જસતીકરણ : લોખંડ કે સ્ટીલના પતરા કે દાગીના (work-piece) ઉપર જસતનો ઢોળ ચડાવવો તે. દુનિયાના જસતના ઉત્પાદનનો સારો એવો જથ્થો આ ક્રિયામાં વપરાય છે. આ માટે બે પદ્ધતિઓ છે : (અ) તપ્ત નિમજ્જી (hot dip) અને (બ) વિદ્યુત-ઢોળ પદ્ધતિ. તપ્ત નિમજ્જી પદ્ધતિમાં સ્ટીલને પિગાળેલા દ્રવ જસતમાં બોળવામાં આવે છે. આ માટે સ્ટીલના પતરા કે દાગીનાને પ્રથમ ઍસિડમાં અમ્લોપચાર આપી (pickled) રાસાયણિક માવજત દ્વારા જસતલેપકારક સાથે તે ગલનક્રિયા (fusion) કરી શકે તેવું બનાવવામાં આવે છે. સતત જસતીકરણ પદ્ધતિમાં પતરાને પ્રથમ ભઠ્ઠીમાંથી પસાર કરવામાં આવે છે અને પછી તેને પીગળેલ જસત (440° સે.) અથવા જસતની મિશ્રધાતુમાંથી પસાર કરવામાં આવે છે. આથી સ્ટીલ ઉપર પાતળું અસ્તર ચડે છે. પતરાને ઠંડું પાડવાથી જસત ઘન અવસ્થામાં આવે છે. આ દરમિયાન સ્ટીલની સપાટી ઉપર લોખંડ-જસતની મિશ્રધાતુનું બરડ પડ અને તેની ઉપર જસતનું અસ્તર બાઝે છે. જસતકુંડ(zinc bath)માં થોડું ઍલ્યુમિનિયમ ઉમેરવાથી અને યોગ્ય તાપમાન જાળવવાથી મિશ્રધાતુના પડની જાડાઈ ઘટે છે અને તન્ય (ductile) પડ જામે છે. દરિયાઈ આબોહવામાં વપરાશ માટે મૅગ્નેશિયમ ઉમેરવામાં આવે છે.

જસતીકરણ પામેલાં પતરાં ઘરના છાપરા માટે તેમજ અન્ય ઉપયોગમાં લેવાય છે. જસતનું અસ્તર ધરાવતી વસ્તુઓ ગ્રામીણ વાતાવરણમાં તથા ભેજવાળા દરિયાઈ વાતાવરણમાં ક્ષારણ સામે સારું કામ આપે છે. જસતને લીધે ક્ષારણકારી વાતાવરણ અને ધાતુ વચ્ચે અંતરાય (barrier) ઊભો થવાથી સ્ટીલનું રક્ષણ થાય છે. વળી તેની સ્વવિલોપક (sacrificial) વીજ-રાસાયણિક ક્રિયાને લીધે જો ક્ષારણ થાય તો પ્રથમ જસત ખવાય છે. જસતનો 0.03 મિમી.નો સ્તર કાટ સામે ગ્રામીણ વિસ્તારમાં આશરે 8 વરસ કામ આપે છે, જ્યારે ઔદ્યોગિક વિસ્તારના વાતાવરણમાં ગંધકના ઑક્સાઇડો હોવાથી આવરણનું આયુષ્ય ઘટવાથી વસ્તુ માત્ર 4 વર્ષ જેટલા સમય માટે કામ આપી શકે છે.

મકાનોના (રહેઠાણ તેમ જ અન્ય વપરાશ માટેના) પ્લમ્બીંગમાં ગેલ્વેનાઇઝ્ડ પાઈપનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હતો. આ પાઈપમાં અંદરથી કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થયા બાદ પાણીનો ધાતુકીય સ્વાદ આવે છે. કાટની પતરીઓ છૂટી પડવાથી અશુદ્ધ પાણી મળે છે. અને છેવટે દબાણ વધવાથી પાઈપ ફાટી જવાની ગંભીર સમસ્યા ઉભી થાય છે.

હાલમાં પાણીના પ્રવાહ માટે પ્લાસ્ટીકની અને તેમાં મોટેભાગે cpcvની પાઈપ વપરાય છે. આ પાઈપ વાપરવાથી કાટનો પ્રશ્ન સંપૂર્ણપણે ઉકેલી શકાયો છે.

મધુસૂદન લેલે