જનનગ્રંથિન્યૂનતા (hypogonadism) : પુરુષોની જનનગ્રંથિના ઘટેલા અંત:સ્રાવી કાર્યથી થતો વિકાર. પુરુષોની જનનગ્રંથિને શુક્રગ્રંથિ, શુક્રપિંડ અથવા વૃષણ (testis) કહે છે. તેના ઘટેલા કાર્યનાં વિવિધ કારણો છે (જુઓ સારણી 1).
સારણી 1 જનનગ્રંથિન્યૂનતાનાં કારણો |
|
1 | દ્વૈતીયિક (secondary) જનનગ્રંથિન્યૂનતા |
અ. અધશ્ચેતક (hypothalamus) – પીયૂષિકા ગ્રંથિ-
(pituitary gland)ના રોગો |
|
2 | પ્રાથમિક શુક્રગ્રંથિની નિષ્ફળતા |
અ. અશુક્રગ્રંથિતા (anorchia) | |
આ. ક્લાઇન્ફેલ્ટરનું સંલક્ષણ | |
ઇ. ગાલપચોળાના વિષાણુથી થતો શુક્રગ્રંથિ શોથ (orchitis) | |
ઈ. શુક્રગ્રંથિનો ક્ષય | |
ઉ. શુક્રગ્રંથિની ગાંઠ | |
ઊ. અજ્ઞાતમૂલ (idiopathic) | |
એ. કૅન્સરની સારવાર – દવાઓ/વિકિરણ ચિકિત્સા |
પુરુષોની જનનગ્રંથિ (શુક્રગ્રંથિ) બે મુખ્ય કાર્યો કરે છે. તે શુક્રકોષોનું ઉત્પાદન કરે છે, જે વીર્ય સાથે બહાર નીકળીને સ્ત્રીબીજ(અંડકોષ)નું ફલન કરે છે. તે ઉપરાંત તે ટેસ્ટોસ્ટીરોન નામનો અંત:સ્રાવ (hormone) ઉત્પન્ન કરે છે જે પુરુષોની દ્વૈતીયિક લિંગીય લાક્ષણિકતાઓ (male secondary sexual characters) સર્જે છે, દા.ત., મૂછદાઢીના વાળ, ઘેરો અવાજ વગેરે. તેના આ કાર્યને કારણે તે એક પ્રકારની અંત:સ્રાવી ગ્રંથિ (endocrine gland) પણ છે. જ્યારે તેનું અંત:સ્રાવી કાર્ય ઘટે ત્યારે તેને જનનગ્રંથિન્યૂનતા કહે છે. તે મુખ્યત્વે બે પ્રકારની છે – પ્રાથમિક અને દ્વૈતીયિક.
શુક્રગ્રંથિના રોગ કે વિકારમાં વિક્ષેપ થાય ત્યારે તેના કાર્યમાં પ્રાથમિક ન્યૂનતા (deficiency) ઉદભવે છે. તે સમય અધશ્ચેતક (hypothalamus) પીયૂષિકા(pituitary) ગ્રંથિ દ્વારા લ્યુટિનાઇઝિંગ હૉર્મોન (LH) અને ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હૉર્મોન(FSH)નું ઉત્પાદન વધે છે. તેમને ગુજરાતીમાં અનુક્રમે પીતપિંડકારી અંત:સ્રાવ અને પુટિકા-ઉત્તેજક અંત:સ્રાવ કહે છે. તેમને સંયુક્ત રીતે જનનગ્રંથિ-ઉત્તેજક (gonadotrophic) અંત:સ્રાવો પણ કહે છે. જન્મથી જ જો શુક્રગ્રંથિ વિકસી ન હોય તો તેને અશુક્રગ્રંથિતા (anorchia) કહે છે. લિંગીય રંગસૂત્રોની સંખ્યામાં વિકાર ઉદભવે ત્યારે ક્લાઇનફેલ્ટરનું સંલક્ષણ થાય છે. જો અધશ્ચેતક-પીયૂષિકાગ્રંથિનો રોગ કે વિકાર હોય તો જનનગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવોનું ઉત્પાદન ઘટે છે અને તેથી શુક્રગ્રંથિનું કાર્ય ઘટે છે. તેને કારણે તેને દ્વૈતીયિક જનનગ્રંથિન્યૂનતા કહે છે.
