મત્સ્ય-સંવર્ધન : નદી, તળાવ જેવાં જળાશયોમાંથી મત્સ્યબીજ એકઠાં કરીને, તેમજ અન્ય આંતરપ્રદેશીય જળાશયોમાં મત્સ્ય-બીજનું ઉત્પાદન કરી, બીજના ઉછેરથી પુખ્ત માછલી પ્રાપ્ત કરવાની યોજના. મત્સ્યઉદ્યોગની ર્દષ્ટિએ અગત્યની ગણવામાં આવતી મીઠાં જળાશયોની મોટા ભાગની માછલીઓ સંવનનકાળ દરમિયાન લાખો કે કરોડોની સંખ્યામાં ઈંડાં મૂકતી હોય છે. ઈંડાંનાં ફલનથી વિવિધ જળાશયોમાં જન્મેલાં બચ્ચાંને પકડીને અથવા તો પ્રેરિત સંવર્ધન(induced breeding)થી બચ્ચાંનું ઉત્પાદન કરીને મત્સ્યખેતમાં તેમને ઉછેર કરવાથી ખોરાકી માછલી મળે છે.

ભારતનાં આંતરપ્રદેશીય ક્ષેત્રોમાં જ્યાં ત્યાં જળાશયો આવેલાં છે. નાનીમોટી નદીઓ પણ આ પ્રદેશમાં વહેતી હોય છે. વળી નદીઓ પર કેટલેક સ્થળે સિંચાઈ-યોજના હેઠળ બંધ બાંધીને સરોવરો પણ નિર્માણ કરાયાં છે. કેરળ, બંગાળ જેવાં રાજ્યોમાં સામાન્ય નાગરિકો પણ ખાનગી તળાવો (kitchen ponds) બાંધીને મત્સ્ય-ઉછેર દ્વારા માછલીઓનું ઉત્પાદન કરે છે. દેશવિદેશના નાના ખેડૂતો દુગ્ધ-ઉત્પાદન સાથે આનુષંગિક ઉદ્યોગ તરીકે મત્સ્ય-ઉછેર પણ અપનાવતા હોય છે. ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને ખેડા જિલ્લામાંના ખેડૂતો પણ મત્સ્યખેતીમાં રસ લેતા થઈ ગયા છે.

આકૃતિ 1 : માછલીના શીર્ષપ્રદેશમાંની પિટ્યુઇટરીને અલગ કરવાની રીત

ગ્રામીણ વિસ્તારના નાના ખેડૂતો વિવિધલક્ષી સાહસના ભાગ રૂપે એકીસાથે નાના પાયા પર પશુપાલન, કુક્કુટ-પાલન અને મત્સ્યખેતીના યોગ્ય વ્યવસ્થાપન દ્વારા આર્થિક લાભ મેળવવા ઉપરાંત પોતાનો પરિસર પ્રદૂષણવિહોણો, સ્વચ્છ રાખી શકે છે.

મત્સ્યઉછેરના ભાગ રૂપે મત્સ્ય-બીજ-સંપાદન : આસામ જેવા દરિયાથી દૂરનાં તથા બંગાળ, ઓરિસા જેવાં રાજ્યોમાં આંતરપ્રદેશીય મત્સ્યોદ્યોગ સારી રીતે વિકસ્યો છે. આ રાજ્યોમાંથી વહેતી બ્રહ્મપુત્રા, ગંગા જેવી નદીઓમાં ચોમાસાની શરૂઆતમાં ખોરાકી માછલીઓના મત્સ્ય-બીજનું ઉત્પાદન સારા પ્રમાણમાં થતું હોય છે. મત્સ્યોદ્યોગના ભાગ રૂપે ઘણા સાહસિકો આ મત્સ્યબીજ નદીઓમાંથી એકત્ર કરી તેનું વેચાણ કરે છે. અગાઉ ગુજરાત સરકાર મુખ્યત્વે બંગાળમાંથી મત્સ્યબીજ મેળવીને પડતર ભાવે પંચાયતનાં તળાવોમાં મત્સ્યના ઉછેર માટે તે પૂરાં પાડતી હતી. હાલમાં ગુજરાત સરકાર પોતે જ મત્સ્યઉછેર કેન્દ્રો સ્થાપીને મત્સ્યબીજોનું કરોડોની સંખ્યામાં ઉત્પાદન કરે છે. તેનો ઉછેર ગુજરાતનાં પંચાયતનાં તળાવો, નદીઓના બંધ વિસ્તારમાં બનાવેલાં સિંચાઈ-જળાશયો વગેરેમાં કરવામાં આવે છે.

