જરીવાલા, લીલા (જ. 12 ઑક્ટોબર 1926, સિકંદરાબાદ; અ. 30 ડિસેમ્બર 1995, મુંબઈ) : ગુજરાતી અભિનેત્રી, દિગ્દર્શિકા, નિર્માત્રી, ગુજરાતી રંગભૂમિની એક વિશિષ્ટતા એ રહી છે કે ખાસ કરીને મહારાષ્ટ્રીય, હિન્દી-ઉર્દૂભાષી અને ગોવાનીઝ બહેનોને ‘સ્ત્રીપાત્રો’ની ભૂમિકા માટે સ્વીકારવામાં આવી હતી. શ્રીમતી લીલા જરીવાલા એ વૈવિધ્યમાં જરા જુદાં તરી આવે છે. તેમનું શિક્ષણ માત્ર મરાઠી ભાષામાં અમળનેરમાં થયું હતું. તેમણે ઇન્ડિયન એકૅડેમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ્સની ‘ડિપ્લોમા’ માનભેર મેળવી; તેમણે મુંબઈની પ્રથમ હરોળની શાળા ફેલોશિપ સ્કૂલમાં ‘નાટ્યશિક્ષિકા’ તરીકે ભૂલકાંઓની અભિનયરુચિને કેળવવામાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. સવિશેષ તો આને માટે કારણભૂત હતી તેમનાં માતાપિતાની ગીત-સંગીત ને નાટક પ્રત્યેની અભિરુચિ. 1944માં મુંબઈ આવીને મહિલા કામદારોમાં એકતા, જાગૃતિ ને એમનાં બાળકોની સારસંભાળ સારુ મહેનત કરી. આમાંથી નાટક જેવા ર્દશ્ય-શ્રાવ્ય ક્ષેત્ર દ્વારા વધુ સંગીન શિક્ષણપ્રસાર ને સમાજસેવા કરી શકાય એ વિચાર ર્દઢ થતાં એમણે એ સક્ષમ માધ્યમને અપનાવ્યું. તેઓ ગુજરાતી રંગભૂમિના ઉત્ક્રાંતિકાળમાં એ ક્ષેત્રે આવ્યાં ત્યારે ઇપ્ટા, રંગભૂમિ, આઇ.એન.ટી. જેવી માતબર સંસ્થાઓ પ્રવૃત્ત હતી અને સાથીદારોમાં એમને સાંપડ્યાં જશવંત ઠાકર, પ્રતાપ ઓઝા, ચાંપશીભાઈ, વિષ્ણુ વ્યાસ, લાલુ શાહ, અમર જરીવાલા, દીના ગાંધી (પાઠક), વનલતા મહેતા, ચંદ્રિકા શાહ, સરિતા, પદ્મારાણી અને આગળ જતાં જયંતી પટેલ, તરલા મહેતા, વિજય દત્ત, પ્રવીણ જોષી વગેરે. ગુજરાતી ઉપરાંત એમણે હિન્દી, ઉર્દૂ તથા મરાઠી નાટકોમાં પણ પાત્રાભિનય આપ્યો. ‘ઝુબેદા’ (ખ્વાજા અહમદ અબ્બાસ), ‘કેશવ પ્રધાન’ (મરાઠી, વિજયા મહેતા) ‘બુવા’ (મરાઠી, પ્રભાકર ગુપ્તે), ‘અદા’ (શફી ઇનામદાર), બલરાજ સાહની, ચેતન આનંદ અને દેવ આનંદ, શંભુ મિત્રા, તૃપ્તિ મિત્રા, શિશિર ભાદુડી, ઉઝરા મુમતાઝ, ભક્તિ બર્વે જેવાંઓએ એમની અભિનયશક્તિને બિરદાવી હતી.

