જામિયા મિલિયા ઇસ્લામિયા : ભારતની રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી. રાષ્ટ્રીય શિક્ષણ આપવાની ર્દષ્ટિએ અલીગઢ ખાતે 1920માં પ્રારંભ. મહાત્મા ગાંધી, મૌલાના મહમદઅલી, હકીમ અજમલખાન, મૌલાના આઝાદ વગેરે રાષ્ટ્રીય નેતાઓ તેના સ્થાપક હતા. 5 વરસ બાદ અલીગઢનું વાતાવરણ અનુકૂળ ન જણાતાં હકીમ અજમલખાનના સૂચનથી 1925માં આ સંસ્થા દિલ્હી ખાતે ખસેડાઈ હતી.
સારા નાગરિક તરીકેના ગુણો વિકસાવી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી શકે અને પોતાની રીતે જીવનઘડતર કરી રાષ્ટ્રવિકાસમાં અસરકારક ફાળો આપે તેવા યુવાનો તૈયાર કરવાનો તથા ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો સુભગ સમન્વય સાધવાનો આ સંસ્થાનો હેતુ છે.
આ સ્વાયત્ત સંસ્થા અભ્યાસક્રમો ઘડવા તથા પાઠ્યપુસ્તકો પસંદ કરવા કે તૈયાર કરવા તદ્દન સ્વતંત્ર છે. તે નીચે મુજબની સંસ્થાઓનું સંચાલન કરે છે : (1) ઉચ્ચ શિક્ષણ માટેની વિનયન અને સમાજશાસ્ત્રની કૉલેજ. અહીં નિવાસી ગ્રામ વિદ્યાપીઠ છે. (2) વિદ્યાર્થીઓનાં માનસિક વલણોને અનુકૂળ વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક નિવાસી શાળા; (3) પ્રૉજેક્ટપદ્ધતિથી કામ કરતી નિવાસી પ્રાથમિક શાળા; (4) સમાજશિક્ષણ (પ્રૌઢશિક્ષણ) અંગે પ્રયોગલક્ષી સંસ્થા અને પ્રૌઢો માટે નવશિક્ષિત વાચનસામગ્રી તૈયાર કરતી સંસ્થા; (5) કલાશાળા અને બુનિયાદી શિક્ષણ અંગે પ્રાથમિક શિક્ષકો માટે પ્રયોગાત્મક અધ્યાપન મંદિર અને માધ્યમિક શાળાઓના સ્નાતક શિક્ષકો માટે અધ્યાપન મંદિર; (6) શૈક્ષણિક અને અન્ય વિષયોનાં પુસ્તકોના પ્રકાશન માટે મકતબ જામિયા પ્રકાશન સંસ્થા; (7) અભ્યાસ અને સંદર્ભ માટે દરેક સંસ્થાનું સ્વતંત્ર પુસ્તકાલય; (8) હસ્તઉદ્યોગ અને કલાના શિક્ષકો માટે કલા સંસ્થા; (9) ગ્રામ-અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર તેમજ ગ્રામવિકાસને લગતા પ્રશ્નોના અભ્યાસ માટે અનુસ્નાતક કેન્દ્ર; (10) ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રની સંસ્થા; (11) બુનિયાદી શિક્ષણને લગતાં વિવિધ પાસાંના અભ્યાસ માટે ગ્રામવિસ્તારની શિક્ષણસંસ્થા; (12) જામિયા મિલિયાના કર્મચારીઓનાં બાળકો માટે નર્સરી કે પૂર્વપ્રાથમિક શાળા; (13) નવશિક્ષિત પ્રૌઢો માટેના સાહિત્યનિર્માણ માટેની સંસ્થા.
1962થી આ સંસ્થાને યુનિવર્સિટી સમકક્ષ ગણવામાં આવી છે. 1928થી ઝાકિરહુસેન આ સંસ્થા સાથે સંકળાયેલા હતા અને તેમણે તેના વિકાસમાં ઘણો ફાળો આપ્યો છે. શિક્ષણનું માધ્યમ ઉર્દૂ છે પણ હિંદી અને અંગ્રેજીનો પણ સ્વીકાર થયો છે. સંસ્થાનું ‘જામિયા’ મુખપત્ર ઉર્દૂમાં પ્રસિદ્ધ થાય છે.
શિવપ્રસાદ રાજગોર