કાર્પ નામે ઓળખાતી મોટાભાગની માછલીઓ માનવખોરાકની ગરજ સારે છે. તેમાંની મેજર કાર્પ નામે ઓળખાતી માછલીઓ (ઉદા., કટલા, રોહુ અને મૃગલ) સ્વાદિષ્ટ માછલી તરીકે જાણીતી છે અને આ માછલીઓનો ઉછેર પણ સહેલાઈથી કરી શકાય છે. ખાસ કરીને કટલા અને મૃગલની વૃદ્ધિ ઝડપી હોય છે અને બે વર્ષના ગાળામાં પુખ્ત માછલીઓ 5થી 1૦ કિલો વજન ધરાવતી થઈ જાય છે. જોકે મૃગલનું વજન પ્રમાણમાં સહેજ ઓછું હોય છે.

કૉમન કાર્પ નામે ઓળખાતી માછલીનો ઉછેર પણ સહેલાઈથી થઈ શકે છે. યુરોપ આ માછલીઓનું અસલ વતન છે. તેનો ઉછેર હવે ભારતમાં મોટા પાયા પર કરવામાં આવે છે.

ઘાસ-કાર્પ (grass carp) નામની (મૂળ વતન અગ્નિ દિશાના પ્રદેશો) માછલીનો ઉછેર પણ ભારતમાં કરવામાં આવે છે. તે મુખ્યત્વે કિનારા ઉપર ઊગતા ઘાસ અને મીઠા જળાશયની વનસ્પતિ પર જીવતી હોવાથી તેનો વિકાસ પણ લગભગ વિના મૂલ્યે ઝડપથી થાય છે.

કટલા અને ઘાસ-કાર્પ માછલીઓ જળાશયોના ઉપલા સ્તરે વાસ કરતી હોય છે. કટલાનો ખોરાક મુખ્યત્વે ઉપલા સ્તરે વિકાસ અને વૃદ્ધિ પામતા વાનસ્પતિક સૂક્ષ્મ જીવો(phytoplanktons)નો હોય છે.

રોહુ અને કૉમન કાર્પ જળાશયોના મધ્ય સ્તરે જીવન વિતાવે છે. આ માછલીઓનો ખોરાક મોટેભાગે પ્રાણીજ સૂક્ષ્મજીવો (zoo planktons) અને જળાશયોમાં વિઘટન પામતા સજીવોના મૃતદેહોના ટુકડાઓનો હોય છે. મૃગલ જળાશયોના તળિયે વાસ કરે છે. તેનો ખોરાક મુખ્યત્વે તલરૂપ પ્રદેશમાં એકત્ર થયેલ કહોવાતા મૃતદેહોનો હોય છે.

આકૃતિ 2 : માછલીના શરીરમાં પિટ્યુઇટરીના સ્રાવનું અંત:ક્ષેપન

ભારતમાં કટલા, રોહુ અને મૃગલ માછલીઓનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે. આ માછલીઓનાં નિવાસસ્થાન જળાશયોથી ભિન્ન સ્તરે આવેલાં હોય છે. વળી આ ત્રણેય માછલીઓનો ખોરાક જુદો હોવાથી જળાશયોમાં હરીફાઈ વિના આ ત્રણેય પ્રકારની માછલીઓ એકીસાથે એક જ જળાશયમાં સ્વતંત્ર રીતે જીવન વિતાવે છે.

આકૃતિ 3 : સંગોપન-તળાવમાં મત્સ્યબીજના ઉછેર માટે હાપાઓની ગોઠવણ

ઉછેર માટે જળાશયોમાં આ માછલીઓનું પ્રમાણ કટલા 4 ; રોહુ 3 : અને મૃગલ 3 – એ રીતનું રાખવામાં આવે છે. જો ઘાસ-કાર્પનો પણ ઉછેર આ જળાશયોમાં કરવાનો હોય તો કટલા અને કાર્પનું પ્રમાણ પચાસ પચાસ ટકા રાખવામાં આવે છે. તે જ પ્રમાણે રોહુ અને કૉમન કાર્પનું પ્રમાણ પણ પચાસ પચાસ ટકા રાખીને એક જ તળાવમાં આ માછલીઓનું ઉત્પાદન એકીસાથે કરી શકાય.

