છોડ-ઘર અસર (greenhouse effect) : નાના છોડવાની વૃદ્ધિ તેમજ ઇતર ઋતુના છોડવાઓનું રક્ષણ કરતી આબોહવાને નિયંત્રિત કરતી કાચની પરિબદ્ધ (enclosed) સંરચનાની સમતુલાનો ભંગ કરતી અસર.
જીવસૃષ્ટિને કારણે પર્યાવરણને અસર થતી હોય છે. માનવસમુદાય તથા ઉદ્યોગો હવા, પાણી અને જમીનમાં અપશિષ્ટ (રદ્દી) દ્રવ્યો મુક્ત કરે છે અને પર્યાવરણનું પ્રદૂષણ કરે છે. કેટલાંક પ્રદૂષકો પર્યાવરણમાં વર્ષો સુધી જેમનાં તેમ જ રહેતાં હોય છે. આવાં પ્રદૂષકોને દીર્ઘસ્થાયી કહે છે. તેમાંનાં કેટલાંક ઝેરી હોય છે. કાર્બન મૉનૉક્સાઇડ, કાર્બન ડાયૉક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ, નાઇટ્રોજન ઑક્સાઇડ, હાઇડ્રોકાર્બન અને કાર્બનના સૂક્ષ્મ કણો હવાનાં પ્રાથમિક પ્રદૂષકો છે. તેમાંથી કેટલાંક સંયોજિત થઈને ગૌણ પ્રદૂષકો બનાવે છે જે ખરેખર ઘાતક હોય છે.
સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ઑક્સાઇડ હવામાં રહેલાં ભેજ અને પાણી સાથે પ્રક્રિયા કરીને સલ્ફ્યુરિક અને નાઇટ્રિક ઍસિડનું નિર્માણ કરે છે. આ ઍસિડ વરસાદ સાથે ધરતી ઉપર આવે છે, જેને ઍસિડનો વરસાદ કહે છે. ઍસિડનો વરસાદ, પારિતંત્ર (ecosystem) ઉપર માઠી અસર કરે છે. (ભૌતિક પરિબળો અને સજીવો વચ્ચે ઊર્જા અને રસાયણોનો વિનિમય તે પારિતંત્ર). તેનાથી છોડનાં પાન ખવાઈ જાય છે. ઔદ્યોગિક વિસ્તારનાં જંગલો ઍસિડના વરસાદથી સુકાઈ જાય છે. વળી વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક જમીનના કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ જેવાં પોષક દ્રવ્યોનું તે નિક્ષાલન (leaching) કરે છે. ઍસિડના વરસાદથી તળાવના પાણીમાં વૃદ્ધિ પામતા લીલ અને શેવાળ સિવાયના અન્ય જીવોનો નાશ થાય છે. ધાતુઓ અને આરસનું પણ ખવાણ થાય છે.
કાર્બન કણો, મેશ (lamp black) અને કાર્બન ડાયૉક્સાઇડની હવામાન ઉપર વિપરીત અસર થાય છે. છોડ-ઘર અસરને કારણે જમીન અને પાણીના તાપમાનમાં થનારા વધારાની આગાહી આજે થઈ શકી છે. હવામાં કાર્બન ડાયૉક્સાઇડનો જથ્થો વધવાથી પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે. આ સંજોગોમાં પૃથ્વી ગરમ થાય તે સ્વાભાવિક છે. છોડ-ઘર કાચનું ઘર છે જેમાં ગરમ આબોહવાની વનસ્પતિની ઠંડા હવામાનમાં વૃદ્ધિ કરવામાં આવે છે. છોડ-ઘરને કાચની દીવાલ હોય છે જે તેની અંદર રહેલી ઉષ્માને બહારના વાતાવરણમાં જતી રોકે છે.
આજે હવામાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ વધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ વધશે. વનસ્પતિ કાર્બન ડાયૉક્સાઇડનું શોષણ કરે છે. પણ આજે તો જંગલો ખલાસ થતાં જાય છે. બીજી બાજુ જીવાશ્મ (fossile) ઈંધણથી કાર્બન ડાયૉક્સાઇડનો સતત વધારો થઈ રહ્યો છે. જે દરે કાર્બન ડાયોક્સાઇડ હવામાં ઉમેરાતો જાય છે તે દરે તો એકવીસમી સદીની મધ્યમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ બમણું થશે એમ લાગે છે. તેનાથી તાપમાનમાં વાર્ષિક 3°થી 8° સે. જેટલો વધારો થશે. ભૂમંડળના તાપમાનમાં થતો આવો વધારો કૃષિ-ઉત્પાદન ઉપર વિપરીત અસર કરશે. ધ્રુવીય પ્રદેશોનો બરફ ઓગળી દરિયા ભેગો થશે. સમુદ્રની સપાટી ઊંચે આવશે. પરિણામે લંડન, ગ્લાસગો, ફ્લૉરિડા, ટોકિયો, ઓસાકા, મૉન્ટ્રિયલ, સ્ટૉકહોમ, કોપનહેગન, કૉલકાતા અને સમુદ્રતટના પ્રદેશોનો કેટલોક વિસ્તાર ડૂબમાં જવાનો ભય છે.
પ્રહલાદ છ. પટેલ