જાદવ, છગનલાલ (જ. 1903, વાડજ, અમદાવાદ; અ. 12 એપ્રિલ, 1987, અમદાવાદ) : ગુજરાતના આધુનિક ચિત્રકાર. અત્યંત ગરીબ હરિજન કુટુંબમાં છગનભાઈનો જન્મ થયો હતો. તેમના પિતા વણકર હતા. કોચરબની મ્યુનિસિપલ શાળામાં તેમણે પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. એ વખતની પ્રથા અનુસાર માત્ર નવ વરસની નાની ઉંમરે તેમનાં લગ્ન થયાં હતાં. એ પછી ગૂજરાત વિદ્યાપીઠની રાત્રિશાળામાં થોડો વખત તેમણે અભ્યાસ ચાલુ રાખેલો. આ દરમિયાન જ તેઓ ઘંટ વગાડવાની નોકરી પણ કરતા હતા. જોકે તેઓ એકવીસ વરસના થયા એ જ વખતે તેમનાં પત્ની અને એકમાત્ર પુત્ર અવસાન પામ્યાં હતાં. એ પછી જીવનપર્યંત તેઓ એકાંકી રહ્યા.
કનુ દેસાઈએ ગૂજરાત વિદ્યાપીઠમાં ચિત્રો દોરતાં શીખવવાનું શરૂ કર્યું હતું. ત્યાં સમય સમય પ્રમાણે ઘંટ વગાડવાનું કામ પચીસ વરસની ઉંમરના છગનભાઈ કરતા. ડ્યૂટી પૂરી થતાં તેમણે રોજ કનુભાઈ પાસેથી ચિત્રો દોરતાં શીખવા માંડ્યું. આ જોઈને કાકાસાહેબ કાલેલકરે તેમને રવિશંકર રાવળની ચિત્રશાળા ‘ગુજરાત ચિત્રકળા સંઘ’માં વિદ્યાર્થી તરીકે ગોઠવી દીધા.
છવ્વીસ વરસની ઉંમરે છગનભાઈ રવિશંકરના કળાવિદ્યાર્થી બન્યા છતાં જોતજોતામાં તેમણે ઝડપી વિકાસ કરીને મોટી નામના મેળવી. રવિશંકરના શિષ્ય બન્યા પછી સહાધ્યાયી ભીખુભાઈ આચાર્ય સાથે છગનલાલે દોસ્તી કરેલી. 1930માં આઝાદીની ચળવળના આંદોલનમાં ભાગ લેવા બદલ છગનભાઈ થોડા વખત જેલમાં પણ જઈ આવેલા.
એ પછી ઇન્દોરની આર્ટ સ્કૂલમાં છગનલાલે પ્રવેશ મેળવ્યો હતો. આ માટેનો શિક્ષણખર્ચ અને રહેવા-ખાવા-પીવાનો ખર્ચ અમદાવાદના એક શ્રીમંતે ઉઠાવ્યો હતો. ઇન્દોરમાં કળાશાળાના આચાર્ય દેવલાલીકર તેમના ગુરુ બન્યા. વળી, ત્યાં ઇન્દોરમાં જ સહપાઠી નારાયણ શ્રીધર બેન્દ્રે સાથે છગનભાઈને પાકી ભાઈબંધી થઈ. તેમણે બેન્દ્રે સાથે એક વરસ સુધી કાશ્મીરમાં પરિભ્રમણ કર્યું અને બેન્દ્રેની માફક જ કાશ્મીરના નિસર્ગને તાર્દશ કરતાં સુંદર નિસર્ગચિત્રો ચીતર્યાં.
પાછા ફરીને ઇન્દોરની કળાશાળામાં તે ગયા નહિ. અહીં આભડછેટના કુવિચારોએ ઊંડાં મૂળિયાં નાખેલાં. તેના પરિણામે છગનભાઈ ઘણી વાર અપમાનિત થતા રહેલા. હવે છગનભાઈ જોડાયા રવિશંકર રાવળની અમદાવાદમાંની કળાશાળા અને સ્ટુડિયો ગુજરાત ચિત્રકળા સંઘમાં; પરંતુ રવિશંકર તેમને ગુજરાત બહાર ભણાવવા માગતા હતા.
