છારો (mildew) : વનસ્પતિમાં થતો એક ફૂગજન્ય રોગ. યજમાન વનસ્પતિનાં પાન, દાંડી કે ફળ પર સફેદ, ભૂખરા, બદામી કે અન્ય રંગની ભૂકી સ્વરૂપે ફૂગના અસંખ્ય બીજાણુઓ પ્રસરેલા હોય છે. વાસી બ્રેડ, કપડાં અને પડદા જેવી વસ્તુઓ પર આ ફૂગ પ્રસરતી હોય છે. આશરે 7181 જેટલી ફૂગની પ્રજાતિઓ વિશિષ્ટ યજમાન પર છારાનો રોગ ઉપજાવે છે. ભેજ, તાપમાન, પ્રકાશ કે જમીનની ફળદ્રૂપતા જેવાં પરિબળોની અસર હેઠળ આ રોગ પેદા થાય છે. છારો બે પ્રકારનો જોવા મળે છે.

1. ભૂકી છારો (powdery mildew) : ભૂકી સ્વરૂપના વિવિધ રંગના બીજાણુઓ પર પ્રસરેલ જોવા મળે છે. દ્રાક્ષમાં આ રોગ Ananeala nector નામની ફૂગ દ્વારા, સફરજનમાં Podosphaera leucotricha ફૂગ દ્વારા જ્યારે વટાણામાં Erysiphyel polygoni ફૂગ દ્વારા થાય છે.

2. તળ છારો (downey mildew) : પાનની નીચેની સપાટી પર જ સફેદ ભૂકી દેખાય છે. રોગનો ઉપદ્રવ વધતાં ડાળી પર પણ ફેલાય છે જે કાળી થઈને સુકાઈ જાય છે. દ્રાક્ષમાં આ રોગ Plasmopara viticola અને બાજરીમાં Sclerospora graminicola દ્વારા થાય છે.

છારા રોગના નિયંત્રણ માટે વિવિધ ફૂગનાશકો જેવાં કે બોર્ડો મિશ્રણ, ગંધકનો પાઉડર વગેરેનો છંટકાવ કરવામાં આવે છે. ગંધક પાઉડરથી નુકસાન થતું હોય તેવી વેલવાળી વનસ્પતિમાં ડિનીકૅપ કે કાલીક્ષીનનો છંટકાવ કરવો પડે છે. આ ઉપરાંત રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. રોગપીડિત પાકના અવશેષનો બાળીને નાશ કરવો પણ હિતાવહ છે.

પ્રમોદ રતિલાલ શાહ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