આંગળિયાત : 1988ની સાલનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક મેળવનારી જૉસેફ મૅકવાનકૃત નવલકથા. ગાંધીયુગની આસપાસના ગાળામાં કેટલાક લેખકોએ ગ્રામજીવનને તથા ગ્રામસમાજને કેન્દ્રમાં રાખીને જાનપદી નવલકથાઓ આપેલી. એમાં બહુધા સવર્ણ લેખકોને હાથે ગ્રામપ્રજાના વિવિધ જ્ઞાતિસમૂહોનું કે વૈયક્તિક જીવનનું બહુસ્તરીય આલેખન થયેલું. પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, ઝવેરચંદ મેઘાણી તથા ઈશ્વર પેટલીકરની નવલકથાઓ ઉક્ત સંદર્ભે જાણીતી છે. પેટલીકર પછી ચારેક દાયકા બાદ જૉસેફ મૅકવાન ચરોતરના પદદલિતો-વણકરોની જીવન-સમસ્યાઓ લઈને ‘આંગળિયાત’ (1986) નવલકથાનું સર્જન કરે છે. દલિત જીવનની શોષણ સમેતની અનેક સમસ્યાઓને તાગતી અને સામાજિક સંદર્ભે ન્યાય, સમાનતા, માનવતા માટે અવાજ ઉઠાવતી દલિત પ્રજાના કૌવતને તાકતી ‘આંગળિયાત’ અનેક રીતે ધ્યાનપાત્ર કૃતિ છે.
આઝાદી પહેલાંના બે દાયકા તથા આઝાદી પછીના દોઢબે દાયકાના સમયગાળામાં ડાકોરઓડ-આણંદના ગ્રામીણ સમાજમાં દલિતો-વણકરોની સામાજિક-આર્થિક સ્થિતિ કેવી હતી તથા કેવી રીતે પટેલો-બારૈયાઓ તથા શાહુકારો એમનું વિવિધ પ્રકારે શોષણ કરતા હતા એની સંઘર્ષ કથા એટલે ‘આંગળિયાત’ નવલકથા. વાલજી અને ટીહો બંને સ્વમાની દલિત યુવકો મોદ-માદરપાટ-પછેડી જેવાં કાપડ વણી-વેચીને જીવે છે, પણ સવર્ણોની પજવણી એમનાથી વેઠાતી નથી. એ માટેના સંઘર્ષમાં વાલજીનું કમોત થાય છે. એ પછી એની વિધવા કંકુ અને ટીહાને ચાહવા છતાં નહિ પામી શકતી મેઠીના જીવનની વ્યથાવેદનાઓમાં કથા આગળ ચાલે છે. ગંદા રાજકારણની સાથે આઝાદી પછીય કાયદો હાથમાં લઈ શોષણ કરતા સવર્ણો સાથેનો સંઘર્ષ છે. વળી દલિત નારીઓને તો એમની જ્ઞાતિના આગેવાનો તથા કુટુંબીજનો વડે થતો અન્યાય પણ વેઠવો પડે છે. આ બધું વેઠતી અને સ્વજનોને પ્રેમ આપતી, જાતને ઘસી નાખીને પ્રિયજનોને સુખી કરવા મથતી પ્રજાનો સંઘર્ષ અહીં સુપેરે આલેખાયો છે. ભવાન ભગત જેવા આ પ્રજાના મોભી વૈદું કરીને એમનાં તન દુરસ્ત રાખે છે તો સચ્ચાઈ, કર્મઠતા, નિર્ભીકતા અને ભાવનાભક્તિ દ્વારા એમનાં મન પણ દુરસ્ત રાખે છે. ચરિત્રચિત્રણની રીતેય આ કથા હૃદયંગમ છે. ઉપેક્ષિત સમાજનું આવું બળવાન ચિત્રણ ભારતીય ગ્રામજીવનની અવદશાને ચીંધે છે. આ નવલકથામાં શોષક-શોષિત વર્ગના સંઘર્ષોનું યથાર્થ ચિત્રણ લેખકે એવી ભાવભાવનાથી કર્યું છે કે સંવેદનશીલ ભાવક વ્યથિત બની જાય. જૉસેફ મૅકવાનનો ઉદ્દેશ પણ એ છે કે : ‘કલાની ચિંતામાં જીવતરને ધોખો નહિ દેવો !’ ‘આંગળિયાત’ નકરા જીવનની યથાર્થ છબી આલેખતી, ભાષારચના માટે પણ પ્રશંસનીય એવી કૃતિ છે. સવર્ણોનાં ખોટાં અહમ્-આડાઈ-જીદ અને તોછડાઈને વગર ગુને વેઠી લેતી દલિત પ્રજા સદીઓથી શોષણનો ભોગ બનતી આવી છે. લેખકે એ પ્રજાને હવે જાગતી દાખવવી છે. અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવનારો વર્ગ હવે દલિતોને દોરતો થાય; એવા યુવાનો દલિતોમાંથી પાકે તો દહાડા વળે ! લેખક આ માટે કવિકલ્પનામાં જતા નથી. સમાજજીવનમાં બનેલી સત્ય ઘટનાઓ(જે ભવાન ભગતના મુખે પણ સાંભળી છે ને ઘણી તો જોઈ-અનુભવી પણ છે.)ને લઈને લેખક વાસ્તવલક્ષી કૃતિનું સર્જન કરે છે. અહીં બધાં પાત્રો કલ્પનાની સરજત નથી પણ જીવતાં-જાગતાં; ચાહતાં-વેઠતાં, મૂંઝાતાં-મથતાં મનેખ છે. એમનો સમાજ અને એમનાં જ બોલીભાષા-પરિવેશમાં બધું રજૂ થાય છે એટલે નવલકથા વધારે પ્રભાવક બની રહી છે. સામાજિક પરિવર્તનનો હેતુ ધરાવતી આ પ્રતિબદ્ધ નવલકથાને અનેક રીતે આસ્વાદ્ય બનાવવામાં લેખકની સાહિત્યસર્જનશક્તિ પણ પરખાયા વિના રહેતી નથી.
મણિલાલ હ. પટેલ