મત્સ્ય તળાવ-વ્યવસ્થાપન (fish pond-management) : મત્સ્ય-ઉત્પાદન માટે, મત્સ્ય-ખેતી માટે વપરાતાં જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે ખાસ અગત્યનું છે. તેથી મત્સ્ય-ખેતી માટેના વિસ્તારો બારેય માસ પાણી મળી રહે તેવાં મોટાં જળાશયોના સાંનિધ્યમાં હોય તે ઇષ્ટ છે. ગુજરાતનું એક મહત્વનું મત્સ્ય-ઉછેર-કેંદ્ર ઉકાઈ ધરણ પાસે આવેલું છે. બીજું એક કેંદ્ર ડાકોર પાસે આવેલ લિંગડા ગામમાં છે. આ કેન્દ્રમાં મહી નહેરની એક શાખા-નહેરમાંથી પાણીનો પુરવઠો આપવામાં આવે છે. વળી પ્રાંતિજના બૉક પાસે પણ એક મત્સ્યઉછેર-કેન્દ્ર છે. આ કેન્દ્રને બૉકમાંથી બારેય માસ પૂરતા પ્રમાણમાં મત્સ્યસંવર્ધન માટેનું પાણી મળી રહે છે.

મત્સ્ય-ખેતીનાં તળાવો : (1) સંગ્રહાલય (stocking)-તળાવ : કાર્પ માછલીઓનો સંવનન-કાળ વર્ષા-ઋતુના શરૂઆતના સમય પૂરતો મર્યાદિત હોય છે. (માત્ર કૉમન કાર્પ વર્ષાઋતુ ઉપરાંત શિયાળાની શરૂઆતમાં એમ બે વખત પ્રજનન કરતી હોય છે.) આ માછલીઓ વર્ષમાં એક જ વખત ઈંડાં મૂકતી હોય છે. આ હકીકત ધ્યાનમાં લઈને 1–2 મહિના પુખ્ત માછલીઓને એકઠી કરી પૂરતા પ્રમાણમાં પ્રજનનક્ષમ માછલીઓને મેળવી, તેમનાં સંગ્રહાશય-તળાવમાં પ્રેરિત પ્રજનન (induced breeding) માટે સંગ્રહ અને જતન કરવામાં આવે છે. કાર્પ માછલીઓનો ખોરાક મુખ્યત્વે વાનસ્પતિક સૂક્ષ્મજીવોનો બનેલો હોય છે. તેથી સંગ્રહાશય-તળાવમાં પૂરતા પ્રમાણમાં સૂક્ષ્મજીવોનો પુરવઠો આ ઉદ્દેશથી મળી રહે તે માટે ખાતર રૂપે ચોખાનું ભૂસું અને સિંગદાણાના ખોળનું મિશ્રણ કરીને તે તળાવમાં નાખવામાં આવે છે. આ મિશ્રણ કેટલેક અંશે પુખ્ત માછલીઓ માટે ખોરાકની ગરજ સારે છે.

2. પ્રેરક તળાવ (exciting ponds) : માછલીઓ જનનકોષોનો ત્યાગ કરવા પ્રેરાય, તે માટે આ તળાવમાં માછલીઓને છોડવામાં આવતાં પહેલાં તેમના શરીરમાં પિટ્યુઇટરી સ્રાવનું અંત:ક્ષેપણ કરવામાં આવે છે. સામાન્યપણે 6 કલાકના અંતરે માદાના વજનના પ્રત્યેક કિલોદીઠ 2–3 મિગ્રા. પિટ્યુઇટરી ગ્રંથિના સ્રાવનું અંત:ક્ષેપણ બે વાર કરવામાં આવે છે. માદાના બીજા અંત:ક્ષેપણ સાથે નરને પણ માદાના જેટલી જ પિટ્યુઇટરીની માત્રા આપવામાં આવે છે. અંત:ક્ષેપણ માટે અગાઉ બને ત્યાં સુધી તે જ જાતની માછલીઓમાંથી પિટ્યુઇટરી ગ્રંથિઓને અલગ કરી 1૦૦ % આલ્કોહૉલમાં સંઘરવામાં આવે છે. સામાન્યપણે વરસાદ આવતો હોય, હવામાં ભેજ અને ઠંડી હોય અને જળાશયોમાં પાણી ધીમે ધીમે વહેતું હોય તેવા સંજોગોમાં આ માછલીઓ જનનકોષોનો ત્યાગ કરવા પ્રેરાય છે. તેથી પ્રેરિત પ્રજનન માટે ચોમાસાની શરૂઆતના દિવસો પસંદ કરવામાં આવે છે.

