છાયાવાદ : આધુનિક હિન્દી કવિતાની 1918ની આસપાસ પ્રવર્તેલી કાવ્યધારા. દ્વિવેદીયુગની નીરસ, ઉપદેશપ્રધાન, વર્ણનાત્મક અને સ્થૂલ આદર્શવાદી રીતિકાલીન કાવ્યપ્રવૃત્તિઓના વિરોધમાં વિદ્રોહ રૂપે આ કાવ્યધારા પ્રવૃત્ત થઈ. આ કાવ્યધારા પર અંગ્રેજી રંગપ્રધાન (romantic) કવિઓ અને બંગાળના કવિ રવીન્દ્રનાથનો પ્રભાવ હતો. મુકુટધર પાંડેયે તેને નામ આપ્યું ‘છાયાવાદ’ અને આ જ નામ પ્રચલિત થઈ ગયું.
1920ની આસપાસ પ્રકાશિત થયેલા નિબંધો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તે સમયે છાયાવાદ શબ્દનો પ્રયોગ અંગ્રેજીના રહસ્યવાદ(mysticism)ના અર્થમાં થતો હતો; પરંતુ છાયાવાદ રહસ્યવાદથી ભિન્ન છે એમ સમજાતાં એવી પ્રતીતિ થઈ કે રહસ્યવાદ છાયાવાદનો એક નાનો શો અંશ માત્ર છે. બધી છાયાવાદી કવિતાઓ રહસ્યવાદી નથી હોતી. છાયાવાદમાં આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિકતા, અલૌકિકતા કે દાર્શનિકતા એવો નથી, પણ સ્થૂલ લૌકિકતાની અંદર નિહિત સૂક્ષ્મ ચેતના એવો થાય છે. આ જ ચેતનાની સૂક્ષ્મ અનુભૂતિઓની અભિવ્યક્તિ જે નવીન શૈલીમાં થઈ તેનું જ નામ છાયાવાદ પડ્યું. ડૉ. નગેન્દ્રના મત અનુસાર ‘છાયાવાદ એ સ્થૂલની સામે સૂક્ષ્મનો વિદ્રોહ છે.’
છાયાવાદને અંગ્રેજીના રોમાન્ટિસિઝમ અથવા સ્વછંદતાવાદના અર્થમાં સમજવામાં આવ્યો છે. આચાર્ય નંદદુલારે બાજપેયીના મતાનુસાર છાયાવાદની જે વિશેષતાઓનો ઉલ્લેખ છે તે બધી રોમાન્ટિસિઝમમાં મળે છે. તેમના મત અનુસાર છાયાવાદી કાવ્ય પ્રાકૃતિક સૌંદર્ય અને તે તે સમયની જીવનપરિસ્થિતિઓથી જ મુખ્યત્વે અનુપ્રાણિત હોય છે. ‘છાયાવાદ માનવજીવન, સૌંદર્ય અને પ્રકૃતિને આત્માનું અભિન્ન સ્વરૂપ માને છે.’ જોકે બંનેમાં વ્યક્તિસ્વાતંત્ર્ય, સ્થૂલ બંધનો અને રૂઢિઓ વિરુદ્ધ વિદ્રોહ ઉપરાંત પ્રેમ અને આત્માભિવ્યંજનાની પ્રવૃત્તિઓ સમાન રૂપે મળે છે. પણ બંનેની વચ્ચે દેશ અને કાલનું જે અંતર છે તેને લીધે બંનેના સ્વરૂપમાં પર્યાપ્ત અંતર છે.
વસ્તુત: છાયાવાદ એ વીસમી સદીના પહેલા બે દસકાઓમાં ભારતમાં થયેલ નવજાગૃતિ(રેનેસાં)નું કાવ્યાત્મક રૂપાન્તર છે. આત્માનુભૂતિની અભિવ્યક્તિ, કલ્પનાની અતિશયતા, સૌંદર્ય તરફનું આકર્ષણ, વિસ્મયની ભાવના, એક જ સૂક્ષ્મ ચેતનાનું સમગ્ર વિશ્વમાં દર્શન, સામાજિક-ધાર્મિક-રાજનૈતિક અને સાહિત્યિક બંધનો અને રૂઢિઓ સામે વિદ્રોહ અને ઉન્મુક્ત પ્રેમની પ્રવૃત્તિ એ બધી એની વિશેષતાઓ છે.
છાયાવાદની અન્ય પ્રવૃત્તિઓ છે : ભારતીય ચિંતનની વિવિધ પરંપરાઓની અભિવ્યક્તિ, વિવેકાનંદની ભક્તિ, ગાંધીવાદી માનવતા અને રવીન્દ્રનાથ ઠાકુરની વિશ્વબંધુત્વની ભાવનાની કાવ્યાત્મક અભિવ્યક્તિ અને રાષ્ટ્રીયતાની ભાવના.
જયશંકર ‘પ્રસાદ’, સૂર્યકાન્ત ત્રિપાઠી ‘નિરાલા’, સુમિત્રાનંદન પંત અને મહાદેવી વર્મા – આ ચાર કવિઓ છાયાવાદના આધારસ્તંભો છે. તે ઉપરાંત રામકુમાર વર્મા, ભગવતીચરણ વર્મા, જાનકીવલ્લભ શાસ્ત્રી આદિ પણ આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.
ગીતા જૈન
અનુ. ચન્દ્રકાન્ત મહેતા