જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ

January, 2012

જાદવ, જોરાવરસિંહ દાનુભાઈ (જ. 10 જાન્યુઆરી 1940, મુ. પો. આકરુ, તા. ધંધૂકા, જિ. અમદાવાદ) : ગુજરાતના વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક અને લોકકલાના પ્રચારક. પિતા દાનુભાઈ રાજપૂત ખેડૂત. ગામડામાં ખેડૂત કુટુંબમાં જનમવાને કારણે બાળપણથી જ લોકસાહિત્ય અને લોકકલાઓનો તલસ્પર્શી અનુભવ હતો. તેઓ 1961માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી અને ઇતિહાસ સાથે બી.એ. અને 1963માં ભો. જે. વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષય સાથે એમ. એ. થયા. આ અભ્યાસ દ્વારા લોકસાહિત્ય અને લોકકલાઓ તરફનું આકર્ષણ વધ્યું. અભ્યાસ પછી 1964માં જાદવ ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પ્રકાશન અધિકારી તરીકે જોડાયા. ત્યારબાદ ગુજરાત રાજ્યની સહકારી સંસ્થાઓની રાજ્યકક્ષાની ટોચની સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી નિમાયા અને તે પદેથી નિવૃત્ત થયા. જોરાવરસિંહે આપેલી ગ્રામજીવનને વિષય કરતી વાર્તાઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’ ઉપરાંત ‘મરદાઈ માથા સાટે’ (1970), ‘લોકસાહિત્યની ચતુરાઈકથાઓ’ (1974), ‘રાજપૂત કથાઓ’ (1979) વગેરે ઉલ્લેખનીય છે. એમણે ‘ભાતીગળ લોકકથાઓ’ (1973) અને ‘મનોરંજક કથામાળા’ (1977) જેવાં બાલવાર્તાઓનાં પુસ્તકો પણ આપ્યાં છે. આ ઉપરાંત ‘આપણા કસબીઓ’ (1972), ‘લોકજીવનના મોભ’ (1975), ‘ગુજરાતની લોકસંસ્કૃતિ’ (1976), ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ (1979), ‘પ્રાચીન ભારતનાં શસ્ત્રાસ્ત્રો’ (1981) જેવું ઉપયોગી સંદર્ભસાહિત્ય પણ તેમના તરફથી મળ્યું છે. તેમણે ગુજરાતી લોકસાહિત્યમાળામાં ભાલપંથકનાં લોકગીતો સંપાદિત કરીને આપેલાં. આ ઉપરાંત ‘સજે ધરતી શણગાર’ (1972), ‘લોકસાહિત્યની નાગકથાઓ’ (1973) અને ગુજરાતની લોકકથાઓ (1984) વગેરે લોકસાહિત્ય-સંપાદનના ગ્રંથો છે.

1958થી જાદવે લખેલા લોકકલાસાહિત્ય અને સંસ્કૃતિ પરના સંશોધનાત્મક લેખો ‘બુદ્ધિપ્રકાશ’, ‘નૂતન ગુજરાત’, ‘રંગતરંગ’, ‘અખંડ આનંદ’ ઇત્યાદિ પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકટ થવા માંડ્યા. આ રીતે તેઓ લોકસંસ્કૃતિના મહત્ત્વના સંશોધક-પ્રચારક તરીકે નામના પામ્યા.

‘મરદ કસુંબલ રંગ ચડે’ ગ્રંથથી 1968માં શરૂ થયેલી લોકસંસ્કૃતિ-વિષયક સંપાદિત ગ્રંથોની સંખ્યા આજે (2001માં) આશરે 65થી પણ વધુ છે.

જોરાવરસિંહ દાનુભાઈ જાદવ

1964થી જાદવે ‘સહકાર’ સાપ્તાહિક, ‘ગ્રામસ્વરાજ’ તથા ‘જિનમંગલ’ માસિકોના સંપાદનની જવાબદારી સંભાળી છે. લોકકલાકારોને પ્રોત્સાહન આપવા તથા તેમની કલાને પ્રજા સમક્ષ રજૂ કરવા તેમણે તમામ પ્રસાર-માધ્યમોનો ઉચિત ઉપયોગ કર્યો. રેડિયો તથા ટેલિવિઝન ઉપર લોકકલાકારોના કાર્યક્રમોનું આયોજન-સંચાલન કર્યું તેમજ સામયિકોમાં લેખો પણ લખ્યા. આ ઉપરાંત 1978માં તેમણે ‘ગુજરાત લોકકલા ફાઉન્ડેશન’ની સ્થાપના કરી. આ સંસ્થાએ ગુજરાત અને રાજસ્થાનના અભણ, શોષિત અને વિચરતી જાતિના લોકકલાકારોને પ્રજા સમક્ષ રજૂ કરી એ કલાકારોને અભિવ્યક્તિની તક, મોકળાશ અને મંચ પૂરાં પાડ્યાં. આ રીતે લોકકલાના પ્રસાર સાથે લોકકલાકારોની આર્થિક ઉન્નતિ માટેનું સેવાકાર્ય પણ તેમના દ્વારા ચાલતું રહ્યું છે. આ ફાઉન્ડેશને અનેક લોકકલાકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડ્યો છે.

જાદવે લોકસંસ્કૃતિ ઉપરાંત પ્રાચીન કલા-સંસ્કૃતિ-ક્ષેત્રે પણ કાર્ય કર્યું છે. પોતાના વતન આકરુ ગામ પાસેના ખારવીના નામના તળાવ પાસેના એક ટીંબામાંથી 4,000 વર્ષ પુરાણી સિંધુ સંસ્કૃતિના અવશેષરૂપ વાસણો, તાંબાનાં ઘરેણાં, મણકા ઇત્યાદિ શોધી કાઢ્યાં છે.

તેમને મળેલાં માનસન્માનો નીચે પ્રમાણે છે : ‘લોકજીવનનાં મોતી’ (1975) ગ્રંથ માટે રાજસ્થાનના ચુરુ નગરના ‘લોકસંસ્કૃતિ શોધ-સંસ્થાન’નો ‘મેઘાણી સુવર્ણચંદ્રક’ (1978); ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ (1979) ગ્રંથના સંપાદન માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક; ‘આપણા કસબીઓ ભાગ 1’ માટે એન.સી.ઈ.આર.ટી.નું પ્રથમ પારિતોષિક અને ‘ડોશીનો દીકરો બાયડી લાવ્યો’ ગ્રંથના સંપાદન માટે ગુજરાત સરકારનું પારિતોષિક.

અમિતાભ મડિયા