પિટ્યુઇટરી ગ્રંથિના સ્રાવને લીધે નર અને માદાનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ વધુ ગાઢ બને છે. જો વરસાદ પડતો ન હોય, તો પાણીના ફુવારા બનાવી જળાશયમાં ઉડાડવાથી જાણે વરસાદ પડતો હોય તેવું પર્યાવરણનું નિર્માણ કરી શકાય છે. વળી પ્રેરક તળાવોમાં પાણી વહેતું રહે તેવી ગોઠવણ પણ કરવામાં આવે છે. પ્રેરક તળાવમાં ‘હાપા’ નામે ઓળખાતી જાળમાં બે નર અને એક માદાને બંદી કરવામાં આવે છે. હાપાને બંધ (closed) મચ્છરદાની સાથે સરખાવી શકાય. નર અને માદા અંત:ક્ષેપણની અસર હેઠળ પ્રેરિત થઈને એકબીજાની ફરતે ગોળ ગોળ ફરે છે. પ્રેરણાને પરિણામે ઉત્તેજાઈને જૂજ કલાકોની અંદર માદા, ઈંડાંનો ધીમે ધીમે ત્યાગ કરવાની શરૂઆત કરે છે. એકાદ કિલો વજનવાળી માદાના શરીરમાં 2 લાખ જેટલાં ઈંડાં હોઈ શકે છે. જો માછલી 4–5 કિલો વજનવાળી હોય તો તેના શરીરમાં 8–1૦ લાખ જેટલાં ઈંડાંની અપેક્ષા રાખી શકાય. અપક્વ ઈંડાં સહેજ અપારદર્શક હોય છે. પાણીમાં તે ફૂલે છે અને સહેજ પારદર્શક બને છે. ઈંડાં મુકાય ત્યારે નર એ ઈંડાં પર શુક્રકોષો છોડવા પ્રેરાય છે. શુક્રકોષ અને અંડકોષના સંયોજનથી ઈંડાં ફલિતાંડોમાં પરિણમે છે. ફલિતાંડો પારદર્શક અને આશરે 3–5 મિમી. વ્યાસવાળાં હોય છે.

3. મત્સ્ય-જીવ (hatchling) ઉત્પાદન જળાશય : ફલિતાંડોના વિકાસ માટે તેમનું સ્થાનાંતરણ મત્સ્યજીવ-તળાવમાં કરવામાં આવે છે. ત્યાં પણ ફલિતાંડોનું સ્થળાંતર હૅચિંગ-હાપા નામની વિશિષ્ટ હાપામાં કરવામાં આવે છે. આ હાપા બે જાળની બનેલી હોય છે. અંદરની જાળ મચ્છરદાનીની બનેલી સહેજ નાની (1.5 મીટર × ૦.8 મીટર × ૦.5 ઘન મીટર) હોય છે. બહારની જાળ નાયલોનમાંથી બનાવવામાં આવેલી હોય છે અને તે 1.8 મીટર × 1.૦ મીટર × 1.૦ ઘન મીટર કદની હોય છે. અંદરની જાળમાં જાળદીઠ આશરે 1 લાખ જેટલાં ઈંડાં છોડવામાં આવે છે. ઈંડાંના ગર્ભવિકાસથી આશરે 15થી 18 કલાકમાં મત્સ્યજીવો ઈંડાંના કવચમાંથી બહાર આવે છે અને તેઓ તરીને અંદરનાં હાપાનાં છિદ્રોમાંથી બહાર નીકળીને નાયલોન જાળમાં પ્રવેશે છે. સમય જતાં અંદરની જાળમાં માત્ર ઈંડાંનાં કવચો તેમજ મૃત બીજ અને ઈંડાં ભેગાં થયેલાં મળે છે. અંદરની જાળને ખસેડતાં નાયલોન જાળમાં માત્ર મત્સ્ય-જીવો (hatchlings) તરતા જોવા મળે છે. મત્સ્ય-જીવો અત્યંત નાજુક હોય છે.

