જનાન્તિકે (1965) : સુરેશ જોષીએ 1955થી 1964 સુધીના સમયગાળામાં લખેલા લલિત નિબંધોનો સંગ્રહ. લલિત નિબંધનું જનાન્તિક રૂપ અહીં તેની સર્વ તરલતા સાથે પ્રકટતું જણાય છે. કેટલાંક સત્યો આવાં જનાન્તિક ઉચ્ચારણને અંતે જ પૂરું રૂપ પામતાં હોય છે. તર્ક અને તત્વના બે પાટા પરની એની દોડ વ્યવસ્થિત અને ઝડપી બને ખરી, પણ અવ્યવસ્થિતતાના જ માધ્યમમાં જે પ્રકટે તે તો પ્રકટ્યા વગરનું જ રહી જાય ! અહીં લલિત નિબંધને પોષક બને તેવી કલાકીય ‘અવ્યવસ્થિતતા’ છે, તો વાચક અને લેખક વચ્ચે વિશ્રંભનો, અનૌપચારિકતાનો સેતુ રચાઈ આવે તેવી, વાચકના કર્ણમૂળ પાસે જઈ કરેલી આત્મીયતાભરી વાતો પણ છે. આ ઉભય તત્વો સંગ્રહની ઘણી રચનાઓને અનન્યતા અર્પે છે.
આવા આ જનાન્તિક રૂપમાં સર્જકના વ્યક્તિત્વના અનેક રંગો ખીલ્યા છે. આધુનિક સંવેદનાઓને લઈને આવતી વેદનશીલતા છે; વનસંસ્કૃતિથી અભિભૂત આરણ્યકતા છે; શુક્લપક્ષના ત્રીજ-ચોથના ચંદ્રના ચીંદરડામાં વીંટાળીને સાચવી રાખેલો અને અહીંયાં અનેક સ્થળે ખૂલી જતો શિશુ રંગ છે; પુષ્પો, વૃક્ષો અને ઋતુઓમાં, પંખીઓમાં ગરક પ્રકૃતિરસિયો જીવ છે; કાવ્ય, વિવેચન, નવલકથા અને નવલિકા વિશે વિભિન્ન ર્દષ્ટિબિન્દુઓ રજૂ કરતો વિદગ્ધ સર્જક-વિવેચક પણ છે; અને વાલ્મીકિ, કાલિદાસ, રવીન્દ્ર, કામૂ, કાફકા, સાર્ત્ર તેમજ રિલ્કે-બોદલેર જેવા અનેક સર્જકોને માણીને બેઠેલો ભાવકોત્તમ પણ છે. લલિત નિબંધને ધાર આપી રહે છે અહીં લેખકનું આવું સમૃદ્ધ, ભાતીગળ વ્યક્તિત્વ.
પ્રારંભનાં પૃષ્ઠોમાં વતન સોનગઢનું, ત્યાંના ખંડિયેર કિલ્લાનું, સાતકાશીના ગાઢ વનનું, તાપી અને ઝાંખરી સરિતાનું અને એ સર્વમાં અનુસ્યૂત સર્જકના શૈશવનું – તેની મધુર સ્મૃતિઓનું આહલાદક ચિત્રણ થયું છે. ગુલાબ કે મધુમાલતીની મીઠી સંગત માણતાં નીરન્ધ્ર પ્રસન્નતા અનુભવતું બાળપણ, દાદા-દાદીમા વચ્ચે પાંગરેલું બાળપણ લેખકને ક્યાંક નિગૂઢ ચિંતનમાં પણ ખેંચી જાય છે. ઋતુઓનાં, રાત્રિઓનાં, આકાશનાં, પંખીઓ કે પવનનાં ચિત્રોમાં પ્રકટતું તેમનું વિસ્મય એ વર્ણનોને નવ્ય પરિમાણ અર્પી રહે છે. સમાજની અનેકવિધ મર્યાદાઓ પરત્વે પણ લેખકે યથાસમયે ફરિયાદ કરી છે. એ ફરિયાદમાં ક્યાંક તીખાશ પણ ભળી છે. રિલ્કેએરિકા વચ્ચેના પ્રેમપત્રો, રિલ્કેનાં કાવ્યોશોકપ્રશસ્તિઓ વગેરેમાં તેમની કારયિત્રી-ભાવયિત્રી પ્રતિભાનું સમુચિત ડોલન અનુભવાય છે.
સંગ્રહની રચનાઓનું ગદ્ય, તેનો અવિયોજ્ય અંશ બની રહ્યું છે. તેમની કલ્પનપ્રચુર કાવ્યમય અભિવ્યક્તિમાં વિચારમયતા છે પણ તેની બરડતા નથી, મીઠાશ છે પણ અતિરેક વિનાની. શિષ્ટ-મધુર ગદ્ય આ રચનાઓનો વિશેષ છે.
તરલ સંવેદનાઓ ને આત્મીયતાથી દ્રવતી રચનાઓમાં ક્યાંક અભિગ્રહ-પૂર્વગ્રહના કાકુ તીવ્ર બન્યા છે છતાં લેખકના ભર્યાભર્યા ‘હું’ અને ઋજુ, મુલાયમ ગદ્યને લઈને ગુજરાતી નિબંધસાહિત્યમાં ‘જનાન્તિકે’ સુરેશ જોષીના વિશિષ્ટ અર્પણ તરીકે હંમેશાં ધ્યાન ખેંચતો રહ્યો છે.
પ્રવીણ દરજી