ગાંધી આશ્રમમાં હરિજન કલ્યાણ ટ્રસ્ટ વતી ટ્રસ્ટી પ્રિયલાલજીએ છગનભાઈને શિષ્યવૃત્તિ આપવાની દરખાસ્ત કરી, જેથી ઇન્દોરમાં પડતો મૂકેલો અભ્યાસ પૂરો કરી શકાય. જોકે છગનલાલ ઇન્દોરને ઠેકાણે લખનૌની આર્ટ સ્કૂલના વિદ્યાર્થી બન્યા. ત્યાંના પ્રિન્સિપાલ અસિત કુમાર હલદાર હતા, જે બંગાળ શૈલીના એક વિખ્યાત ચિત્રકાર હતા. એમના શિષ્ય તરીકે તાલીમ પામ્યા પછી છગનભાઈની કળા પરિપક્વ બની.
લખનૌથી પાછા ફરીને છગનભાઈએ એક પછી એક ઉત્તમ ચિત્રો સર્જ્યાં, જેમાંથી પોતાના બાળક માટે પોતાની ઝૂંપડીને બારણે બેસીને ભરત ગૂંથતી નારીને દર્શાવતા ચિત્ર ‘રંકની કળા’ અને ‘પગથિયે બેસીને ભરત ગૂંથતો બાળક’ શ્રેષ્ઠ ગણાયાં. ભરત ગૂંથતી નારીના ચિત્રને 1939માં બૉમ્બે આર્ટ સોસાયટીની હરીફાઈમાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે તો ઇનામ મળ્યું જ; આ ઉપરાંત મુંબઈ ઇલાકાના ગવર્નરનું પણ બીજું એક ખાસ ઇનામ તેમને મળ્યું હતું.
1930માં દાંડીકૂચની વ્યવસ્થા-ટુકડીમાં છગનભાઈ જોડાયા હતા. આ સુવર્ણ તકનો લાભ લઈને તેમણે ગાંધીજીના સ્કેચીઝ પણ કરેલા. 1936થી 1949 સુધી તેમણે જ્યોતિસંઘમાં કળા-અધ્યાપન કર્યું. 1938માં હરિપુરામાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં રવિશંકર રાવળ સાથે છગનભાઈએ ચિત્રો અને શણગાર-સજાવટ કરેલાં. 1965 પછી થોડાં વરસો સુધી ગુજરાત રાજ્ય લલિતકળા અકાદમીના ઉપાધ્યક્ષપદે પણ છગનભાઈ રહ્યા હતા.
1944માં છગનભાઈ ફરીથી હિમાલયની લાંબી યાત્રાએ નીકળી પડ્યા. માનવીય પ્રદૂષણથી મુક્ત હિમાલયની વનશ્રી અને પ્રકૃતિમાં તેમને પરમ તત્વની ઝાંખી થતી અને તેથી જ ફરીથી એક વાર ભવ્ય હિમાલય તેમની ચિત્રકળાનો વિષય બન્યો. હિમાલયનાં આ ચિત્રો ખરેખર આહલાદક અને અદભુત છે. આ ચિત્રોમાં અભિવ્યક્તિવાદના પ્રણેતા અને હોલૅન્ડના જગવિખ્યાત લોકપ્રિય આધુનિક ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘના પીંછીના લસરકા (સ્ટ્રોક્સ) જેવા લસરકા જોવા મળે છે એમ કળાપ્રેમીઓ અને ડૉ. રતન પારીમૂ જેવા કળાવિવેચકો-ચિત્રકારો પણ કહે છે.