લક્ષણો અને ચિહનો : સામાન્ય રીતે તે કારણભૂત વિકાર પ્રમાણેનાં હોય છે. જન્મજાત જનનગ્રંથિ-ઉત્તેજક અંત:સ્રાવની ઊણપને કાલમેન(Kallmann)નું સંલક્ષણ કહે છે. ક્રેનિઓ-ફેરિન્જીઓમા, સાર્કોઇડોસિસ, ક્ષય, હિસ્ટીઓસાયટોસિસ-એક્સ, માથાને ઈજા કે શસ્ત્રક્રિયા તથા ગાંઠ થઈ હોય તો અધશ્ચેતકનું કાર્ય ઘટે છે. તેવી જ રીતે પીયૂષિકા ગ્રંથિની ગાંઠ, શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર (radiotherapy), ગ્રંથિમાં લોહી વહે, માથામાં ઈજા થાય કે સ્વકોષઘ્ની રોગથી પીયૂષિકાગ્રંથિ અસરગ્રસ્ત થાય તો દ્વૈતીયિક પ્રકારનો વિકાર ઉદભવે છે. તે સમયે અધશ્ચેતક કે પીયૂષિકાગ્રંથિના રોગનાં અન્ય ચિહનો-લક્ષણો જોવા મળે છે. પીયૂષિકાગ્રંથિની ગાંઠમાં ર્દષ્ટિક્ષેત્રમાં ડાઘા જોવા મળે છે. દાઢીમૂછ ઊગવા જેવી જાતીય લાક્ષણિકતાઓ જ્યારે વિકસે ત્યારે તેને યૌવનારંભ (puberty) કહે છે. જો વિકાર બાળપણમાં થાય તો યૌવનારંભ મોડો થાય છે, વ્યક્તિની ઊંચાઈ ઓછી રહે છે અને પુરુષની વિશેષ લાક્ષણિકતાઓ વિકસતી નથી. અપોષણ, મૂત્રપિંડની નિષ્ફળતા, હૃદયરોગ, વિવિધ ઉત્સેચકોની ઊણપ, મનોવિકારી અરુચિ (anorexia nervosa), લાગણીલક્ષી વિકાર, અતિશય કસરત વગેરે પણ ક્યારેક બાળપણમાં આ વિકાર સર્જે છે. જો યૌવનારંભના કાળમાં આ ન્યૂનતા ચાલુ રહે તો ઊંચાઈ વધે છે, મોં પર વાળ ઊગતા નથી, અવાજ તીણો રહે છે, બાહ્ય જનનાંગો અવિકસિત રહે છે અને વ્યક્તિત્વનો વિકાસ ઘટે છે. વ્યક્તિ નપુંસક (eunuch) બને છે. પુખ્ત વ્યક્તિમાં ટેસ્ટોસ્ટીરોનનું ઉત્પાદન ઘટે તો કામોત્તેજના (libido) ઘટે છે, લૈંગિક અક્ષમતા (impotence) થાય છે. પાછળથી દાઢી કરવાની જરૂરિયાત, શરીર પરના વાળ અને સ્નાયુનું બળ ઘટે છે. જો શસ્ત્રક્રિયાથી શુક્રગ્રંથિ દૂર કરી હોય અને ટેસ્ટોસ્ટીરોન આપવામાં ન આવ્યું હોય તો વારંવાર ગરમીની સંવેદના અને પુષ્કળ પરસેવો થાય છે. ક્લાઇનફેલ્ટરના સંલક્ષણમાં સ્તન મોટાં થાય છે. જો યૌવનારંભ મોડો હોય તો તે વિકારની તીવ્રતા નક્કી કરવા માટે પાંચ કક્ષાઓ નિશ્ચિત કરવામાં આવી છે. લોહીમાં ટેસ્ટોસ્ટીરોન, LH, FSHનું પ્રમાણ તથા વ્યક્તિનાં હાડકાંની પાકટતા પરથી નક્કી કરાતી ઉંમર જાણવાથી નિદાન થાય છે.
સારવાર : મૂળ કારણ પર ઉપચાર નિર્ભર છે. જો ટેસ્ટોસ્ટીરોનની ઊણપ હોય તો તે અપાય છે. જો યૌવનારંભ મોડો હોય તો ટેસ્ટોસ્ટીરોન કે ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હૉર્મોન અપાય છે. જો પ્રાથમિક જનનગ્રંથિન્યૂનતાને કારણે વંધ્યતા આવી હોય તો તેનો ઉપચાર શક્ય નથી; પરંતુ જો તે સલ્ફાસેલેઝિનને કારણે હોય તો તેને બંધ કરવાનું સૂચવાય છે.
શિલીન નં. શુક્લ