મણિપ્રવાલ : તમિળ ભાષાનું એક શૈલી-સ્વરૂપ. માળામાં જેમ પરવાળાં અને મોતીનું સંયોજન હોય છે તેમ મણિપ્રવાલમાં સંસ્કૃત તથા તમિળ ભાષાનું મિશ્રણ હોય છે. ઈ. સ.ની પાંચમી સદી પછીના પલ્લવ અને પાંડ્ય રાજવીઓના સમયના શિલાલેખો તેમજ તામ્રપત્રોમાં તેનું પગેરું શોધી શકાય છે. પલ્લવ રાજ્યકાળમાં મણિપ્રવાલ ભાષાનો સત્તાવાર સંદેશાવ્યવહાર માટે રાજ્યદરબારની ભાષા તરીકે ઉપયોગ થતો હતો. પછી ધાર્મિક વ્યાખ્યાનોમાં તેનો ઉપયોગ થવા માંડ્યો. આ ભાષાના ઉપયોગના કારણે જ કદાચ ધાર્મિક ગ્રંથોનાં ભાષ્યકારોમાં એક પ્રકારની એકસૂત્રતા આવી શકી. ગ્રંથોનાં ભાષ્ય લખવા માટે મણિપ્રવાલનો ઉપયોગ કરવાની પદ્ધતિ વિદ્વાનોએ અધિકૃત રીતે સ્વીકાર્ય ગણી હતી અને આ વિદ્વાનો સંસ્કૃત તેમજ તમિળ એ બંને ભાષાઓમાં પારંગત હતા. જે ધાર્મિક ગ્રંથોની ભાષા આજે પણ સામાન્ય વ્યક્તિ ભાષ્યની સહાય વિના સમજી શકે છે તે માટે આવી અસુગમ ભાષામાં ભાષ્યો લખવાનું વિદ્વાનોએ કેમ પસંદ કર્યું તે વિસ્મયકારક પ્રશ્ન છે.
‘લીલાતિલકમ્’ નામના મલયાળમ વ્યાકરણમાં મણિપ્રવાલને સંસ્કૃત તથા દેશી ભાષાના મિશ્રણ તરીકે ઓળખવામાં આવેલ છે. ‘વિરોઓલિયમ’ નામના તમિળ વ્યાકરણમાં મણિપ્રવાલ કોઈ પ્રકારની શૈલી જ નથી એમ કહેવાયું છે. વળી આ મિશ્રણમાં તમિળ વ્યાકરણના બંધારણનો પણ ભંગ થાય છે. ભાષાકીય ર્દષ્ટિએ જોતાં, મણિપ્રવાલ એ કેવળ સ્થાનિક રીતે ઉદભવેલી ભાષા રહી છે અને સંસ્કૃતના ભાષા-પ્રવાહથી સંપૂર્ણપણે વિખૂટા પડી ગયેલા તમિળભાષીઓ માટે તે અસુગમ અને દુર્બોધ બની રહી છે. પરિણામે તમિળના સાહિત્યિક તથા વિવેચનાત્મક પ્રવાહોમાંથી તે નાશ પામી છે.
મહેશ ચોકસી