જરીર (જ. 649, હજરા, યમામા, અરબસ્તાન; અ. આશરે 729) : અરબી ભાષાના મધ્યયુગના કવિ. તેમનું પૂરું નામ જરીર બિન અતય્યા બિન અલ-ખતફી હતું. યમામા વિસ્તાર હવે રિયાદ નામે ઓળખાય છે, જે સાઉદી અરબ રાજ્યનું પાટનગર છે.
તેમનો વ્યવસાય ઢોર-ઉછેરનો હતો. જરીરનું શિક્ષણ નહિવત્ હતું; પરંતુ કવિતા તેમને વારસામાં મળી હતી. ભાષા અને અલંકાર ઉપર તે અસાધારણ કાબૂ ધરાવતા હતા. સ્વભાવે નેક માણસ હતા, ધર્મનિષ્ઠ હતા. જરીર, અરબી સાહિત્યપ્રકાર ‘અલ-નકાઇઝ’ના ઉચ્ચ કોટિના વિશ્વવિખ્યાત કવિ થયા. કવિ તરીકે પોતાના વતન ઉપરાંત ઇરાકના બસરા શહેર તથા ઉમય્યા વંશના ખલીફાઓના પાટનગર દમાસ્ક્સમાં રહીને નિંદા (હિજ્વ), પ્રશંસા (હમ્દ), શોક (મર્સિયા) અને ઊર્મિ (ગઝલ) – એવા વિવિધ પ્રકારની કાવ્યરચનાઓ તેમણે કરી.
1300 વર્ષ પહેલાં થઈ ગયેલા ફર્ઝદક ગસ્સાન, અલસુલે હતી .અખ્તલ અને જરીર જેવા કવિઓનાં નકીઝા કાવ્યોએ તત્કાલીન અરબ સમાજમાં ભારે ઊહાપોહ મચાવ્યો. નિંદાત્મક કવિતાલેખનમાં જરીરના બે હરીફ કવિઓ ફર્ઝદક અને અલ-અખ્તલ હતા. આ ત્રિપુટીએ અરબી ભાષાને સમૃદ્ધ કરવામાં મહત્વનો ફાળો આપ્યો અને ભારતના ભાટ-ચારણોની જેમ શુદ્ધ ટીકાત્મક કવિતાની વિશ્વને અનેરી ભેટ ધરી. તેમના સમયમાં, આ ત્રણે કવિઓ વચ્ચેની હરીફાઈ એટલી તીવ્ર બની જતી કે રાજ્યને વચ્ચે પડવું પડતું તથા એકબીજાને મળવા માટે તેમની ઉપર પ્રતિબંધ ફરમાવવો પડતો; પરંતુ આજે, એકબીજા ઉપર સરસાઈ મેળવી લેવાની ભાવનાથી પ્રેરાઈને રચાયેલી તેમની કવિતા માત્ર અરબી ભાષાનો જ નહિ, બલકે વિશ્વસાહિત્યનો એક અણમોલ ખજાનો બની છે.
આ ત્રિપુટીમાં જરીર સૌથી વધુ મૌલિક હતા. તેમણે સરળ, કોમળ અને મધુર શબ્દો, સુંદર પ્રાસ તથા યોગ્ય શબ્દ-અલંકારોના મિશ્રણથી આકર્ષક, મોહક અને જાદુઈ અસર ધરાવતાં એવાં કાવ્યો રચ્યાં, જે અરબી સાહિત્યના ઉત્કૃષ્ટ નમૂના તરીકે સ્થાન પામ્યાં છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી