જાત્રા : બંગાળી લોકનાટ્યનો એક પ્રકાર. તે મધ્યકાળથી શરૂ થઈ આજ સુધી જુદે જુદે સ્વરૂપે પ્રવર્તમાન રહ્યો છે. ભૂતકાળમાં કોઈ ઉત્સવ પ્રસંગે ભક્તો નાચતાંગાતાં, સરઘસાકારે એક સ્થળેથી બીજે સ્થળે જતા. સમય જતાં તેમાં પુરાણોમાંથી કે કોઈ દંતકથામાંથી વાર્તાને જોડવામાં આવી, અને તેમાંથી ઉદભવ્યું જાત્રા–નાટક. આ જાત્રા તે લોક-રંગભૂમિ. તે ગામડાંમાં લોકોને મનોરંજન તેમજ ઉપદેશ પૂરાં પાડતી. અભિનય, પોશાક, રૂપસજ્જા (મેકપ) ટૅકનિક વગેરે બાબતમાં જાત્રાનો સ્તર નિમ્ન હતો. વળી રંગમંચ તો હતો જ નહિ. પણ પ્રેક્ષકો અને અભિનય વચ્ચેનું અનુસંધાન સંપૂર્ણ હોવાથી શ્રોતા-પ્રેક્ષકને ખૂબ આનંદ મળતો. મધ્યકાળમાં ઘણી વાર જાત્રાને નટ-ગીત કે ગીત-નટ પણ કહેવામાં આવતું, જેમાં જુદાં જુદાં પાત્રો પ્રેક્ષકો સમક્ષ આવી તેમની ભૂમિકાનો ભાગ ગાતાં. લોકનાટક, લોકગીત, લોકનૃત્ય જેવાં તત્વો જાત્રામાં ભળ્યાં. ‘મંગળચંડી’ અને ‘મનસા’નાં ગીતો આ રીતે ગવાતાં. ‘ગંભીર’, ‘ગજેગણ’, ‘ઝુમુર’, ‘પાંચાલી’ અને ‘ધમાલી’માં જાત્રાનાં લક્ષણો હતાં, જે પાછળથી પૂર્ણવિકસિત જાત્રાનાટકમાં પરિણમ્યાં.

ચૈતન્યના સમય પહેલાં ભજવાતી જાત્રાઓ ચંડી જાત્રાઓ અથવા રામ-જાત્રાઓ હતી. પણ ચૈતન્ય પછી, રાધા-કૃષ્ણના દૈવી પ્રેમને નિરૂપતી અથવા ચૈતન્યના સંન્યાસને પ્રગટ કરતી જાત્રાઓ અસ્તિત્વમાં આવી. કૃષ્ણ-જાત્રા ‘કાલિયદમન’ નામથી વધુ પ્રચલિત બની. લાંબી પરંપરા પણ રહી, જેમાં ગોવિંદ અધિકારી આ ‘કાલિયદમન’ના બહુ મોટા પ્રણેતા થયા; તે પોતે વૃંદા દૂત્તીની ભૂમિકા ભજવી શ્રોતાઓને રમૂજભર્યાં કથનોથી રંજન પૂરું પાડતા. ‘કાલિયદમન’ જાત્રા-પ્રકાર ચીલાચાલુ બનતાં, ‘સખાર જાત્રા’ નાટક જન્મ્યું, જેમાં હાસ્યગીતો વધારે હતાં. ધાર્મિક મનોવૃત્તિવાળા બંગાળીઓને આ બહુ રુચ્યું નહિ; પરિણામે ધાર્મિક-જાત્રા જેવું ‘ગીતાભિનય’ જાત્રા વિકસ્યું જેમાં રંગમંચ પરના નાટક અને જાત્રાનો સમન્વય કરીને ખુલ્લી જગ્યામાં તેમજ રંગમંચ પર ભજવવામાં આવતાં. મોતીલાલ રાય (1843–1911) ‘ગીતાભિનય’ જાત્રાના પ્રખ્યાત ઉદગાતા થયા. પછી તો, જાત્રા રંગમંચીય પદ્ધતિઓને પણ પ્રયોજવાનું શરૂ કરે છે, ધાર્મિક-પૌરાણિક કથાઓ ઉપરાંત ઐતિહાસિક વિષયો પણ જાત્રામાં લેવામાં આવે છે, દા.ત., ‘પદ્મિની’. લોકજાગૃતિ માટેનું પ્રભાવશાળી માધ્યમ હોવાથી, મુકુંદદાસે (1888–1934) જાત્રા–નાટકને ‘સ્વદેશી જાત્રા પાર્ટી’ નામ આપીને ગામડાંમાં રાષ્ટ્રભાવના જગાડી. જોકે આધુનિક જાત્રા પરંપરાગત જાત્રાથી તદ્દન ભિન્ન થઈ ગઈ છે; તે હવે શિક્ષણ, નીતિ વગેરેના પ્રચારનું લોકમાધ્યમ રહ્યું નથી. આજે ‘બંગાળી જાત્રા’ એ રંગભૂમિનો જ નવો અવતાર છે. ઉત્પલ દત્ત અને રામેન લાહિરી જેવા રંગભૂમિના મોટા અભિનેતાઓ અને લેખકોએ જાત્રા-નાટકો લખ્યાં છે અને તેમાં ભૂમિકા ભજવી છે.

અનિલા દલાલ