સાયક્લૉપ (cyclop) જેવા સ્તરકવચી સજીવો અને નાનામોટા કીટકો મત્સ્યજીવોનું ભક્ષણ ન કરે તે માટે મત્સ્યજીવ-તળાવોને સૂક્ષ્મજીવ-વિહોણાં રાખવામાં આવે છે. જૂજ સમયમાં મત્સ્યજીવો વિકાસને લીધે 1૦ મિમી. જેટલા લાંબા બને છે. હવે હાપા સાથે મત્સ્યજીવોનું સ્થળાંતર સંગોપન-તળાવમાં કરવામાં આવે છે.

4. સંગોપન(nursing)-તળાવ : સંગોપન-તળાવમાં બચ્ચાં સાથે 15થી 2૦ જેટલી હાપા આસાનીથી ગોઠવી શકાય છે. બચ્ચાંઓનો ખોરાક મુખ્યત્વે વાનસ્પતિક સૂક્ષ્મજીવોનો બનેલો હોવાથી સંગોપન-તળાવમાં પૂરતા પ્રમાણમાં બચ્ચાંને સૂક્ષ્મજીવોનો ખોરાક મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવે છે. ખોળ અને ચોખા-ઘઉં જેવાંના ભૂસાનું મિશ્રણ ઉમેરવાથી તળાવમાં સૂક્ષ્મજીવોનો તેમજ બચ્ચાંઓનો વિકાસ ઝડપી બને છે. સંગોપન-તળાવનું પર્યાવરણ અનુકૂળ હોય તો 15થી 2૦ દિવસોમાં મત્સ્યજીવોમાંથી 2૦થી 25 મિમી. લાંબાં એવાં બચ્ચાં(fingerlings)વિકસે છે.

5. સંવર્ધન-તળાવો (rearing ponds) : બચ્ચાંઓને સંવર્ધન-જળાશયો, તેની સાથે સંકળાયેલી નહેરો (canals), માનવ-નિર્મિત (ઉકાઈ, કરજણ જેવાં) નાનાંમોટાં સરોવરો તેમજ પંચાયત-વિસ્તારમાં આવેલાં તળાવોમાં વૃદ્ધિ અને વિકાસ માટે છોડી મૂકવામાં આવે છે. આવાં તળાવોમાં વિકાસ પામતી માછલીઓ મુક્તપણે તરી શકે તે માટે વધારાની વનસ્પતિ કાઢી નાખવી જોઈએ. નાનાં બચ્ચાં, મોટી માછલી, કીટકો જેવાંનો આહાર બને છે; તેથી માંસાહારી પ્રાણીઓ આવાં તળાવોમાં ન આવવા પામે તેની વિશેષ ભાવે કાળજી લેવી જરૂરી હોય છે. સંગોપન-તળાવમાં સામાન્યપણે હેક્ટરદીઠ 2૦૦ કિલોગ્રામ જેટલા મત્સ્યપાકનું ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉત્પાદનનું પ્રમાણ જળાશય હંગામી છે કે કાયમી, નાનું છે કે મોટું, તેમાં સંવર્ધન માટે કેવો ખોરાક અપાય છે, અને જળાશયોનાં પર્યાવરણિક પરિબળો કેવાં છે તે બધી બાબતો પર આધાર રાખે છે. યોગ્ય ખોરાક, અનુકૂળ પરિબળો અને સારા વ્યવસ્થાપન(management)ને અધીન હેક્ટરદીઠ 3–4 ગણું મત્સ્યઉત્પાદન મેળવી શકાય.

કુદરતી જળાશયોનાં ભૌતિક તેમજ રાસાયણિક પરિબળો : માનવ-દખલથી મુક્ત એવાં જળાશયોનાં પર્યાવરણિક પરિબળો સામાન્યપણે મત્સ્ય-ઉત્પાદન માટે અનુકૂળ હોય છે. જળાશયોમાં પ્રાણવાયુ(oxygen gas)નું પ્રમાણ પરોઢિયે સૌથી ઓછું હોય છે. સૂર્યના ઉદય સાથે વનસ્પતિઓની પ્રકાશસંશ્લેષણ-પ્રક્રિયાને અધીન જળાશયોનાં પાણીમાં દ્રાવ્ય પ્રાણવાયુનું પ્રમાણ વધીને સંધ્યાસમયે લિટરદીઠ 4થી 8 મિલિગ્રામ જેટલું થઈ જાય છે. દિવસના અંતે પ્રકાશ-સંશ્લેષણનું પ્રમાણ ઘટે છે. જોકે બધા સજીવો (વનસ્પતિ અને પ્રાણી) સતત શ્વસનપ્રક્રિયા કરતા હોવાથી ક્રમશ: રાત્રે પ્રાણવાયુનું પ્રમાણ ઘટી મળસ્કે લિટરદીઠ 1–2 મિગ્રા. જેટલું અથવા તો તેના કરતાં ઓછું થાય છે. પાણીમાં અંગારવાયુ અલ્પદ્રાવ્ય હોવાથી તેનું પ્રમાણ સામાન્યપણે દસ લાખના ભાગદીઠ 1.2 (ppm) જેટલું હોય છે. પર્યાવરણિક pH તટસ્થ હોય તો તે માછલીને વધુ માફક આવે છે. સામાન્ય રીતે ભારતનાં આંતરપ્રદેશીય જળાશયોની pH 7–8.5 વચ્ચે હોય છે, જે માછલીઓના વિકાસ માટે માફક ગણાય છે. વળી ભારતમાં સામાન્ય જળાશયોનાં પાણીનો તાપમાન વિસ્તાર (range) 2૦0 સે.ની આસપાસ (150 સે. –2૦0 સે. વચ્ચે) હોય છે.