હિમાલયનાં ચિત્રો ચીતરતાં ચીતરતાં તેમની અધ્યાત્મસાધના વધતી ગઈ; અને તે દ્વારા ઈશ્વરપ્રાપ્તિની તેમની તાલાવેલી વધતી જ ગઈ. પરિણામે 1950માં છગનભાઈ પહોંચ્યા પુદુચેરીમાં (પોંડીચેરીમાં) શ્રી માતાજીનાં ચરણોમાં. અહીં તો મૂળ ગુજરાતના અને રવિશંકર રાવળના શિષ્ય એવા કૃષ્ણલાલ ભટ્ટ ચિત્રકળા મારફત અધ્યાત્મસાધના કરી જ રહ્યા હતા. શ્રી માતાજીનાં ચરણોમાં છગનભાઈનાં ચિત્રોમાં અધ્યાત્મભાવનું નિરૂપણ વધુ ઘેરું બન્યું, બલકે તેણે કેન્દ્રસ્થાન મેળવ્યું.
બાહ્યજગતનાં સ્થૂળ આલેખનોને સ્થાને અદ્યતન અમૂર્ત આલેખનો તેમના કૅન્વાસ ઉપર ઊતરી આવ્યાં. આ રીતે તેમણે કૃષ્ણલાલ ભટ્ટ સાથે ગુજરાતના પ્રથમ બે પ્રયોગશીલ આધુનિક ચિત્રકારોમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ચિત્રફલક ઉપર તેમના પ્રયોગો માત્ર પ્રયોગખોરી નથી, આધ્યાત્મિક અનુભૂતિથી સિંચાયેલા નક્કર આવિષ્કાર છે.
1950માં તેમણે અમદાવાદના જ્યોતિસંઘમાંથી પણ રાજીનામું મૂકી મુક્તિ મેળવી લીધેલી. હવે તેમણે 1972 સુધી અમદાવાદ અને પુદુચેરી એ બે શહેરોમાં જીવન વહેંચી દીધું. વારાફરતી બંને શહેરોમાં સતત થોડા મહિના ગુજારતા, અધ્યાત્મસાધના કરતા અને તેના પરિપાક રૂપે નિર્મળ ચિત્રો સર્જતા રહેતા.
ચિત્રો ચીતરવા માટે તેમને ઈશ્વરનું દિવ્ય માર્ગદર્શન મળતું એમ તેઓ કહેતા રહેતા. ઈશ્વરના દિવ્ય પ્રકાશ અને તેના સ્રોતને આલેખતાં તેમણે સંખ્યાબંધ ચિત્રો કર્યાં. સાથે સાથે નાળિયેરી અને કેળનાં વૃક્ષોના ઝુંડમાં નીચે ઊભેલી આદિવાસી મહિલાઓનાં પણ ઘણાં આલેખનો તેમણે કર્યાં. એમના કહેવા મુજબ પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિ સાથે સુમેળપૂર્વક, સામંજસ્યપૂર્વક રહેતા આવા નિર્મળ માનવી જ ઈશ્વરની દિવ્યકૃપાને પાત્ર હોય છે. આ પ્રકારનાં પોતાનાં ચિત્રોને એ વિશિષ્ટ નામ આપતા : શોકધારા, પ્રકાશ પ્રતિ, ગુનાહિતા, વિશ્વસ્વરૂપ, નિર્ણયની ક્ષણ, મંગલપ્રભાત આદિ.
સમકાલીન પેઢીના મુખ્ય ચિત્રકારો કનુ દેસાઈ, સોમાલાલ શાહ, રસિકલાલ પરીખની ચાંચ આધુનિકતામાં બૂડી શકી નહિ, એ બધા આધુનિક પ્રયોગો કરવા ગયા એમાં એમને ધરાર નિષ્ફળતા સાંપડી; પરંતુ છગનભાઈ આ બધામાં એ રીતે નોખા પડી જાય છે કે એ આધુનિકતાના પ્રયોગોમાં પણ સફળ થયા, કારણ કે આ માટેનો તેમનો જોસ્સો અંદરથી આવતા તેમના અવાજે આપેલો. આ ર્દષ્ટિએ જોતાં છગનભાઈને આ બધા ચિત્રકારોમાંથી સૌથી વધુ સફળ અને શ્રેષ્ઠ પણ કહી શકાય. આ જ કારણે તે પછીની પેઢીના ચિત્રકારોના હમદર્દ મિત્ર પણ બની રહ્યા.
