જનાન્તિક : સંસ્કૃત નાટકમાં વપરાતી નાટ્યોક્તિની નાટ્યયુક્તિ (dramatic device). સંવાદમાં એવી ઉક્તિ આવે છે જે અમુક જ પાત્રો માટે શ્રાવ્ય હોય. સામાન્યત: નાટકના સંવાદો રંગમંચ ઉપર ઉપસ્થિત બધાં જ પાત્રોને આવરી લેતા હોય છે; પરંતુ ક્યારેક એવી નાટ્યપરિસ્થિતિ સર્જાય જ્યારે બધાં પાત્રોમાંનાં કેટલાંક પાત્રો એવી વાતચીત કરતાં હોય જે મંચ પરનાં અમુક અન્ય પાત્રોને સાંભળવાની ન હોય. આ પ્રકારની નાટ્યોક્તિઓને (સંવાદોને) સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓ नियतश्राव्य તરીકે ઓળખાવે છે જેનો એક પ્રકાર જનાન્તિક છે.

આ ઉક્તિ દ્વારા પ્રેક્ષકને એવી પ્રતીતિ કરાવવાની હોય છે કે એ ઉક્તિ મોટેથી – આખો પ્રેક્ષકસમુદાય સાંભળે એ રીતે બોલાયેલ હોવા છતાં મંચ પરનાં અન્ય પાત્રો એ સાંભળતાં નથી. અર્થાત્ તે સંવાદ ચોક્કસ પાત્રોને માટે શ્રાવ્ય છે અને અન્ય પાત્રો મંચ ઉપર ઉપસ્થિત હોવા છતાં તેમને માટે અશ્રાવ્ય છે.

‘જનાન્તિક’ નાટ્યોક્તિના અભિનય માટે એક વિશિષ્ટ પદ્ધતિનો નાટ્યશાસ્ત્રીઓએ આદેશ કરેલો છે, તે મુજબ જે સંવાદ ‘ત્રિપતાકાકરણ’થી થાય તે જનાન્તિક કહેવાય. ‘ત્રિપતાકાકરણ’ એટલે અનામિકા આંગળીને અંગૂઠાથી દબાવી રાખી એ હાથ મુખ સમક્ષ ધરી વાચિક અભિવ્યક્તિ કરવી તે. તે સમયનો સુજ્ઞ પ્રેક્ષક આ મુદ્રાથી સુવિદિત હતો તેથી એણે એમ માની લેવાનું થાય કે આ વાચિક માત્ર અમુક પાત્રો પૂરતું જ શ્રાવ્ય છે, બાકીનાં માટે અશ્રાવ્ય.

આ પ્રમાણે આ અભિનય વાચિક અભિનય હોવા છતાં, તેમાં ત્રિપતાકા મુદ્રા દ્વારા આંગિક અભિનય પણ ઉમેરાઈ જાય છે અને એક વિશિષ્ટ અર્થ વ્યક્ત કરે છે.

ગિરીશ ઈ. ઠાકર