છટકયંત્રરચના (escapement) : એક દોલિત ઘટક (oscillating member) સાથે જોડેલા પૅલેટ સાથે, એકાંતરે દાંતાવાળું ચક્ર (toothed wheel) જોડાણ કરે તેવી યંત્રરચના. આ યંત્રરચનાનો ઉપયોગ મુખ્યત્વે ઘડિયાળો(time pieces)માં થાય છે.
જ્યાં દોલિત ગતિની જરૂરિયાત હોય ત્યાં તે વપરાય છે. યાંત્રિક ઘડિયાળોમાં, છટકયંત્રરચના ઊર્જા-સ્રોત (energy source) અને નિયંત્રક કળ(regulating device)ની વચ્ચે દરમિયાનગીરી કરે છે. તેના ઉપર ઊર્જા-સ્રોત અને નિયંત્રક કળ બંનેનું બળ લાગે છે. ગિયરમાલા(gear train)નું છેલ્લું ચક્ર અને છટક-ચક્ર બંને એક જ શાફ્ટ ઉપર બેસાડેલાં હોય છે. નિયંત્રક કળને ચલાવવા માટે છટક- ચક્રની મદદથી આવેગો (impulses) આપવામાં આવે છે.
લંગર પ્રતિક્ષેપ (anchor recoil) છટકયંત્રરચના આકૃતિ 1માં દર્શાવી છે. એ લોલકની સાથે વપરાય છે. દોલિત ઘટકના આકાર અને તેની ગતિ ઉપરથી આ યંત્રરચનાને આવું નામ આપવામાં આવ્યું છે. આકૃતિ 1માં દર્શાવેલ સ્થિતિમાં પૅલેટ B એ છટક-ચક્ર વડે આવેગ મેળવ્યો છે. આ આવેગથી લોલકને ગતિ મળે છે જે ડાબી બાજુની હોય છે. પૅલેટ B દાંતાને છોડી દે છે ને ચક્ર છટકે છે. પૅલેટ (C) ચક્રને અટકાવે છે. લોલકે તેની ગતિ પૂર્ણ ન કરી હોવાથી છટક-ચક્ર ક્ષણિક ઉત્ક્રમણ (momentary reversal) અનુભવે છે. ચક્રનો દાંતો જે પૅલેટ(C)ની સાથે સંપર્કમાં છે તે વિરુદ્ધ દિશામાં આવેગ આપે છે. આધુનિક ઘડિયાળોમાં સ્વતંત્ર-લીવર (detached-lever) છટકયંત્રરચનાનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં, આવેગો ચાલકચક્ર(operating cycle)ના નાના ભાગમાં જ લાગે છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