અમદાવાદમાં પાલડી ભઠ્ઠા વિસ્તારમાં તેમણે ચંદ્રનગર વિસ્તારમાં પોતાનું ઘર બાંધેલું. પારિજાત નામનો આ બંગલો કળાકારો માટે મિલનકેન્દ્ર બની ગયેલો. છગનલાલ જાદવના બંગલે બંસીલાલ વર્મા ‘ચકોર’, પિરાજી સાગરા, રમણીક ભાવસાર, ગોવિંદ પરમાર, ગિરીશ ખત્રી, માનસિંહ છારા, સોમાલાલ શાહ અને નિરંજન ભગત જેવા મોટા ગજાના ચિત્રકારો અને સાહિત્યકારો ભેગા થતા. બહારગામથી ત્યાં આવનારમાં કનુ દેસાઈ, ચુનીલાલ મડિયા અને ખોડીદાસ પરમાર પણ હોય.
કોઈ અજાણ્યો શખ્સ પણ ઉત્કંઠાપૂર્વક તેમને ઘેર જઈ ચઢે તો છગનભાઈ જાતે જ પ્રેમપૂર્વક ચા બનાવીને તેને પાય અને ધીરજથી એક પછી એક ચિત્રો બતાવતા જાય.
જીવનનાં છેલ્લાં વરસોમાં પણ ઘણી વાર કનુ દેસાઈ અને અસિતકુમાર હલદારની લઢણો તેમનાં ચિત્રોમાં ડોકાઈ જતી, તેને તો ગુરુપ્રીતિ જ ગણવી જોઈએ, કારણ કે ચિત્રકાર તરીકે છગનભાઈ એ બંનેથી ઊંચી કક્ષાએ પહોંચી ગયા હતા. એમની વળાંકયુક્ત કમનીય રેખાઓમાં સહેજેય વેવલાઈનાં દર્શન થતાં નથી. તેમનાં ચિત્રો આધ્યાત્મિક ગગનમાં ઉડ્ડયન કરતાં હોવા છતાં તેમાં ધરતીની માટીની સુવાસ માણી શકાય છે. માટે જ તેમની કળા ચિરકાલીન છે; કાળની પરીક્ષામાંથી પાર ઊતરે તેવી.
રશિયાથી ભારત આવી વસેલા ચિત્રકાર નિકોલસ રોરિક તથા તેમના પુત્ર સ્વેતોસ્લાવ રોરિક સાથે છગનભાઈને મિત્રતા હતી. હિમાલયને ચિત્રિત કરવાનું ધ્યેય આ બંને કળાકારોએ અપનાવેલું, તેથી તેમનામાં હેતુની, ધ્યેયની એકવાક્યતા હતી. છગનભાઈ ડાયરી લખતા રહેલા. તેમાં તે સતત પોતાના ચિત્રસર્જન વિશે અને પોતાના વિશે લખતા રહેલા.
ગુજરાત લલિતકળા અકાદમીએ ગૌરવ પુરસ્કાર વડે 1968માં સ્વ. છગનલાલ જાદવનું બહુમાન કરેલું. જીવનના છેલ્લા ત્રણ દાયકામાં ચળકતા રૂપેરી વાળના ગુચ્છ તેમના માથા ઉપર ફરકતા રહેતા. ગુજરાત તેમનાં ચિત્રોના કાયમી મ્યુઝિયમની ઝંખના કરતું રહેશે.
નટુભાઈ પરીખ
અમિતાભ મડિયા