જળાશયોના તળિયે આવેલ માટી(કાંપ)ની ગુણવત્તા પણ મત્સ્યોત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. આ ગુણવત્તા સામાન્યપણે આ મુજબ હોય છે : (1) કાર્બનિક કાર્બન ૦.8 %થી 3.૦ %; (2) કુલ નાઇટ્રોજન ૦.1૦ %થી ૦.2૦ %ની આસપાસ, અને (3) મુક્ત કૅલ્શિયમ 7૦૦–1,2૦૦ ppm.

મત્સ્ય-ઉછેર-જળાશયોમાં વપરાતાં ખાતરો : મત્સ્ય-ઉછેર-તળાવમાં ખાતર વાપરવાના મુખ્ય ઉદ્દેશ : (1) જળાશયોની ભૌતિક અને રાસાયણિક ગુણવત્તા વધે. (2) માછલીઓના ખોરાક તરીકે આવેલ વાનસ્પતિક સૂક્ષ્મજીવો અને અન્ય સજીવો પૂરતા પ્રમાણમાં મળી રહે.

ખાતરને લીધે ખનિજ-તત્વો, વિટામિનો અને ખાદ્ય જૈવ રસાયણો પૂરતા પ્રમાણમાં મળવાથી આવાં તળાવોમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કક્ષાના ઉપભોક્તા સજીવોનું ઉત્પાદન વધે છે ને પૂરતા પ્રમાણમાં વિકસતી માછલીઓને ખોરાક મળી રહે છે.

(1) ચૂનો અને ચૂનાસંકલિત ખાતર : અ. ચૂનામય ખાતર પરજીવી જંતુઓ માટે ખતરનાક નીવડે છે. તેની અસર હેઠળ પાણીમાં રહેલા પરોપજીવી સૂક્ષ્મજીવો તેમજ માછલીના શરીરને ચોંટેલા સૂક્ષ્મજીવો અને કૃમિઓ નાશ પામે છે. પરિણામે માછલીઓનું સ્વાસ્થ્ય જળવાય છે.

2. પાણીનું ઇષ્ટતમ pH સંકેંદ્રણ જાળવવામાં ચૂનો મહત્વનો ભાગ ભજવે છે. pHનું ઇષ્ટ સંકેંદ્રણ જાળવવા નીચે જણાવ્યા પ્રમાણે ચૂનો વપરાય છે :

pH આંક      હૅકટરદીઠ CaCo3નું પ્રમાણ

5.૦થી 5.5     2,૦૦૦થી 2,5૦૦ કિગ્રા.

5.5થી 6.૦     1,૦૦૦થી 2,૦૦૦ કિગ્રા.

6.૦થી 6.5     5૦૦થી 1૦૦ કિગ્રા.

6.5થી 7.5     2૦૦થી 5૦૦ કિગ્રા.

તળિયાનો કાદવ રેતીમય કે કણમય હોય તો તેને અનુલક્ષીને ચૂનાના પ્રમાણમાં જૂજ ફેરફારો કરવામાં આવે છે.

3. ખોરાક રૂપે આવેલા પ્રથમ કક્ષાના ઉત્પાદકો, દ્વિતીયક અને તૃતીયક કક્ષાના ભોક્તાઓમાં શરીર પર ચૂનાનું આવરણ હોય છે. આ ભોક્તાઓને ચૂનો મળી રહેવાથી તેમનાં વિકાસ અને ગુણન (multiplication) થાય છે અને તેવી માછલીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે.

