરાંત, ઝેરી ખનિજ અને અન્ય સ્થાયી પદાર્થોનો સંચય થાય છે. તેમાં ચેપી રોગો માટે કારણભૂત નાનામોટા સજીવો અને પરજીવો પેદા થાય છે. આ બધાં કારણોથી બંધિયાર પાણી થોડા સમયમાં બગડી જાય છે. વળી પાણીનાં હલન અને પરિભ્રમણના અભાવે ખોરાક અને ઑક્સિજનની અછત પેદા થાય છે અને અંગારવાયુનું પ્રમાણ વધે છે. આ બધાં કારણોથી જલજીવોના સ્વાસ્થ્ય માટે આ બંધિયાર પાણી સાવ નિરુપયોગી બની જાય છે. યોગ્ય વ્યવસ્થાપનથી દરિયાઈ પ્રાણીઓ સ્વાસ્થ્યપૂર્ણ જીવન પસાર કરી શકે છે. પાણી હંમેશાં સ્વચ્છ રહે, ઑક્સિજન અને ખોરાક મળતો રહે અને પાણી સતત ફરતું રહે એવું કરવાથી જલજીવોનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે. યોગ્ય વ્યવસ્થાપનથી દરિયાઈ મત્સ્યાલયોને આકર્ષક બનાવી શકાય છે. તેમાં અપૃષ્ઠવંશી જલજીવો, જાતજાતની માછલીઓ, સરીસૃપો, જલચરો અને સસ્તનોનું પ્રદર્શન પણ યોજી શકાય છે.
મુંબઈના દરિયાકિનારે આવેલ તારાપોર મત્સ્યાલયમાં નાનાં અને મધ્યમ કદનાં મીઠાં જળાશયો છે. તે ઉપરાંત દરિયામાં વસતાં અપૃષ્ઠવંશી અને નિમ્ન કક્ષાનાં પૃષ્ઠવંશી પ્રાણીઓનું પ્રદર્શન ત્યાં છે. જમીન પર બાંધવામાં આવેલાં આવી જાતનાં મત્સ્યાલયોમાં, દુનિયામાં સૌથી મોટું કહી શકાય તેવું ‘શેડ ઍક્વેરિયમ’ નામે ઓળખાતું સંગ્રહાલય શિકાગોમાં છે. આ સંગ્રહાલયમાં 2૦૦ કરતાં વધારે પાણીની ટાંકીઓ આવેલી છે અને દુનિયાનાં વિવિધ સ્થાનોમાંથી એકત્ર કરવામાં આવેલા 5૦૦ કરતાં વધારે જાતના જલજીવો ત્યાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પરવાળાંના ખડક (coral reef) નામે ઊભા કરેલા એક પ્રદર્શનમાં દરેક કલાકે 3,4૦,૦૦૦ લિટર દરિયાનું પાણી વહેતું રહે તેવી ગોઠવણ છે. આમાં 3૦૦ કરતાં વધારે પ્રાણીઓને પ્રદર્શનાર્થે રાખવામાં આવ્યાં છે. શેડ ઍક્વેરિયમના એક અનોખા પ્રાણી તરીકે સીલકૅન્થ (coelacanth) માછલીનો ઉલ્લેખ કરી શકાય. અગાઉ લુપ્ત (extinct) માનવામાં આવેલ અને એક વખતે હવાઈ શ્વાસ (air-breathing) લેતી આ જાતની માછલીનાં સભ્યો હાલમાં આફ્રિકાના માડાગાસ્કર પાસે આવેલ દરિયાના ઊંડાણમાં વસે છે. વિજ્ઞાનની ર્દષ્ટિએ, આ માછલી ‘એક અજાયબી’ છે.
હાલમાં દુનિયાની ઘણી જગ્યાએ સાગરાલય (oceanarium) નામે ઓળખાતાં મત્સ્યાલયો ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે. આ મત્સ્યાલયોમાં મોટા કદની શાર્ક માછલી તેમજ ડૉલ્ફિન અને વહેલ જેવાં સસ્તનો પણ પ્રદર્શિત કરવામાં આવે છે. મત્સ્યાલયની એક દીવાલ તરીકે ખાસ ગોઠવેલ કાચમાંથી અથવા તો જળાશયથી સહેજ ઊંચે બનાવેલા પથ (pathway) પરથી એ પ્રદર્શિત પ્રાણીઓને નિહાળી શકાય છે.
કૅલિફોર્નિયામાં પેસિફિક મહાસાગરના કિનારે આવેલ સૅનડિયેગો શહેરમાં સાગર-વિશ્વ (sea world) નામે ઓળખાતું એક અત્યંત વિશાળ મત્સ્યાલય આવેલું છે. આ મત્સ્યાલય દરિયા પાસે આવેલા સેંકડો એકરના ક્ષેત્રમાં બનેલું છે. ત્યાંનાં જળાશયોમાં જલજીવોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ઉપચાર કરવામાં આવે છે. ત્યાં દરિયાનાં પાણીનું પરિભ્રમણ સતત થયા કરે છે. આમાંનાં કેટલાંક જળાશયો ઘણાં મોટાં છે. તેમાં વહેલ જેવાં સસ્તનો સહેલાઈથી આમતેમ તરી અને કૂદી શકે છે. આ પ્રાણીઓ પ્રેક્ષકોનું મનોરંજન કરી શકે તે માટે ખાસ મત્સ્યક્રીડાના નિષ્ણાતોની વ્યવસ્થા કરવામાં આવી છે. વળી ડૉલ્ફિન અને અન્ય કેટલાંક પ્રાણીઓનાં જળાશયોમાં પ્રેક્ષકો પોતે મોજ માણી શકે અને તે પ્રાણીઓને ખોરાક આપી શકે તેવી પણ ખાસ વ્યવસ્થા યોજવામાં આવી છે. દક્ષિણ ધ્રુવમાં વસતાં પેન્ગ્વિન જેવાં પક્ષીઓનું પ્રદર્શન આ સાગર-વિશ્વમાં સૌ કોઈનું ધ્યાન ખેંચે છે.
મ. શિ. દૂબળે