જાપાનનો સમુદ્ર : જાપાનના પશ્ચિમ કિનારાને અડીને આવેલો સમુદ્ર. વિશાળ પૅસિફિક મહાસાગરનો તે ભાગ છે. સમુદ્રની પૂર્વમાં જાપાનના હોકાઇડો અને હોન્શુ ટાપુઓ તેમજ રશિયાના સખાલીન ટાપુઓ આવેલા છે. પશ્ચિમે એશિયા ભૂખંડની તળભૂમિ(રશિયા અને કોરિયા)ના પ્રદેશો આવેલા છે. આ સમુદ્ર આશરે 40° ઉ. અ. અને 135° પૂ. રે. 50° તથા 35° ઉ.થી ઉ. અક્ષાંશવૃત્તો વચ્ચે વિસ્તરેલો છે. તેની ઉત્તર સીમા લેખાતી તાતારની સામુદ્રધુનીથી તે ઉત્તરે આવેલા ઓખોટ્સ્કના સમુદ્રથી અલગ પડે છે. તેવી જ રીતે તેની દક્ષિણ સીમા લેખાતી કોરિયાની સામુદ્રધુની અને ત્સુશિમાની સામુદ્રધુની દ્વારા તે પીળા સમુદ્ર અને પૂર્વ ચીનના સમુદ્રથી અલગ પડે છે. જાપાનના સમુદ્રના રશિયા, કોરિયા તથા જાપાનના સીમાવર્તી પ્રદેશોનું ભૂપૃષ્ઠ ડુંગરાળ હોવાથી તેની ચારે બાજુએ સાંકડાં અને ખડકાળ મેદાનો પથરાયેલાં છે.
આ સમુદ્રની સપાટીનો વિસ્તાર આશરે 10,48,950 ચોકિમી.ને આવરી લે છે. તેની સરેરાશ ઊંડાઈ 1350 મી. છે. જોકે ઊંડાં સમુદ્રજળ નીચેના તેના સમુદ્રતળનું ભૂપૃષ્ઠ અસમાન છે. તેના તળના મધ્ય ભાગમાં ઊંચો અને સપાટ વિશાળ પ્રદેશ આવેલો છે, જેને જાપાનનું થાળું (બેસિન) કહે છે. આ થાળાની દક્ષિણમાં આવેલું તેનું સૌથી ઊંડું ક્ષેત્ર 4036 મી. જેટલું છે.
કોરિયા અને રશિયાના કિનારાના પ્રદેશોમાં મત્સ્યપ્રવૃત્તિનો ઘણો વિકાસ સધાયો છે. આ સમુદ્રમાંથી સાર્ડિન, મૅકરલ, હેરિંગ વગેરે માછલી વધુ પ્રાપ્ત થાય છે. સમુદ્રના બન્ને કિનારાના ભાગોમાં બંદરોનો વિકાસ થયો છે. તેના કિનારે રશિયાનું વ્લાડિવૉસ્ટોક, ઉ. કોરિયાનાં (ચાંગજિન), હૅગનૅમ, વન્સાન તથા દક્ષિણ કોરિયાનું પુસાન જેવાં બંદરો અગત્યનાં છે. જાપાનના ક્ધિાારાનાં બંદરો ઔદ્યોગિક રીતે વિકસ્યાં છે; તેમાં સાપોરો, નિગાતા, ટોયામા, કાનાઝાવા મુખ્ય છે.
બીજલ પરમાર