4. ચૂનો Co2 સાથે Ca(HCO3)2 જેવાં અસ્થાયી સંયોજનો બનાવે છે. તેથી Co2 વાયુ મુક્ત થાય છે અને વનસ્પતિઓને પ્રકાશસંશ્લેષણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

5. Ca(HCo3) Ca (HCO3)2ને લીધે જળાશયમાં બફરતંત્ર નિર્માણ થતાં જળાશયોમાં pHનું સંકેન્દ્રણ જળવાય છે.

જિંગા-ઉછેર : મીઠા પાણીનાં જિંગા : મીઠા જળાશયોમાં મળતાં જિંગા (giant prawn), મેકૉ-બ્રૅકિયમ 3૦–35 સેમી. જેટલાં લાંબાં હોય છે. આ જિંગાના ઉછેર માટે વ્યાપારી ધોરણે પ્રયોગો કરવામાં આવે છે. જિંગાઓનાં પ્રજનન અને વૃદ્ધિ નદીના ઢોળાવવાળા ભાગમાં થાય છે, જ્યારે જિંગાના પશ્ચ ડિમ્ભ (post-larva) અવસ્થાનાં બચ્ચાં નદીના ઉપરવાસમાં જોવા મળે છે. આવાં પશ્ચડિમ્ભોને પકડીને તેમને ઢોળાવ તરફના પ્રદેશમાં સંવર્ધનાર્થે સ્થળાંતરિત કરવામાં આવે છે.

દરિયાઈ જિંગા-સંવર્ધન : દરિયાઈ જલજીવોની નિકાસથી જે હૂંડિયામણ મળે છે તેમાં જિંગાનો ફાળો અત્યંત મહત્વનો છે. જિંગાની વધતી માંગને ધ્યાનમાં લઈ, તેનું ઉત્પાદન વધારી, નિકાસનું પ્રમાણ વધારી શકાય. જિંગાના ઉછેર માટે ભાંભરા પાણીના વિસ્તારો પસંદ કરવામાં આવે છે. ભારતમાં ભાંભરા પાણીના વિસ્તારોનું પ્રમાણ 14 લાખ હેક્ટર જેટલું છે. તેમાં મોટા પ્રમાણમાં જિંગાનો ઉછેર કરી શકાય તેમ છે. કેરળમાં ડાંગર-ખેતીનાં ઘણાં ક્ષેત્રો દરિયા-કિનારાની નજીક આવેલાં છે. ચોમાસાની શરૂઆતમાં આ ક્ષેત્રોમાં દરિયાઈ પાણી પ્રવેશતું હોય છે. કેરળના ખેડૂતો જિંગાનાં બચ્ચાંને પાણીથી ભરાયેલ ડાંગરની ક્યારીમાં છોડીને ત્યાં એમનો ઉછેર કરતા હોય છે.

દરિયાનું પાણી જિંગાના ઉછેર માટે અનુકૂળ થાય છે. જિંગાનો ખોરાક મુખ્યત્વે સૂક્ષ્મ-જલજીવો (planktons) અને નાના સજીવોનો બનેલો છે. જિંગાનાં ફાર્મ દરિયા-કિનારાની નજીક તૈયાર કરવામાં આવે તે ઇચ્છનીય છે, જેથી ભરતી દરમિયાન તેમાં દરિયાઈ પાણીની અવરજવર થતી રહે. દરિયાઈ પાણીનાં ભૌતિક અને રાસાયણિક પરિબળો (દા.ત., પાણીનું pH, તાપમાન, દ્રાવ્ય પ્રાણવાયુનું પ્રમાણ વગેરે) પણ જિંગાના ઉછેર માટે ઇષ્ટતમ હોય છે. વળી પાણીની થતી અવરજવરને લીધે, ચયાપચયી પ્રક્રિયાના પરિણામે પાણીમાં ભેગાં થયેલાં મળમૂત્ર અને અન્ય કચરાનો નિકાલ આપમેળે થાય છે.