નાટકોમાં ભાગ લીધો તે ‘અલ્લાબેલી’, ‘નરબંકા’, ‘મૃચ્છકટિક’, ‘શાહજહાં’, ‘વેવિશાળ’, ‘સુમંગલા’, ‘1942’, ‘સંતુ રંગીલી’, ‘ઢોલીડો’, ‘પાટણની પ્રભુતા’ તથા ‘ઇડરિયોગઢ જીત્યાં રે’, ‘એકને ટકોરે’, ‘રેતીનાં રતન’, ‘ધરમની પત્ની’, ‘ભાડૂતી પતિ’, ‘સંસ્કારમૂર્તિ’, ‘પત્તાંની જોડ’ એમ બધાં મળીને પચાસ ઉપરાંત ત્રિઅંકી. તથા આ સાથે અનેક એકાંકીઓ પણ. એમણે ઉત્કૃષ્ટ અભિનય માટે ગુજરાતી-હિન્દી રાજ્ય નાટ્યસ્પર્ધાઓમાં તથા દિગ્દર્શક તરીકે અનેક પારિતોષિકો મેળવ્યાં છે – વડોદરાની ‘ત્રિવેણી’ સંસ્થાના ‘વર્લ્ડ થિયેટર ડે’ના બહુમાન સાથે. સત્તરેક ફિલ્મો – ‘મૂળુ માણેક’, ‘મળેલા જીવ’, ‘કાશીનો દીકરો’, ‘તાના-રીરી’, ‘અખંડ સૌભાગ્યવતી’, ‘જાલીમસંગ જાડેજા’ તેમજ હિન્દીમાં ‘નીચાનગર’, ‘ધરતી કે લાલ’, ‘અર્ધસત્ય’, ‘અંજામ’ – ખાસ ઉલ્લેખનીય છે. એ જ રીતે આકાશવાણી ને દૂરદર્શનની ઝળહળતી કારકિર્દીમાં તેઓ પ્રથમ કક્ષાનાં કલાકાર તરીકે સ્વીકારાયાં છે. યોગેન્દ્ર દેસાઈ, શ્યામ મીઠાઈવાલા, પિનાકિન શાહ અને નૃત્યનાટિકા ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કરનારાઓ સાથે પાત્રોના સંવાદો બોલવા તથા ‘પરિવર્તન’ ને ‘પ્રાણ પૂર્યા પાષાણમાં’ જેવી નૃત્યનાટિકાઓમાં રંગભૂમિ પર પાત્રાભિનય પણ આપેલ છે. ગુજરાતી નવી રંગભૂમિની કાયાપલટ કરે એવા શ્રી ગુણવંતરાય આચાર્યના નાટક ‘અલ્લાબેલી’નું દિગ્દર્શન જશવંત ઠાકરે કર્યું જેમાં લીલા જરીવાલાએ સૌમ્યમાતાનું પાત્ર અને મૂળુભાની બહેન દેવબાઈનું પાત્ર પણ ભજવ્યું હતું. આ નાટકમાં જરૂર પડી ત્યારે તેમણે ચાર સ્ત્રીપાત્રો  શામબાઈ અને ઓર્ડલીની પત્ની વગેરે પાત્રો પણ ભજવીને અભિનયવૈવિધ્ય દર્શાવી આપ્યું. એ જ રીતે ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વેવિશાળ’ના નાટ્યાંતરમાં ‘ભાભુ’નું પાત્ર ભજવ્યું. લોકો તો કહેતા કે અમે ભાભુને જોવા આવ્યાં છીએ. સોહરાબ મોદીની ફિલ્મ ‘પૃથ્વી વલ્લભ’માં દુર્ગા ખોટે જે પાત્ર ભજવતાં એ મૃણાલના સંવાદો ગુજરાતીમાં ડબ કર્યા હતા. ગુજરાતી રંગભૂમિના એ તેજસ્વી તારિકા હતાં. એ રીતે ગુજરાતી રંગભૂમિ પર તેમણે 50 વર્ષ સુધી સેવા આપી.

ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય કલાકાર દર્શક જરીવાલામાં આ અભિનયપટુતા ઊતરી આવી છે.

પ્રતાપ ઓઝા