જનપ્રિય રામાયણ : તેલુગુ કાવ્ય. 1983માં તેલુગુના પ્રસિદ્ધ કવિ નારાયણાચાર્યે રચેલું ‘જનપ્રિય રામાયણ’ સાહિત્ય અકાદમીએ 1983ના તેલુગુના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કારયોગ્ય ગણ્યું હતું. એ જ વર્ષમાં આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ નારાયણાચાર્યને એ પુસ્તકની રચના માટે પુરસ્કૃત કરાયા હતા.

મધ્યકાલીન યુગમાં તેલુગુમાં રામાયણવિષયક અનેક ઉત્કૃષ્ટ રચના થઈ હતી; પરંતુ અર્વાચીન યુગમાં રામાયણના પ્રસંગો વિશે અનેક કાવ્યો રચાયાં હોવા છતાં સમગ્ર રામાયણનું કથાવસ્તુ લઈને એમાંના પ્રસંગોનું મૌલિક ર્દષ્ટિએ અર્થઘટન કરીને રચાયેલી ‘જનપ્રિય રામાયણ’ રામાયણવિષયક શ્રેષ્ઠ કૃતિ છે.

રામાયણને જનપ્રિય બનાવવા કવિએ મૂળ રામાયણમાં થોડા ફેરફાર કર્યા છે અને મૂળમાં કેટલુંક ઉમેરણ કર્યું છે. જેમ કે, વિશ્વામિત્ર રામને સ્વયંવરમાં મિથિલા લઈ જાય છે, ત્યારે પૂજા કરવા જતી સીતા વિશ્વામિત્ર તથા રામને મળે છે, તે વખતે રામ શિવધનુષ્ય તોડશે, ત્યારે જ સીતા તરફ ર્દષ્ટિ કરશે એમ કવિ કહે છે. કારણ વિના સીતા તરફ અધિકારર્દષ્ટિ કરવાનું એમને અભદ્ર લાગે છે. જ્યારે કૈકેયી દશરથ પાસે વચનપાલનની માગણી કરે છે, ત્યારે પણ સીતા કૈકેયીનો દોષ કાઢતાં નથી અને કહે છે કે વડીલોનો દોષ કાઢીએ તો પાપમાં પડાય. જ્યારે રામ શૂર્પણખાનાં નાક-કાન કાપે છે ત્યારે પણ એ રામને કહે છે કે ‘તમારે આ ક્રૂરતા નહોતી આચરવી જોઈતી.’ મોટો ફેરફાર એ છે કે એમણે એ દર્શાવ્યું છે કે સીતાને ખબર નહોતી કે હરણ માયાવી છે. છતાં નિર્દોષ હરણને મારવા રામને મોકલ્યા એ દોષને કારણે એને રાવણ હરી ગયો અને રાવણના બંદી તરીકે રહેવું પડ્યું. સુગ્રીવ સીતાનાં આભૂષણ રામને બતાવે છે, ત્યારે રામ ધ્રુસકે ધ્રુસકે રડ્યા ને ‘સીતે સીતે’ કહી સીતાને પોકારવા લાગ્યા. ત્યાં પણ રામનો સીતા માટેનો અઢળક પ્રેમ દર્શાવાયો છે. ‘અગ્નિપરીક્ષા’ એ એટલા માટે કરવાનું કહે છે કે એમને તો સીતાની શુદ્ધિ વિશે જરાય શંકા નથી, પણ લોકો સમક્ષ સીતાની પવિત્રતા દર્શાવવી હતી.

આ રીતે સામાન્ય જનને રામ તરફ ભક્તિભાવ ઉત્પન્ન થાય અને રામસીતા એમનાં પ્રિયપાત્ર બની જાય તે ર્દષ્ટિથી રામાયણ કથાનું જનપ્રિય રામાયણમાં નિરૂપણ થયું છે.

ચન્દ્રકાન્ત મહેતા