જિંગાના ફાર્મ માટેના સ્થળની પસંદગી : ભરતીની મર્યાદા 1.5 મીટરની અથવા તો તેથી સહેજ ઓછી હોય અને તેની કક્ષાથી જેની તળભૂમિ સહેજ ઊંચી હોય તેવા સ્થળને જિંગાના ફાર્મ માટે પસંદ કરવામાં આવે છે. આવા ફાર્મમાં દરિયાનું પાણી ભરવાનું અને તેને કાઢી નાખવાનું સરળ પડે છે. ફાર્મની તળભૂમિ માટી અને કાંપમિશ્રિત રાખવી જોઈએ. કાંપ મુખ્યત્વે સેંદ્રિય ઘટકોનો બનેલો હોવાથી, તેને લીધે દરિયાના પાણીમાં આવેલા સૂક્ષ્મજીવોને પોષક તત્વોનો પુરવઠો મળી રહે છે અને તેઓ ઝડપથી વૃદ્ધિ-વિકાસ પામે છે. જિંગા માટે એ સૂક્ષ્મજીવો અગત્યના ખોરાકની ગરજ સારે છે.

દરિયામાંથી આવતું પાણી ડહોળું હોય છે; તેથી આ પાણીને સૌપ્રથમ સ્થિરક-તળાવ(settling tank)માં છોડવામાં આવે છે. અહીં સમય જતાં કચરો તળિયે બેસે છે અને પાણી સ્વચ્છ બને છે. સ્વચ્છ થયેલા પાણીને સંગોપન-તળાવ તરફ વાળવામાં આવે છે.

સંગોપન-તળાવ(rearing pond)માં સૌપ્રથમ જિંગાનાં બચ્ચાંને સંઘરવામાં આવે છે અને તેઓ સહેજ મોટાં થાય ત્યાં સુધી તેમને ત્યાં જ રહેવા દેવામાં આવે છે.

દરિયાના પાણીમાં જિંગાનાં બચ્ચાં સારા પ્રમાણમાં આવેલાં હોવાથી, જાળની મદદથી ત્યાં આવેલાં બચ્ચાંને પકડી મોટી બાલદી કે ટબ જેવામાં એકત્ર કરવામાં આવે છે. આ બચ્ચાં જેમ જિંગાનાં તેમ માછલી જેવાં અન્ય પ્રાણીઓનાં પણ હોઈ શકે છે. જિંગા હવા-શ્વાસી પ્રાણી હોવાથી તેનાં બચ્ચાં ટબમાં ઉપલી સપાટીએ ભેગાં થાય છે, જ્યારે જળ-શ્વાસી (water breather) માછલી જેવાંનાં બચ્ચાં વચલી કે નીચલી સપાટીએ એકઠાં થાય છે. ઉપલી સપાટીએ ભેગાં થયેલાં બચ્ચાંને હવે અલગ કરી સંગોપન-તળાવમાં છોડવામાં આવે છે.

સંવર્ધન-તળાવનું પાણી સ્વચ્છ રાખવામાં આવે છે અને આ તળાવમાં સૂક્ષ્મજીવોના સતત થતા પુરવઠાને લીધે જિંગાને પૂરતા પ્રમાણમાં કુદરતી ખોરાક મળી રહે છે. સંવર્ધન-તળાવમાં હેક્ટરદીઠ આશરે 5,૦૦૦ બચ્ચાં છોડવામાં આવે છે. આશરે 3 મહિના પછી તેઓ વિકાસ પામીને આશરે 12 સેમી. જેટલાં લાંબાં અને 1૦થી 12 ગ્રામ વજનનાં પુખ્ત જિંગામાં પરિણમે છે. પ્રૉન-ફીડ નામનો ખોરાક આપવાથી જિંગાનો વિકાસ ઝડપી બને છે.

ભારતના સંવર્ધન-તળાવમાં થતા જિંગાના ઉછેરથી હેક્ટરદીઠ તેનું ઉત્પાદન 15૦થી 2૦૦ કિગ્રા. જેટલું હોય છે. યોગ્ય વ્યવસ્થાપનથી આ ઉત્પાદન 4૦૦ કિગ્રા. સુધી વધારી શકાય. તાઇવાન જેવા દેશો વ્યાપારી ધોરણે હેકટરદીઠ 1,૦૦૦ કિગ્રા. જેટલું જિંગાનું ઉત્પાદન વધારવામાં સફળ નીવડ્યા છે. યોગ્ય પાર્યાવરણિક પરિબળો તરફ પૂરતું ધ્યાન આપવામાં આવે તો જિંગાનું ઉત્પાદન વધારીને વધુ ને વધુ પ્રમાણમાં હૂંડિયામણ રળી શકાય તેમ છે.

મ. શિ. દૂબળે